નવજીવન ન્યૂઝ, અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ સક્રિય બની છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે બે વર્ષથી પોલીસને હાથતાળી આપતા આઠ આરોપીઓને એકસાથે ઝડપી પાડ્યા છે.
રાયોટિંગ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીઓ ગલી સીમરો ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસે જાળ પાથરી ભિલોડા રોડ પર આવેલી આશ્રમ ચોકડી નજીકથી તમામ આરોપીઓને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
બે વર્ષ જૂના કેસમાં હતા ફરાર
બે વર્ષ અગાઉ ગલી સીમરો ગામમાં થયેલી ઘટનામાં આરોપીઓએ બે મકાનોમાં આગ લગાવી હતી અને બાદમાં શામળાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ સહિતના ગંભીર ગુના નોંધાયા હતા.
ઘટના બાદથી આ તમામ આરોપીઓ ફરાર હતા અને પોલીસને સતત હાથતાળી આપી રહ્યા હતા.
ટેકનિકલ એનાલિસિસથી મળી માહિતી
શામળાજી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ. માલ અને તેમની ટીમે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા.
પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ ભિલોડા તરફ કામકાજે ગયા બાદ પરત શામળાજી તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે આશ્રમ ચોકડી નજીક વોચ ગોઠવી હતી.
ભિલોડા રોડ પરથી કોર્ડન કરી ઝડપાયા
પોલીસને ભિલોડા રોડ પર આરોપીઓ દેખાતા જ ટીમે તેમને કોર્ડન કરી દબોચી લીધા હતા. અચાનક પોલીસને જોઈ આરોપીઓ ચોંકી ઉઠ્યા હતા.
પકડાયેલા આરોપીઓના નામ આ મુજબ છે:
- જગદીશ ઉર્ફે જીગ્નેશ રૂમાલ ઉર્ફે કાંતિ ખરાડી
- જયંતિ જીવા ખરાડી
- રૂમાલ ઉર્ફે કાંતિ કડવા ખરાડી
- અજીત શંકર તરાર
- રમેશ લાલુ તરાર
- વિમલ ખાતુ ભગોરા
- રાજેશ વિમલ ભગોરા
- જીવા લાલુ તરાર
પોલીસે તમામ આરોપીઓને અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








