Saturday, November 1, 2025
HomeGeneral18 વર્ષના રઝળપાટ પછી ન્યાય ન મળતા સુત્રાપાડાના ખેડૂતે કીડની વેચવા અરજી...

18 વર્ષના રઝળપાટ પછી ન્યાય ન મળતા સુત્રાપાડાના ખેડૂતે કીડની વેચવા અરજી કરી, અગાઉ CMને પણ કરી હતી રજૂઆતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુત્રાપાડાઃ ભારતમાં ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ અને ખર્ચાળ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયા છે સુત્રાપાડાના ખેડૂત અરસીભાઈ રામ. અરસીભાઈના કહેવા પ્રમાણે છેલ્લા 18 વર્ષથી પોતાની જમીનની બોગસ સહીઓ અને કાગળ બનાવી વેચી દેવાઈ છે જે મામલે ન્યાય ઝંખી રહ્યો છું. અરસીભાઈ આ મામલે ન્યાય માટે વેરાવળથી ગાંધીનગર સાઈકલ ચલાવી મુખ્યમંત્રીને મળવા અને આ અંગેની રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે છતાં ન્યાય નહીં મળતા પ્રધાનમંત્રી મોદીને મળવા સાયકલ લઈ દિલ્હી જવા નીકળ્યા હતા, જે યાત્રા દરમિયાન તાલાલાથી પોલીસે તેમની અટક કરી લીધી હતી. હવે તેમણે ન્યાય માટે ઉચ્ચ અદાલતમાં જવા માટે નાણાની જરૂરિયાત હોવાથી પોતાની કીડની વેચવાની મંજૂરી માંગતી અરજી કરી છે.

બાબત એવી છે કે, સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડૂત અરસીભાઈ રામ અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા હતા, તેમનો આક્ષેપ છે કે તેમની કુકરાશ ગામની જમીન વર્ષ 2002માં બોગસ કાગળ બનાવી અને સહીઓ કરી શખ્સો દ્વારા વેચી મારવામાં આવી છે. અરસીભાઈના આક્ષેપ પ્રમાણે તત્કાલીન સરપંચ પુષ્પાબેન્ છાત્રોડીયા અને નાગાજણભાઈ છાત્રોડીયા, લક્ષમણ મેર, મંગાભાઈ સોલંકી તેમજ તલાટી મંત્રી અનીલ ચુનીલાલ દ્વારા બોગસ કાગળ અને સહીઓ કરી તેમની માલીકીની જમીન વેચી દેવામાં આવી છે.

- Advertisement -

આ મામલે તેઓ દ્વારા છેલ્લા 18 વર્ષથી રજૂઆતો અને ફરિયાદો કરી રહ્યા છે. અરસીભાઈના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી જવાના પ્રયાસો પછી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો. પછી અરસીભાઈએ લેન્ડગ્રેબિંગના કાયદા કલમો મુજબ કાર્યવાહીની માંગણી કરી હતી, જે મામલે કલેકટર કચેરી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આખરે તેઓ આ મામલે ઉચ્ચ અદાલતમા જવા ઈચ્છતા હોય નાણાની જરૂરિયાત હોવાથી કીડની વેચવા ઈચ્છે છે. અરસીભાઈએ કલેકટરને કરેલી અરજીમાં કહ્યું છે કે, આ લડતમાં તેમના 18 વર્ષ જતા રહ્યાં, પણ ન્યાય નથી મળ્યો. માટે તેઓ તાત્કાલીક ન્યાય ઝંખે છે કારણ કે તેમની 2-3 પેઢી જતી રહેશે તો પણ ન્યાય મળશે તેમ તેમને લાગતું નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular