નવજીવન ન્યૂઝ.મુંબઈ: દેશને હચમચાવી દેનારા 2006ના મુંબઈ લોકલ ટ્રેન સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે 19 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નીચલી કોર્ટ (મકોકા કોર્ટ) દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ એ જ કેસ છે જેમાં 189 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હાઈકોર્ટે શા માટે તમામને નિર્દોષ જાહેર કર્યા?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેન્ચે ચુકાદો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, “પ્રોસિક્યૂશન (સરકારી પક્ષ) આરોપીઓ સામેના આરોપોને શંકાની બહાર સાબિત કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.” કોર્ટે પ્રોસિક્યૂશન દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓના નિવેદનોને પણ અવિશ્વસનીય ગણાવ્યા હતા. કોર્ટે કથિત રીતે એવી પણ ટિપ્પણી કરી કે, “બ્લાસ્ટના 100 દિવસ પછી કોઈ ટેક્સી ડ્રાઈવર કે અન્ય સાક્ષી માટે આરોપીનો ચહેરો યાદ રાખવો શક્ય નથી.” આ મજબૂત અવલોકનો સાથે કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપ્યો હતો.
નીચલી કોર્ટે ફટકારી હતી ફાંસી અને આજીવન કેદની સજા
નોંધનીય છે કે, ઓક્ટોબર 2015માં મુંબઈની સ્પેશિયલ મકોકા કોર્ટે આ જ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
- આ 5ને થઈ હતી મોતની સજા: કમાલ અંસારી (2021માં કોવિડથી જેલમાં મૃત્યુ), મોહમ્મદ ફૈસલ શેખ, એહતેશામ સિદ્દીકી, નવીદ હુસૈન ખાન અને આસિફ ખાન.
- આ 7ને મળી હતી આજીવન કેદ: તનવીર અંસારી, મોહમ્મદ મજીદ શફી, શેખ મોહમ્મદ અલી, મોહમ્મદ સાજિદ અંસારી, મુજમ્મિલ શેખ, સુહેલ મહમૂદ શેખ અને જમીર અહમદ શેખ.

શું હતો 11 જુલાઈ 2006નો એ ગોઝારો દિવસ?
11 જુલાઈ, 2006ના રોજ સાંજના સમયે મુંબઈની લાઈફલાઈન ગણાતી વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં માત્ર 11 મિનિટના ગાળામાં 7 શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આતંકી હુમલામાં 189 લોકોના કરુણ મોત થયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. હવે હાઈકોર્ટના ચુકાદા બાદ 19 વર્ષ પછી પણ આ સવાલ અકબંધ છે કે આ બ્લાસ્ટના અસલી ગુનેગારો કોણ હતા.








