નવજીવન ન્યૂઝ. સિધ્ધપુરઃ ગુજરાતમાં વધુ એક દલિત યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. એક વ્યક્તિ પોતાના ભત્રીજાના જન્મદિન નિમિત્તે સ્કુલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ જોવા માટે ગયા હતા. જ્યાં બોલ આપવા જેવી સામાન્ય બાબતે માથાકુટ થતાં દલિત યુવાનને (Dalit Youth) જાતિવિષયક અપશબ્દ બોલીને તલવાર વડે હુમલો (Attack) કરીને હાથનો અંગુઠો કાપી નાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે કાકોશી પોલીસ સ્ટેશનમાં (Kakoshi Police Station) 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સિધ્ધપુરના (Siddhpur) કાકોશી ગામમાં રહેતા ધીરજકુમારનો ભત્રીજો હર્ષિદનો જન્મ દિવસ હોવાથી આઈ. ડી. સેલીયા સ્કુલ ખાતે ક્રિકેટના મેદાનમાં મેચ જોવા માટે ગયા હતા. જ્યાં ગામના લોકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન બોલ આપવા બાબતે ધનપુરાવીડ ગામના કુલદીપસિંહ રાજપુત ભત્રીજા પર ગુસ્સે થઈને ગાળો બોલવા લાગ્યો હતો. જોકે આ મામલે ફરિયાદી ધીરજકુમાર વચ્ચે પડીને મામલો શાંત કરાવીને ત્યાંથી નિકળી ગયા હતા.
મામલો આટલેથી અટક્યો નહીં અને ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, તુ બહુ ગરમી કરે છે, તને મારવા માટે મેદાનમાં આવીએ છીએ. તુ ત્યાં જ રહેજે તેમ જણાવ્યું હતું. જોકે ફરિયાદી પર ફોન આવતા ધીરજકુમાર તેમનો ભાઈ ક્રિર્તી, કાકાનો દીકરો તુષાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. જ્યાં ગામના અન્ય માણસો હાજર હોવાથી આ મામલે સમાધાન થયું હતું. ત્યારબાદ સાંજના સમયે ધીરજકુમારે તેમના ભાઈ કિર્તીને ફોન કરતાં અન્ય વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, કોઈક માણસો તમારા ભાઈ પર હુમલો કરીને ભાગી ગયા છે.
ભાઈ પર હુમલો થયો હોવાની જાણકારી મળતા ધીરજકુમાર કાકોશી દવાખાને પહોંચ્યો હતો. જ્યાં કિર્તીના હાથનો અંગુઠો કપાઈ ગયેલો હતો, ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાનો હતા. કિર્તીની હાલત ગંભીર હોવાના કારણે તબીબે પ્રાથમિક સારવાર કરીને પાલનપુરી સુભર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. કિર્તીના હાથના અંગુઠાની પ્લાસ્ટિક સર્જરી કરવાની હોવાથી અમદાવાદ આશીવાર્દ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
સમગ્ર બાબતે કિર્તીએ જણાવ્યું હતું કે, ક્રિકેટ મેદાનમાં થયેલી બોલાચાલી અંગે થયેલા સમાધાન બાદ ક્રિકેટ મેદાન નજીક આવેલી ચાની લારી પાસે બેઠો હતો. તે દરમિયાન સિદ્ધરાજસિંહ મામવાડા, રાજુ દરબાર, જશવંતસિંહ રાજપુત, ચકુભા, મહેન્દ્રસિંહ, કુલદિપસિંહ રાજપુત ત્રણથી ચાર ગાડીઓ લઈને આવ્યા હતા અને મને કહ્યું હતું કે, તું બહુ ગરમી કરે છે, કહીને જાતીવિષયક શબ્દો બોલીને હડધૂત કર્યો હતો. જોકે આ શબ્દો બોલવાની ના પાડતા આ લોકોએ તલવાર, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ લોકોએ જતાં-જતાં કહ્યું કે, હવે પછી વધારે ગરમી કરીશ તો જાનથી મારી નાખીશું.
સમગ્ર મામલે કિર્તીના ભાઈ ધીરજકુમારે કોકાશી પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જોકે આ બનાવને લઈને પોલીસ દ્વારા હજી સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. દલિત યુવાન પર નજીવી બાબતે બેરેહમીથી હુમલો કરવામાં આવતા દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હોસ્પિટલમાં દાખલ કિર્તીની મુલાકાત કરવા માટે પહોંચ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








