નવજીવન ન્યૂઝ. નડિયાદ: નડિયાદમાં આવેલા ગુજરાત સરકાર સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજે ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી અને રમતવીરોને પ્રોત્સાહન મળે તેવી કેટલીક જાહેરાતો પણ કરી હતી. નડિયાદમાં બનાવેલુ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે, તેમજ ગુજરાતનાં મોટા ભાગના નેશનલ મેડાલિસ્ટ અને ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ નડિયાદના આ કોમ્પ્લેક્ષમાં પ્રેક્ટિસ કરવા માટે આવે છે.

નડિયાદના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં નેશનલ લેવલની દરેક રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. દરેક રમત માટે આધુનિક ગ્રાઉન્ડની સુવિધા આપવામાં આવે છે. દરેક રમત માટે એકથી વધારે નેશનલ લેવલના કોચની સુવિધા આપવામાં આવે છે. અહિયાં અભ્યાસ કરતાં રમતવીરો માટે ખાસ હોસ્ટેલની સુવિધા પણ કરવામાં આવી છે. હોસ્ટેલમાં રહેતા રમતવીરોના ભણતર માટે પણ સુવિધા કરવામાં આવી છે અને તેમના જમવા માટે પણ ખાસ સુવિધા કરવામાં આવી છે, કારણ કે રમતવીરો માટે ખાસ પ્રકારનું ભોજન લેવાનું રહેતું હોય છે જેનું હોસ્ટેલમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
નડિયાદની આ અદ્યતન સ્પોર્ટ્સ એકેડમીમાં એડમિશન લેવાનો રસ્તો ખેલ મહાકુંભ છે. ખેલ મહાકુંભમાં જે રમતવીર સારું પ્રદર્શન કરે તેને એક સમર કેમ્પમાં મોકલવામાં આવે છે. સમર કેમ્પમાં સારા પ્રદર્શન બાદ રમતવીરોને આ એકેડમીમાં એડમિશન મળે છે. અહિયાં એડમિશન મળ્યા બાદ તેમના રહેવા, જમવા, ભણવા અને રમત ગમતના સાધનો દરેક વસ્તુનો ખર્ચ સરકાર ઉપાડે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સાધનો રમતવીરોને ઉપલબ્ધ કરવવામાં આવે છે.

આ સ્પોર્ટ્સ એકેડમીમાં એથ્લેટિક્સ, વોલીબોલ, રેસલિંગ, આર્ચરી, ટાયક્વોન્ડો અને સ્વિમિંગ જેવી દરેક રમતો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના અલગ અલગ સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. દરેક રમત માટે નેશનલ કક્ષાના કોચ રાખવામાં આવ્યા છે જે રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપે છે. આ ઉપરાંત રમતવીરો માટે જિમ અને ફિસિયોથેરપીની પણ સુવિધા કોમ્પ્લેક્ષમાં રાખવામા આવી છે. તેમજ રમતવીરો માટે સ્પેશિયલ ડાયટ પણ તૈયાર કરવામાં આવે છે જે મુજબ જ તેમને જમવાનું આપવામાં આવે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સ્પોર્ટ્સ એકેડમિની મુલાકાત કરી હતી અને ત્યાર બાદ ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામોમાંથી આવતા રમતવીરો કે જેમણે ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યું છે તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમને સન્માનિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાતનું જ નહીં પણ આખા દેશમાં નંબર 1 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. રમતવીરોનું પ્રોત્સાહન અને મનોબળ કેવી રીતે વધારી શકાય તે દિશામાં ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે, જેના ભાગ રૂપે આ વર્ષના બજેટમાં રમત ગમત ક્ષેત્રને 250 કરોડ જેટલી રકમ આપવામાં આવી છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “આ સ્પોર્ટ્સ એકેડમિની હોસ્ટેલમાં રહેતા રમતવીરો માટે જમવાનો ખર્ચ જે 360 રૂપિયા હતી તે વધારીને 480 રૂપિયા કરવામાં આવે છે, જેના લીધે હવે તેમણે મળતું હતું તેના કરતાં પણ વધારે સારી ગુણવત્તા વાળું ભોજન મળી શકે. આગામી એશિયન ગેમ્સમાં અહિયાના રમતવીરો ભારતનું અને ગુજરાતનું નામ રોશન કશે તેવી હું આશા રાખું છું.”
![]() |
![]() |
![]() |











