Saturday, October 25, 2025
HomeNationalમીડિયા વન કેસમાં સુપ્રિમ કોર્ટે કરી અખબારી સ્વાતંત્ર્યની તરફેણ…

મીડિયા વન કેસમાં સુપ્રિમ કોર્ટે કરી અખબારી સ્વાતંત્ર્યની તરફેણ…

- Advertisement -

કિરણ કાપૂરે. નવજીવન ન્યૂઝ: અખબારી સ્વાતંત્ર્યને (Press Freedom) લઈને સુપ્રિમ કોર્ટે (Supreme Court) હાલમાં મુખરપણે તરફેણ કરી છે. તરફેણ કરવાનો મુદ્દો છે તે ‘મીડિયા વન’ (Media One) નામની મલયાલમ ચેનલ. 2021માં આ ચેનલ પર ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રિય સુરક્ષાનો હવાલો આપીને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. અને તે પછી ‘મીડિયા વન’ ચેનલ પર પ્રતિબંધ લદાયો. પહેલાં આ ચેનલનો કેસ કેરળ હાઇકોર્ટમાં ચાલ્યો જ્યાં આ પ્રતિબંધ યથાવત્ રહ્યો, પરંતુ સુપ્રિમ કોર્ટમાં ચેનલના પ્રતિબંધની કોઈ દલીલ ટકી નહીં અને હવે ચેનલને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મીડિયા મુક્ત રહેવું જોઈએ તેવું વલણ સુપ્રિમ કોર્ટે અનેકવાર લીધું છે. પણ મહદંશે મીડિયા પોતાના જ બજારના ગણિતમાં ફસાય છે અને પછી તેના વહારે કોઈ આવતું નથી. છેલ્લે તે મીડિયા પ્રચલિત શબ્દોમાં જેને ગોદી મીડિયા કહે છે તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. આજકાલ આવા ગોદી મીડિયાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ‘મીડિયા વન’નો કેસ અખબારી આઝાદી ઇચ્છનારાઓ માટે પ્રેરક છે.

આ પૂરા કેસ વિશે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા વિસ્તૃત કવરેજ કરવામાં આવ્યું છે. તેમાં આપેલી વિગતો મુજબ ‘મીડિયા વન’ નામની ચેનલને સૌપ્રથમ 7 ફેબ્રુઆરી 2011ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તે વખતે કેન્દ્રમાં ‘યુપીએ’ની સરકાર હતી. ‘મીડિયા વન’ ચેનલ ‘માધ્યમમ બ્રોડકાસ્ટિંગ લિમિટેડ’ હેઠળ ચાલતી કંપની છે. અને 2011માં આ કંપનીએ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી પાસે મંજૂરી મેળવ્યા બાદ દસ વર્ષે તે મંજૂરીને રિન્યૂ કરવાની હતી. હવે જ્યારે ચેનલ દ્વારા 2021માં રિન્યૂ માટે અરજ કરવામાં આવી ત્યારે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો. તેના કારણોમાં ગૃહ મંત્રાલયે સુરક્ષાના મુદ્દા આગળ ધર્યા. ગૃહ મંત્રાલય મુજબ ચેનલના સ્થાપકો ‘જમાત-એ-ઇસ્લામ હિંદ’ નામના સંગઠન સાથે જોડાણ ધરાવે છે. આ રીતે ‘મીડિયા વન’ ચેનલ સર્વત્ર દેખાવવાની બંધ થઈ.

