ઈરાન યુદ્ધ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં સોનામાં ૧૩ ટકાનું ગાબડું: ડોલર ઇન્ડેક્સ ઉછળીને ૧૦૦.૫
ઈટીએફ બજારમાં રીછ્ડા નૃત્ય: ૧૬ સિલ્વર ઈટીએફ સરેરાશ ૭ ટકા અને ૨૫ ગોલ્ડ પાંચ ટકા ઘટ્યા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ ઉછળીને ૧૦૦.૫ થતા, જાગતિક રોકાણકારોને ડોલરમાં સલામતી દેખાવા લાગી જયારે સોના ચાંદીમાં લોહીની નદીઓ વહેવા લાગી. અમેરિકન ફેડરલ રીઝર્વએ ફુગાવાની ચિતામાંથી જન્મેલી વ્યાજદર ઘટાડાની વાત પડતી મૂકી દેતા, બુલિયન બજારે યુદ્ધનું હેજિંગ (રોકાણ સલામતી) પડતું મુકી દીધું. રોકાણકારોને લાગવા લાગ્યું કે અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન યુદ્ધ ફુગાવાજન્ય અસર ઉભી કરશે અને ઊંચા વ્યાજનો જમાનો પરત ફરશે. ગુરૂવારે એક તબક્કે હાજર સોનું ૬ ટકા ઘટીને ૪૫૦૩ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અને ચાંદી ૧૦ ટકા તૂટીને ૬૫.૫૨ ડોલરમાં ટ્રેડ થઇ હતી. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન યુદ્ધ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં સોનામાં લગભગ ૧૩ ટકાનું ગાબડું પડ્યું છે. તેજીવાળાએ લેણના પોટલા છોડી નાખતા બજારના આંતરપ્રવાહમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. શુક્રવારે એશિયન બજાર સત્રમાં સોનું પ્ર્ત્યઘાતી સુધારે ૪૭૩૫ ડોલર અને ચાંદી ૭૪.૫૫ ડોલર મુકાઈ હતી.
વધુમાં દુનિયાભારમાં બુલિયન વાયદા, ઈટીએફ, મ્યુચ્યુઅલ ફંડ જેવા પેપર સોદામાં ઉડાઉડ વેચાવાલી નોંધાઈ હતી. અમેરિકન પ્રોડ્યુસર્સ પ્રાઈસ ઇન્ડેક્સ અપેક્ષાથી વધુ ઉંચો રહેવા સાથે ફુગાવા વૃદ્ધિ અચોક્કસ સ્થિતિમાં આવી ગઈ હોઈ, ફેડરલ રીઝર્વે વ્યાજદર સ્થિર રાખવાના સંકેત આપ્યા હતા. તેથી સપ્ટેમ્બર સુધી વ્યાજ ઘટાડો હવે સંભવિત નથી એવી ધારણા બંધાઈ. આ બધાની સીધી અસરે લંડન લીસ્ટેડ ખાણ શેરોમાં પણ ગાબડા પડ્યા હતા. ભારતીય બજારમાં આસમાની સુલતાની ઉછળકૂદ વચ્ચે બુલિયન ગ્રાહકો બજારથી અલિપ્ત થઇ જતા, હાજર સોનું વૈશ્વિક ભાવ સામે પ્રતિ ઔંસ ૮૩ ડોલરના એક દાયકાના સૌથી ઊંચા ડિસ્કાઉન્ટથી ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૪૭,૮૮૯ મુકાયું હતું. એક બુલિયન ડીલરે કહ્યું હતું કે જો ઈરાન યુદ્ધ અને ક્રુડ ઓઇલના ભાવમાં આવીજ અફડાતફડી રહેશે તો, સોનાનાં ભાવ રૂ. ૧.૪૦ લાખના તાર્કિક સપોર્ટ તળિયાને તપાસવાનો પ્રયાસ કરશે.
