નવજીવન ન્યૂઝ.ગોંડલઃ ગોંડલના બહુ ચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્પોટ થયો છે. અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને તેમના એક સાગરિત મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી સામે ફરિયાદ થઈ હતી. આ ઘટનાને એક મહિનો થઈ ગયો હજી આરોપી મળી આવ્યા નથી. પોલીસને હવે પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ બધા જ હવે ભારત છોડી ચૂક્યા છે, એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે.
ગોંડલની અંદર દુશ્મનાવટ સમવાનું નામ લેતી નથી કોઈક દિવસ જયરાજસિંહ જાડેજા તો કોઈક દિવસ અનિરુદ્ધસિંહ રીબડા એકબીજાનો હિસાબ પતાવવા માટે મેદાનમાં ફરતા હોય છે. ઘટના એવી ઘટે છે કે જયરાજસિંહ જાડેજાના ટેકેદાર અમિત ખૂટ સામે તારીખ 3 મેના રોજ એક યુવતી આવી રાજકોટ પોલીસમાં ફરિયાદ આપે છે કે મારી સાથે અમિત ખૂટે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાના બે દિવસ પછી એટલે કે તારીખ 5મી મેના રોજ અમિત ખૂટ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરે છે અને આત્મહત્યા કરતા પહેલા એક છેલ્લી ચિઠ્ઠી લખે છે. તેમાં અમિત ખૂટનો આરોપ હતો કે, મને ફસાવવામાં આવ્યો, મારી હની ટ્રેપ કરવામાં આવી, જેની પાછળ અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા બંને સામે આ મામલે ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી અને તપાસ કરતાની સાથે જ બહાર આવ્યું કે, અમિત ખૂંટની વાત સાચી હતી.
એક સગીર યુવતી અને તેની બહેનપણીએ મળી આખું કાવતરું ઘડ્યું હતું અને આ કાવતરું ઘડવા માટે મહત્વનો કોઈ માણસ હતો તો રહીમ મકરાણી હતો. રહીમ મકરાણી એટલે કે, આ કેસનો મિસ્ટર એક્સ. જેણે આ છોકરીઓને કહ્યું હતું કે, નોકરી મળશે, પૈસા મળશે, જિંદગી માલમ-માલ થઈ જશે, એટલે આ બંને છોકરીઓ તૈયાર થઈ જેમાં સગીરા હતી. તેણે આવીને દુષ્કર્મની ફરિયાદ આપી પોલીસ સામે આરોપ એવો હતો કે, આખા પ્રકરણમાં રાજકોટના બે વકીલો પણ શામેલ હતા. એટલે પોલીસે બે યુવતી અને બે વકીલોની ધરપકડ કરી લીધી પણ જે મુખ્ય સૂત્રધાર છે. એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણી પોલીસની પકડથી બહાર રહ્યા. ભાગતા પહેલા અનિરુદ્ધસિંહ રીબડાએ અનેક માધ્યમો સાથે વાત કરી અને એવો આરોપ લગાડ્યો કે, અમે નિર્દોષ છીએ પણ અમારું રાજકીય જીવન ખતમ કરવા માટે જયરાજસિંહ જાડેજાએ આ કાવતરું ઘડ્યું છે. આ ઘટનાને એક મહિનો થવા આવ્યો હજી સુધી પોલીસ અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમને શોધી શકી નથી. પોલીસને જે જાણકારી મળી છે એ એવી છે કે, આરોપી નેપાળથી બીજા દેશમાં જતા રહ્યા છે અને એટલે જ રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે લૂક આઉટ નોટિસ બહાર પાડી છે. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસની ભૂમિકાને લઈને બહુ મોટી નારાજગી પાટીદાર અને દલિત આગેવાનોમાં ચાલી રહી છે.
એક જાણકારી એવી પણ મળી છે કે, પોલીસની આ શંકાસ્પદ ભૂમિકાને લઈને દલિત અને પટેલ આગેવાનો ગોંડલમાં નજીકના સમયમાં એક મહાસંમેલન બોલાવવા જઈ રહ્યા છે. જોકે આની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી કે પોલીસ પાસે આ અંગેની મંજૂરી આપવામાં આવી નથી. પાટીદાર અને દલિત આગેવાનોનો આરોપ એવો છે કે ગોંડલ પોલીસ જયરાજસિંહના ઈશારે ચોક્કસ લોકોને નિશાન બનાવી પરેશાન કરી રહી છે. તો આ છે સ્થિતિ ગોંડલની જોઈએ હવે અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમની લૂક આઉટ નોટિસ પછી તેઓ ક્યાં સુધી ભાગતા ફરે છે. કારણ કે, તેમનું સામ્રાજ્ય તો રીબડામાં જ છે એટલે રીબડામાં તો આજે નહીં તો કાલે, પાછા આવવું પડશે. જોઈએ શું થાય છે કારણ કુદરતનો એક નિયમ છે. જેવું વાવશો તેવું લણશો એટલે કોણ હવે લણવાનું છે તેની વાત તો સમય જ કહેશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








