કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નેશનલ મીડિયામાં અત્યારે ગાંધીજીના નામે એક સ્ટોરી ચાલી રહી છે અને તેમાં ગાંધીજીનું એક વાક્ય ટાંકવામાં આવ્યું છે. ગાંધીજીનું પોતાનું લખાણ હોય તે રીતે આર્ટીકલના મથાળામાં મૂકાયેલું આ વાક્ય છે : ‘मंदिरो को तोडकर बनाई गई मस्जिदें गुलामी के चिन्ह है’. આ લેખ જ્યાં છપાયો છે તે હિંદી મેગેઝિનનું નામ ‘સેવા સમર્પણ’ છે અને તેની છપાયાની તારીખ નવેમ્બર 1989ની છે.
હવે ગાંધીજીએ આવું કહ્યું છે કે નહીં તે માટે સૌપ્રથમ ‘સેવા સમર્પણ’ના અંકમાં તેમણે જે સંદર્ભ આપ્યો છે તે ગાંધીજીના જ તંત્રીપણા હેઠળ ચાલતાં ‘નવજીવન’ સામાયિકનો છે અને તેમાં ‘નવજીવન’ના સંદર્ભની તારીખ 27-07-1937 મૂકવામાં આવી છે. ‘નવજીવન’ની સંદર્ભ તરીકે જે તારીખ આપવામાં આવી છે તેના છ વર્ષ અગાઉ જ ‘નવજીવન’ બંધ થઈ ચૂક્યું હતું. 1933માં ગાંધીજીએ ‘હરિજન’ સામયિકો શરૂ કર્યા હતા અને પછી ગાંધીજીનાં મહદંશે લખાણો તેમાં જ આવતા હતા. જે-તે વખતે ‘સેવા સમર્પણ’એ પ્રથમ પાને ગાંધીજીનું આ વાયરલ થયેલું વાક્ય છાપ્યું છે તેનો સંદર્ભ જ ખોટો છે. હિંદુ-મુસ્લિમો એકબીજા પ્રત્યે પ્રેમ-ભાઈચારો રાખે તેવું મંતવ્ય ગાંધીજીનું આજીવન રહ્યું હતું, ત્યારે કોઈ મેગેઝિન ગાંધીજીના વલણથી બિલકુલ વિપરીત વાત રજૂ કરે ત્યારે તેનો સંદર્ભ વધુ ચોક્સાઈથી મૂકાય, જ્યારે અહીંયા તે સામાન્ય નિયમની વાત મેગેઝિને પાળી નથી.
પછી ગાંધીજીએ આ વાત કોને ઉદ્દેશીને લખી છે તે મુદ્દો આવે છે. તેમાં શ્રીરામ ગોપાલ ‘શરદ’ એમ નામ આપવામાં આવ્યું છે. શ્રીરામ ગોપાલ ‘શરદ’એ ગાંધીજીને પત્ર લખ્યો છે અને તેના જવાબમાં ગાંધીજીએ આ વાત લખી છે. હવે એ વાત ચકાસીએ, તે ચકાસવા ગાંધીજીના જીવનનો લખાણોનો હિસાબસમા ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના સો ગ્રંથ જોવાના થાય. અભ્યાસીઓ-સંશોધકો ગાંધીજીના લખાણોનો સંદર્ભ અહીંયાથી મેળવે છે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના સોએ-સો અંગ્રેજીમાં થયા છે અને તેમાં એકેએક શબ્દ સર્ચ થઈ શકે છે. અહીં સર્ચ કરતાં માલૂમ થયું કે ગાંધીજીએ જીવનમાં ક્યારેય શ્રીરામ ગોપાલ ‘શરદ’ નામના વ્યક્તિને પત્ર લખ્યો નથી. ગાંધીજીના જીવનમાં અનેક ગોપાલ નામના વ્યક્તિ છે; પણ કોઈ શ્રીરામ ગોપાલ ‘શરદ’ એવું નથી. બે જગ્યાએ ગોપાલ નામના વ્યક્તિની ઓળખ સ્થાપિત થઈ શકતી નથી, તેમને પણ ગાંધીજીએ આવું કશુંય લખ્યું નથી. એટલે જેના નામે આ જવાબ ગાંધીજીએ આપ્યો છે તે વાત પણ ખોટી સાબિત થાય છે. એ રીતે શ્રીરામ નામની આસપાસ પણ પત્રની આવી કોઈ વિગત મળતી નથી.
હવે આવે છે ત્રીજો મુદ્દો કે ‘સેવા સમર્પણ’ના અંકમાં નવજીવનના સંદર્ભ તરીકે જે તારીખ આપી છે તેની વાત. આ અંગે પણ તપાસતાં ખ્યાલ આવે છે કે એ દિવસે ગાંધીજીએ સાત પત્રો લખ્યા છે અને તેમાં પણ શ્રીરામ ગોપાલ ‘શરદ’ નામ ક્યાંય આવતું નથી. આ વિશેની વિગતે માહિતી મિત્ર હિંમાશુ ચાવડાએ તેમના બ્લોગમાં લખી છે. (બ્લોગની લિંક : https://himanshuchavada.blogspot.com/2022/05/blog-post_29.html#more) આમ, અલગ-અલગ રીતે ‘સેવા-સમર્પણ’માં ગાંધીજીના નામે આવેલા આ લેખની વિગતની ખરાઈ થતી નથી.
ગાંધીજીએ આજીવન હિંદુ-મુસ્લિમ ઐક્ય અર્થે કાર્ય કર્યું, તે જ મુદ્દે તેમની હત્યા પણ થઈ. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા તે અગાઉ તેમના મનમાં હિંદુમુસ્લિમ ભાઈચારાની વાત પાક્કી થઈ ચૂકી હતી. આફ્રિકામાં બંને કોમ સહજતાથી એકમેક સાથે રહેતી અને તે વાતાવરણમાં ગાંધીજીએ બે દાયકા સુધી કામ કર્યું. હળીમળીને રહેવાનો તેમનો ધ્યેય કાયમી હતો, અને તેથી ભારતમાં આવતાંવેંત તેમણે સુધારક સર સૈયદની વાત અનેક ઠેકાણે ટાંકી છે. સર સૈયદ અહમદનું કહેવું હતું કે ‘હિંદુ અને મુસલમાન ભારત માતાની બે આંખો છે’.
હિંદુ-મુસ્લિમ ઐક્યનું સ્વપ્ન માટે ગાંધીજી અનેક વિવાદોમાં પણ સપડાયા. તેમ છતાંય તે પ્રયાસો તેમણે છોડ્યા નહીં. અહિંસાના આ પુજારીના અન્ય લખાણો જોઈએ તો ખ્યાલ આવી શકે કે ગાંધીજી આવા બેજવાબદારીવાળા નિવેદન ક્યારેય આપ્યા નથી. એટલે હવે ફરી ક્યારેય આ રીતે ગાંધીજીના વલણથી વિપરીત વાત મીડિયામાં આવે તો તેની ચોક્સાઈ કરી લેવી. દરેક વખતે ચોક્સાઈ કરવી સરળ નથી પણ ગાંધીજીના અહિંસાના વલણને ધ્યાનમાં રાખીએ તો પ્રમાણભાનથી એટલું તો નક્કી કરી શકાય કે ગાંધીજી શું લખી-બોલી શકે.
![]() |
![]() |
![]() |