Saturday, October 25, 2025
HomeFeature Postપાઠ્યપુસ્તકોમાં ઝડપથી થઈ રહેલાં ફેરફારના સંબંધ રાજકારણ જોડે લાગી રહ્યો છે…

પાઠ્યપુસ્તકોમાં ઝડપથી થઈ રહેલાં ફેરફારના સંબંધ રાજકારણ જોડે લાગી રહ્યો છે…

- Advertisement -

કિરણ કાપૂરે. નવજીવન ન્યૂઝ: ‘નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ [NCERT] પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમમાં ઝડપથી ફેરફાર આવી રહ્યા છે. આ વર્ષે જે મુદ્દાઓ ‘એનસીઇઆરટી’[NCERT] પુસ્તકોમાંથી કાઢી નાંખવામાં આવ્યા છે તેમાં ગાંધીજી (Gandhiji) એ આદરેલા હિંદુમુસ્લિમ એકતાના પ્રયાસો, ગાંધીજીની હત્યા પછી રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ પર લાગેલો પ્રતિબંધ, ગુજરાત રમખાણોના તમામ સંદર્ભો અને વર્તમાન ભારતમાં થયેલાં કેટલાંક સામાજિક આંદોલનો છે. કેન્દ્રની ભાજપની સરકાર (Bharatiya Janata Party) દ્વારા પાઠ્યપુસ્તકોમાં ફેરફારની કવાયત ઘણાં વખતથી ચાલી રહી છે અને આ વખતે પ્રકરણોના હિસ્સા કોઈ તર્કબદ્ધ કારણ આપ્યા વિના કાઢી નાંખવામાં છે.

શાસનના વિચારોને અનુકૂળ ઇતિહાસ પાઠ્યપુસ્તકોમાં ન હોય અને તે રીતે ઇતિહાસને જોવો પણ ન જોઈએ. તેનું મૂલ્યાંકન તઢસ્ય રીતે થવું જોઈએ અને તેથી અત્યાર સુધી દેશના ઇતિહાસના મહત્ત્વના પ્રકરણો ‘એનસીઇઆરટી’ના પુસ્તકોમાં જોવા મળતા હતા. હાલમાં જે પ્રકરણનો હિસ્સો 12 ધોરણના ‘રાજકીય વિજ્ઞાન’[Political Science]ના પુસ્તકમાંથી કાઢવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે : “પાકિસ્તાન જેમ મુસ્લિમોનો દેશ તેમ ભારત હિંદુઓનો દેશ બનવો જોઈએ તેવી તરફેણ કરનારા અને જેઓ બદલો લેવામાં માનતા હતા તેઓ ગાંધીને પસંદ કરતા નહીં. તેમનો ગાંધીજી પર આરોપ હતો કે તેઓ મુસ્લિમ અને પાકિસ્તાન તરફી વલણ દાખવી રહ્યા છે. ગાંધીજીને લાગતું કે આ લોકોને કોઈએ ગેરમાર્ગે દોર્યા છે. તેઓ સૌને એ સમજાવતા હતા કે જો ભારતને માત્ર ને માત્ર હિંદુઓ માટેનો દેશ બનાવવામાં આવશે તો ભારત નેસ્તનાબૂદ થશે. હિંદુ કટ્ટરપંથીઓના વિરોધ અર્થે ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાનું કાર્ય જોરશોરથી ઊપાડ્યું, જે કારણે કટ્ટરપંથીઓએ તેમની હત્યાના પ્રયાસો કર્યા.” આ પૂરો પેરેગ્રાફ ઉડાડી દેવામાં આવ્યો છે. આ ઇતિહાસ છે અને તેને કોઈ નકારી શકે નહીં. અને સાચો ઇતિહાસ ભણાવાતો નથી તો પછી ઇતિહાસની ભૂલો ફરી દેશમાં થશે તો આશ્ચર્ય નથી.

- Advertisement -

આ ઉપરાંત જે બીજો પેરેગ્રાફ કાઢી નાંખવામાં આવ્યો છે તે જોઈએ : “ગાંધીજીની હત્યાની અસર કોમી વાતાવરણ પર ચમત્કારીક રીતે થઈ. વિભાજન સંબંધિત આક્રોશ અને હિંસા એકાએક શમવા માંડ્યા. જે સંસ્થાઓ લાગણી ઉશ્કેરી રહી હતી તેના પર ભારત સરકારે પગલાં લેવા માંડ્યા. રાષ્ટ્રિય સ્વયંમસેવક સંઘ જેવા જૂથ પર થોડા વખત માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. અને ધીરે ધીરે કોમી રાજનીતિની પકડ ઢીલી પડવા માંડી.” આ સિવાય ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેના આગળ લાગેલું વિશેષણ ‘કટ્ટર હિંદુ અખબારના તંત્રી’નું વાક્ય પણ પુસ્તકમાંથી અલોપ થઈ ચૂક્યું છે.

2104થી અત્યાર સુધી ‘એનસીઇઆરટી’ના પાઠ્યપુસ્તકોનો આ ત્રીજી વાર સમીક્ષા થઈ છે. પ્રથમવાર જ્યારે 2017માં સમીક્ષા કરવામાં આવી ત્યારે તેમાંથી 1,334 જેટલાં ફેરફાર કરવામાં આવ્યા હતા. તે પછી 2019માં આ રીતે બદલાવ કરવામાં આવ્યા હતા, હવે જે હિસ્સા કાઢી નાંખવામાં આવ્યા છે તે આ જ વર્ષથી લાગુ કરી દેવામાં આવશે.

આ ફેરફાર અંગે ‘એનસીઇઆરટી’ના ડિરેક્ટર દિનેશ સકલીનનું કહેવું છે કે : “પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયત ગત્ વર્ષે કરવામાં આવી હતી, આ વર્ષે જે કંઈ થયું છે તે કાંઈ નવું નથી.” ‘એનસીઇઆરટી’ના વેબસાઇટ પર આ ફેરફારનું કારણ આ રીતે દર્શાવ્યું છે : “કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને એવી નીતિ અમલમાં મૂકવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ પરથી પાઠ્યસામગ્રીનો ભાર હળવો કરવામાં આવે. રાષ્ટ્રિય શિક્ષણ નીતિ-2020 મુજબ પાઠ્યપુસ્તકોનો ભાર હળવો કરવાની અને રચનાત્મક વિચારના આધારે શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. અને તે કારણે તમામ ધોરણની પાઠ્યપુસ્તકોમાં એક પછી એક આ રીતે ફેરફાર કરવામાં આવશે.”

- Advertisement -

‘એનસીઇઆરટી’ દ્વારા જે વિદ્યાર્થીઓના હિત અર્થે જે કારણ આપવામાં આવ્યું છે તેના પરથી તેમને વિદ્યાર્થીઓની ખૂબ ચિંતા હોય તેમ લાગે છે, પણ ખરેખર ફી મુદ્દે, શાળાના માળખાકીય સુવિધા બાબતે, શિક્ષણ આપવાની શૈલી બાબતે અને શૈક્ષણિક જગતની અન્ય અનેક બદીઓ વિશે ‘એન.સી.ઇ.આર.ટી.’ કશુંય ખુલીને બોલતી નથી. માન્યું કે તેનું કાર્ય માત્ર પાઠ્યપુસ્તકો સંબંધિત વિષયનું છે, પણ તેમાં તે વિદ્યાર્થીઓને ખોટીં ચિંતા કરીને ખોટાં ઇતિહાસ ભણાવવા તરફ શિક્ષણને લઈ જઈ રહી છે. આ નુકસાન ભરપાઈ થઈ શકે એવું નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular