તે મને અમદાવાદ રેલવેસ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર-૧૨ ઉપર આવેલી રેલવે ક્રાઈમબ્રાન્ચની ઓફિસમાં મળી ગયો. તેના હાથમાં ચાનાં કપ–રકાબી હતાં. હમણાં સુધી ચાની કીટલી ઉપર કામ કરતાં ટેણિયાં ઘણાં જોયાં પણ આટલો નાનો કોઈ છોકરો જોવામાં આવ્યો નથી. એટલે મેં તેને ઊભો રાખી પૂછયું, તારું નામ શું છે? તેણે જવાબ આપ્યો ‘જુગનુ’. મેં ફરી પૂછયું કે તારું આખું નામ શું? તેણે ફરીથી જવાબ આપ્યો ‘જુગનુ’.
તે કુતૂહલવશ મારી સામે જોઈ રહ્યો હતો. કદાચ હમણાં સુધી તેને કોઈએ તેનું નામ પૂછયું નહીં હોય, કારણ કે સામાન્ય રીતે ચાની કીટલી ઉપર કામ કરતા છોકરાઓને કોઈ નામથી બોલાવતા નથી. ‘ટેણિયા, એ છોકરા’ જેવા શબ્દોથી બૂમ પાડતા હોઈએ છીએ. મેં તેને પૂછયું, ‘તારી ઉંમર કેટલી છે?’ તેણે થોડો વિચાર કરી પોતાના બંને ખભા ઉછાળી નન્નો ભણ્યો, કારણ કે તેને તેની ઉંમર વિશે પણ ખબર નહોતી. પણ તે માંડ છ–સાત વર્ષનો હતો.
આમ તો તે ઉત્તર પ્રદેશના આઝમગઢમાં તેની માતા કૌશલ્યા અને નાના ભાઈ સાથે રહેતો હતો. તેના પિતા રૂદલ ઉત્તર પ્રદેશથી પેટિયું રળવા માટે આવતા અનેક લોકોની જેમ અમદાવાદ આવી વસ્યા હતા. તેઓ સારંગપુર પુલ પાસે ઈસ્ત્રીકામ કરતા હતા. તેમાંથી જે આવક થાય તેમાંથી પોતાનું અને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ત્યાં અચાનક તેના પિતાની તબિયત બગડી અને એટલી ખરાબ થઈ કે, હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી. ગરીબને જ્યારે ભેટમાં બીમારી મળે ત્યારે તેના માટે મોત પણ મોંઘું બની જાય છે. જુગનુની માતા તેને અને તેના નાના ભાઈને લઈ અમદાવાદ આવી ગઈ. ત્યારે તે પહેલા ધોરણમાં ભણતો હતો.
અમદાવાદ માતા સાથે આવી તો ગયો પણ હજી કાંઈ સમજે તે પહેલાં તેના પિતાની બીમારીને કારણે તેમને શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેના કારણે સૌથી પહેલો પ્રશ્ન સાંજનો ચૂલો કેવી રીતે સળગશે તે ઊભો થયો. તેની માતાએ આંખમાં આંસુને બાંધી જુગનુને કામ કરવાની સલાહ આપી. તે નાનો હતો પણ બધું સમજતો હતો. ગરીબનાં બાળકોનાં નસીબ ફૂટલાં હોય છે, પરંતુ કુદરત સમજ અને હિંમત છૂટથી આપે છે.
જુગનુએ માતાની સૂચના મુજબ ચાની કીટલી ઉપર નોકરી કરવાની શરૂઆત કરી અને તે પણ સવારના ચારથી રાતના આઠ સુધી, કારણ કે ચાર માણસોનાં પેટ ભરાય અને હોસ્પિટલમાં રહેલા પિતાની સારવાર થાય તે જરૂરી હતું. તેની માતાને પિતા પાસે હોસ્પિટલ રહેવું જરૂરી હતું એટલે નાના જુગનુને મોટો થવું અનિવાર્ય હતું. જુગનુને તેના કારણે પૂછયું કે, ‘તારો દોસ્ત કોણ છે?’ ત્યારે તે જાણે કોઈ અજાણ્યા પ્રાણી વિશે સાંભળ્યું હોય તેમ મોઢું પહોળું કરી મારી સામે જોઈ રહ્યો, કારણ કે સવારના ચારથી રાતના આઠ દરમિયાન તેને કોઈની સાથે દોસ્તી થાય તેવો અવકાશ જ નથી.
તેના પિતા જુગનુની મહેનત અને તેની માતાની શ્રદ્ધાથી સાજા થઈને ફરી કામે પણ લાગ્યા. પણ આઈ.એ.એસ.ની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરવાની હોય તેમ એક નવી પરીક્ષા સામે આવી. સારંગપુરમાં ઈસ્ત્રીકામ કરતાં જુગનુનાં માતા-પિતા પાસે તેનો નાનો ભાઈ ગોવિંદ રમી રહ્યો હતો. તેણે કેળાંની લારી જોઈ, તેની માતા પાસે કેળું માગ્યું એટલે તેની માતાએ એક રૂપિયો આપી તેને લારી ઉપર મોકલ્યો. તે ગયો તે ગયો પાછો આવ્યો જ નહીં. ખૂબ શોધ્યો પણ તેનો પત્તો લાગ્યો નહીં. પોલીસ ફરિયાદ
પણ આપી પણ હજી તેનો પત્તો નથી. તેના કારણે થાકીને ઘરે જતો જુગનુ બહાર રમવા જવાની ઇચ્છા વ્યક્ત કરે તો તેની માતા ના પાડે, રખેને તે પણ ક્યાંય ખોવાઈ જાય તો! તેના કારણે તે લાંબા સમયથી રમ્યો જ નથી. તેને આજની તારીખે ક્રિકેટ કોને કહેવાય તેની ખબર નથી.
રોજના વીસ રૂપિયા કમાતો જુગનુ એન.જી.ઓ. માટે બાળમજૂર હોઈ શકે અને તેના જેવાં લાખો બાળકો ભારતમાં કામ કરી પુત્ર હોવાનું કર્તવ્ય નિભાવે છે. તે કડવી વાસ્તવિકતા છે. રમવાની ઉંમરે ઘરનો ભાર ઉપાડી લેનાર જુગનુ માટે આપણા કાયદા બે ટંકનો રોટલો આપી શકતા નથી. તેથી તેની દશા અંગે હોબાળો મચાવી તેનો રોટલો છીનવી લેવાની જરૂર નથી, કારણ કે કોઈના બાળકને આવી ઉંમરે આવી દશામાં જીવવું પડે નહીં તેવી ફુલપ્રૂફ સિસ્ટમ આપણી પાસે નથી.
તે રેલવે એલ.સી.બી. ઓફિસ બહાર અતીઉર રહેમાનની કીટલી ઉપર કામ કરે છે. બંનેનો ધર્મ અલગ છે પણ પેટની ભૂખ અને લોહીનો રંગ સરખો છે. મંદિર અને મસ્જિદ માટે લડતા આપણા નેતાઓએ લડાઈ લડવાની છે ભૂખ સામેની, કારણ કે ભૂખને કોઈ ધર્મ નથી.
મોંઘી ચોકલેટ કે રમકડાં માટે તમારું બાળક જીદ કરે તો તેને એક વાર જુગનુ સાથે મળાવજો. કદાચ તે ફરી ક્યારેય જીદ નહીં કરે. તેની સાથે વાત પૂરી કર્યા પછી મેં તેને દસ રૂપિયાની નોટ આપી. તેણે લેવાની ના પાડી, કહ્યું, “મારા શેઠને લાગશે મેં ચોરી કરી છે.” જે દેશમાં કરોડોને બે ટંક રોટલાનાં ફાંફા હોય અને બીજી તરફ માલેતુજારો લખલૂટ ખર્ચ કરતાં હોય; ત્યારે એકાદ જુગનુનો ચમકારો નવી સવાર માટે પૂરતો છે.
[‘જીવતી વારતા’ પુસ્તકમાંથી]