નવજીવન ન્યૂઝ.મોડાસાઃ દારૂના ખેપિયાઓ ગુજરાતમાં દારૂ લાવવા માટે જુદા જુદા કીમિયા અપનાવતા હોય છે. ખાનગી વાહનો, એસટી બસ, એક્ટિવા, જાનની ગાડી અને ટ્રેન તથા વિમાનમાં પણ દારૂની ખેપ મારવામાં આવી હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે હવે બુટલેગરો પોલીસને થાપ આપવા એમ્બ્યૂલન્સ લખેલી ટ્રાવેરામાં વિદેશી દારૂની ખેપ મારવા લાગ્યા હોવાની મોડાસા રૂરલ પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમી આધારે વાંટડા-લાલપુર રોડ પર નાકાબંધી કરી એમ્બ્યૂલન્સમાંથી 1.58 ના દારૂ સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવર અને એક સગીર ખેપિયાને દબોચી લીધો છે.
મોડાસા રૂરલ પોલીસે દારૂની હેરફેર અટકાવવા અંતરિયાળ વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવ્યું. દરમિયાન મળેલી બાતમીને આધારે રાજસ્થાન પાસીંગની એમ્બ્યૂલન્સ લખેલી ટ્રાવેરા ગાડી વિદેશી દારૂ ભરી જીવણપૂર સરડોઇથી અમદાવાદ તરફ જવાની હતી. પોલીસે નાકાબંધી કરી વાંટડા-લાલપુર નજીકથી એમ્બ્યૂલન્સને અટકાવી તલાસી લેતા કારમાંથી 1.58 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે એમ્બ્યૂલન્સ ચાલક હરિસિંહ સોહનસિંહ રાઠોડ (રહે, રાજસ્થાન) અને સગીર વયના વ્યક્તિને દબોચી લઇ રૂ.4.66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. એમ્બ્યૂલન્સમાં વિદેશી દારૂ ભરી આપનાર નરેશ શર્મા (રહે, ટીકર-રાજસ્થાન) અને વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.