- Advertisement -

અત્યારે એ વાત સ્વીકારી લેવામાં આવી છે કે સત્તા સામે ડહાપણ ચાલતું નથી; અને વિશેષ કરીને મીડિયા કંપની ચલાવવાના બાબતે. ‘મીડિયા વન’ ચેનલ ધરાવતી કંપની પણ આ સ્વીકારીને પીછેહઠ કરી શકત. પણ ચેનલના માલિકે ગૃહ મંત્રાલયના સુરક્ષાના મુદ્દાને કેરળ હાઇકોર્ટમાં પડકાર્યો. કેરળ હાઇકોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે પણ ગૃહ મંત્રાલયે સુરક્ષાનો મુદ્દાની રજૂઆત કરીને અહેવાલ સુપરત કર્યો. કેરળ હાઇકોર્ટની સિંગલ બેંચે 9 ફેબ્રુઆરીના રોજ આપેલા ચૂકાદામાં ચેનલ પરનો પ્રતિબંધ યથાવત્ રાખ્યો. કેન્દ્ર દ્વારા હાઇકોર્ટમાં બંધ કવરમાં આપેલા દસ્તાવેજોના આધારે ચૂકાદો આપવામાં આવ્યો. હાઇકોર્ટના ડિવિઝન બેંચ દ્વારા આ દસ્તાવેજોનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેમાં ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા અધિકારીઓના સમિતિ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યા હતા તે આધાર કોર્ટે નિર્ણય લીધો. કેરળ હાઇકોર્ટે આ કેસ સંબંધે કહ્યું કે, “એ સ્પષ્ટ છે કે મુદ્દાની ગંભીરતા જોતા ચેનલને ફરી મંજૂરી આપી શકાય નહીં. ચેનલને જો મંજૂરી મળશે તો તેનાથી દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને હાનિ પહોંચવાની શક્યતા છે.” ઉપરાંત એમેય કહ્યું કે, “રાજ્ય સામાન્ય રીતે જ્યારે અભિવ્યક્તિ આઝાદીની વાત આવે ત્યારે તેમાં દખલગીરી કરતું નથી અને જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આવે ત્યારે તેમં ન્યાયિક પુનઃતપાસણીની માંગણીનો અવકાશ રહેતો નથી.”

આજે જ્યારે અખબારી આઝાદીમાં આપણે નીચેના પાયદાન પર જઈ રહ્યા છે ત્યારે ‘મીડિયા વન’ કેસ તરોપું બનીને આવ્યો છે. કારણ કે દેશમાં મીડિયાની સ્થિતિ બદતર છે. ‘પ્રેસ ફ્રિડમ ઇન્ડેક્સ’માં ભારત સતત નીચે ગગડીને 150 ક્રમે આવી ચૂક્યું છે. પરંતુ ‘મીડિયા વન’ અખાબારી અધિકાર સામે લડવાનું ઠરાવ્યું. કેરળ હાઇકોર્ટમાં પ્રતિબંધ જારી રહ્યા બાદ ‘મીડિયા વન’ ચેનલની કંપનીએ સુપ્રિમમાં અપીલ કરી. સુપ્રિમ કોર્ટમાં અપીલ કરતી વેળાએ ચેનલના હોદ્દેદારોએ કહ્યું કે, અમને અમારો પક્ષ મૂકવાની જરાસરખી તક મળી નથી. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે બંધ કવરમાં જ્યારે હાઇકોર્ટમાં દસ્તાવેજ રજૂ થયા તો અમારી વાત સાંભળ્યા વિના ચૂકાદો આપી દેવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટે તુરંત 15 માર્ચના રોજ કેરળ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે આપ્યો અને ચેનલનું પ્રસારણ ફરી શરૂ કર્યું.

સુપ્રિમ કોર્ટે ચેનલ પરના પ્રતિબંધ હટાવીને પોતાનો ઇરાદો તો જાહેર કરી દીધો હતો. પરંતુ આગળ જ્યારે કેરળ હાઇકોર્ટનો ચુકાદો અને ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજીના દસ્તાવેજ જોયા ત્યારે તેના પર ટિપ્પણીયે કરી. મુખ્ય ન્યાયાધીશ ડી. વાઇ. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ હેમા કોહલીની બેંચ આ કેસ સાંભળ્યો. તેમણે સૌપ્રથમ તો બંધ કવરની પ્રક્રિયાની ઝાટકણી કાઢી. આ અંગે ફરી સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, બંધ કવર યોગ્ય કાર્યવાહી કરવા પર અંકુશ લગાવે છે અને તેનાથી અરજકર્તા અંધારામાં રહે છે.