ઉકત બધાજ સમાચારની અસર હેઠળ બન્ને ધાતુના ભાવ છ સપ્તાહના તળિયે બેસી ગયા હતા. એમસીએકસ ચાંદી મે ૨૦૨૬ વાયદો કિલો દીઠ રૂ. ૨,૩૧,૯૬૪ની બોટમે ગયો હતો. સોનું એપ્રિલ ૨૦૨૬ વાયદો રૂ. ૧,૪૭,૬૬૩ બોલાયો હતો. ભારતીય ઈટીએફ બજારમાં પણ રીછ્ડા નૃત્ય કરવા આવ્યા હતા. કોટક અને એદલવાઈસ સિલ્વર ઈટીએફની એનએવી (નેટ એસેટ્સ વેલ્યુ) ૮ ટકા ઘટીને અનુક્રમે રૂ. ૨૨.૧૪ અને રૂ. ૨૨૯.૪૫ મુકાઈ હતી. ગુરુવારે અન્ય ૧૬ સિલ્વર ઈટીએફ પણ સરેરાશ ૭ ટકા ઘટ્યા હતા. ૨૫ જેટલા ગોલ્ડ ઈટીએફ સરેરાશ ૪થી પાંચ ટકા ઘટ્યા હતા. રોકાણકારો માટે આટલા નીચા ભાવે, ફુગાવા સામે રક્ષણ મેળવવા બજાર પ્રવેશનો માર્ગ મોકળો થયો હતો.
સોના ચાંદીમાં રોકાણકારો વોર હેજ પ્રીમીયમ અવગણીને વધુ ઝડપથી વ્યાજદર સંવેદનશીલ બની ગયા હતા. બજાર જ્યારે અસંખ્ય ચિંતાઓ વચ્ચે ઘેરાયેલું હોય ત્યારે, સોના ચાંદીની તેજીના ચાલકબળ બની જવાને બદલે, સાવ વિચિત્ર વર્તન કરી રહ્યા છે. જો કે ઊંચા વ્યાજદર ડોલરની મજબૂતીને ટેકો ટેકો આપતા હોય છે. ત્યારે સલામત સ્વર્ગ ગણાતા સોનાચાંદીના રોકાણની પ્રતિષ્ઠા દાવ પર લાગી જતી હોય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો સોનું શાંત પ્રકૃતિથી સલામતીપૂર્વક વધતું ઘટતું હોય છે. પણ ચાંદી કીમતી ધાતુ અને ઔદ્યોગિક મેટલ એમ બે પ્રકૃતિએ હાઇબ્રીડ છે, તેથી તેમાં સ્વાભાવિક વધઘટ મોટી હોવાની. શેરબજારમાં જ્યારે ભાવ ઘટે ત્યારે તેનો પડઘો ચાંદી પણ ઝીલતી હોય છે.
૨૯ જાન્યુઆરી ૨૦૨૬નાં રોજ સોનાએ ૫૩૫૪.૮૦ ડોલરની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી, તે ગુરુવારે ૧૨.૩ ટકાને ઘટી ટ્રેડ થતું હતું, ૨૬ જાન્યુઆરીએ ચાંદી ૧૧૫.૧૫ ડોલરની સર્વોચ્ચ સપાટીએથી ૩૮.૩ ટકાનો ઘટાડો દાખવતી હતી. જો ૨૭ ફેબ્રુઆરીનાં ૯૩.૨૯ ડોલરના ઊંચા ભાવથી ગણતરી કરીએ તો યુધ્ધારંભ બાદ ૨૩.૯ ટકાનો ઘટાડો અને ગોલ્ડ સિલ્વર રેશિયો ૫૬.૩થી વધીને ૬૬.૧ દાખવે છે. ૨૦૨૪ના આરંભથી સોનાના ભાવ છેલ્લા સવા બે વર્ષમાં ૨૦૭૩ ડોલરની બોટમથી ૧૨૬.૫ ટકા જયારે ૨૦૨૩નાં આરંભે ચાંદીના ભાવ ૨૪.૩૩ ડોલર હતા તે ૧૯૧.૯૦ ટકા વધ્યા હતા.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








