હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ. સુરત): સામાન્ય સંજોગોમાં તમે લગભગ નહીં સાંભળ્યું હોય કે પોલીસ કોઈ કાર્યક્રમનું આયોજન કરે અને તેમાં ગુનેગારને આમંત્રણ આપે. પણ, કાંઈક નવું કરવા ટેવાયેલા સુરતના પોલીસ કમિશનરે આ નવતર અભિગમ અપનાવ્યો. જેમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ જામીનમુક્ત થયેલા 280 ગુનેગારોને એક સાથે બોલાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ત્રણ પરેડ કરાવી હતી. પહેલા ઓળખ પરેડ, પછી દમ પરેડ અને છેલ્લે સમજદારી માટે સૂચના પરેડ.
હવે આપણે આ વાતને વિગતે સમજીએ. સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર નાની નાની વાતને ધ્યાને લઈ સ્કીમ બનાવવમાં માસ્ટર છે. જ્યારે તેઓ જિલ્લા પોલીસ વડા તરીકે જે તે જિલ્લામાં કાર્યરત હતા ત્યારે પણ અલગ અલગ નિર્ણયો કરી તેનો અમલ કરાવતા. જેમાં ખેડૂતોનો પણ ખ્યાલ રાખવામાં આવે એટલી બારિકાઈથી સ્કીમ બનાવી હોય. જેમણે સુરતમાં પણ અલગ અલગ અનેક પ્રયાસો કર્યા. જેમાં એક નોંધપાત્ર પ્રયાસ ગુનેગારોને સુધરવાની એક તક આપવાનો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચેઇન કે મોબાઈલ સ્નેચિંગ કરવાના ગુનામાં પકડાયા હોય અને જામીન મુક્ત થયેલા હોય તેવા 280 ગુનેગારોને એકત્ર કરવાનો નિર્ણય પોલીસ કમિશનર અજયકુમાર તોમરે લીધો.

જેના ભાગરૂપે શહેરભરની પોલીસે પોત પોતાના વિસ્તારમાં રહેતા આવા ગુનેગારોને એકત્ર કર્યા. તમામ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠા થયા. જ્યાં ખુદ પોલીસ કમિશનર ઉપરાંત તમામ અધિકારીઓ, તમામ બ્રાન્ચના અધિકારીઓ, એક એક પોલીસ મથકમાંથી એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાંચ પોલીસ કર્મચારીને પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રાખવામાં આવ્યા હતા. સૌથી પહેલા તમામ ગુનેગારોની ઓળખ પરેડ કરવામાં આવી હતી. ત્યાર પછી પોલીસની ભાષામાં જેને દમ પરેડ કહેવામાં આવે છે તે દમ પરેડ કરાઈ.
જેમાં પોલીસ કમિશનરે ગુનો કરવાથી કાયદાકીય કોરડો વીંઝવાની વાત સમજાવી હતી. ત્યાર પછી અજયકુમાર તોમરે તમામ ગુનેગારોને ગુનાખોરી છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી જવાની સલાહ આપી હતી. આ રીતે સુરત પોલીસે એક એવા કાર્યક્રમને આખરી ઓપ આપ્યો કે આવો કાર્યક્રમ ભૂતકાળમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ યોજાયો ન હોય. આમ, સુરત પોલીસનો કાર્યક્રમ ગુજરાતમાં પ્રથમ બની રહ્યો હતો. પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આ માનવીય અભિગમના લોકોમાં પણ સારા પડઘા પડ્યા હતા. લોકોએ પણ આ અભિગમને આવકાર્યો હતો.