- Advertisement -

હવે આ પૂરો મુદ્દો કેમ ઊભો થયો તેનું કારણ જમાત-એ-ઇસ્લામી હિંદ જૂથ છે. ‘મીડિયા વન’ ચેનલના સર્વેસર્વા ઓ. અબ્દુરરહેમાન છે. તેઓ દેશમાં થઈ મુસ્લિમ સંબંધિત મુદ્દાઓ વિશે સતત બોલતા રહ્યા છે અને તેમની ચેનલમાં પણ આ મુદ્દા કવર થતા રહ્યા છે. ઉપરાંત જ્યારે તેમની ચેનલ આરંભાઈ ત્યારે તેમાં જમાત-એ-ઇસ્લામી હિંદના સભ્યો પણ સહભાગી થયા હતા. વર્તમાન સરકારની નીતિ અંગે ‘મીડિયા વન’માં અનેક વખત ટીકા થઈ ચૂકી છે. ‘મીડિયા વન’ કેરળમાં મોટું ગ્રૂપ છે અને 2013માં ‘મીડિયા’ વન દ્વારા અરબ વિશ્વમાં જાણીતા અલઝઝીરા સાથે પણ કન્ટેન્ટ શેરીંગ બાબતે યુતિ સાધી હતી. 2020માં જ્યારે દિલ્હીમાં રમખાણો થયા ત્યારે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી દ્વારા ‘મીડિયા વન’ના રિપોર્ટીંગને પૂર્ગગ્રહ ધરાવતું ગણાવ્યું હતું. અને ચેનલને 48 કલાક માટે પ્રતિબંધિત કરી દીધી હતી. ચેનલ દ્વારા દિલ્હી પોલીસની અને આરએસએસની સતત ટીકા કરવામાં આવી હતી. ‘મીડિયા વન’ દેશની ગણીગાંઠી ચેનલ છે જેની માલિકી ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન અંતર્ગત આવતી હોય.

જોકે એક તરફ જમાત એ ઇસ્લામી હિંદ જૂથ અને તેની સાથે સંકળાયેલી ચેનલ ‘મીડિયા વન’ દ્વારા વર્તમાન સરકારની ટીકા થાય છે; ત્યારે બીજી તરફ આ વર્ષની શરૂઆતમાં જમાત-એ-ઇસ્લામી જૂથે કેરળમાં રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘ સાથે બેઠક પણ યોજી હતી. બેઠકના મુદ્દા કાશી મથુરામાં બે કોમો વચ્ચે ઊભા થઈ રહેલા વિવાદ છે. સામાન્ય રીતે જમાત એ ઇસ્લામી હિંદ જ્યારે જ્યારે કોઈ મુસ્લિમ જૂથ ભાજપ સાથે બેઠક યોજે તો તેમની ટીકા કરતું રહ્યું છે. પણ આ વખતે જમાત એ ઇસ્લામી હિંદે જ આરઆરએસ સાથે બેઠક યોજી હતી. કેરળમાં જ્યારે ‘મીડિયા વન’ અને જમાત-એ-ઇસ્લામ હિંદની સાંઠગાંઠ અને તેના આસપાસના મુદ્દા જોઈએ ત્યારે ખાસ્સી ગૂંચવણ ઊભી થાય છે. પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર ‘મીડિયા વન’ સામે પ્રતિબંધ માટે મક્કમ હતી અને એટલે જ સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દો પહોંચ્યો ત્યારે પણ સરકાર દ્વારા ‘મીડિયા વન’ વિરોધી દલીલો ખાસ્સી થઈ. જોકે આ કેસમાં સુપ્રિમ કોર્ટનો મત સ્પષ્ટ હતો કે મજબૂત લોકશાહીમાં માધ્યમોની આઝાદી આવશ્યક છે. અને સુપ્રિમ કોર્ટે સાથે એમ પણ કહ્યું કે મીડિયાની એ ફરજ છે કે તે શાસકો સામે સત્ય રજૂ કરે. અને જો તેમ ન થાય તો લોકશાહી જોખમાય. કોર્ટે એ પણ જોયું કે જમાત એ ઇસ્લામ હિંદ જૂથ કોઈ પ્રતિબંધિત જૂથ નથી. આ બધા કારણોને સામે ધરીને સુપ્રિમ કોર્ટે ‘મીડિયા વન’ને ફરી મંજૂરી આપી દીધી છે અને તે મજબૂત લોકશાહી માટે એક સારી નિશાની છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular