નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ રશિયાની એક ઓઇલ કંપની સાથે 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરવાનો કરાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે બંને કંપનીઓ વચ્ચે સીધી વાતચીત થઈ છે, આ ડીલ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રશિયા સાથેની આ ડીલ આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ભારતને ઉપલબ્ધ શ્રેષ્ઠ નિયમો અને શરતોના આધારે કરવામાં આવી છે.
મોસ્કોએ યુક્રેન પર કરેલા હુમલાના જવાબમાં પશ્ચિમી દેશોએ રશિયા પર અમેરિકાના તેલ આયાત પ્રતિબંધ સહિતના પ્રતિબંધો લાદ્યા છે, જોકે રશિયન ઓઇલ કંપનીઓ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારતીય ઓઇલ કંપનીઓ પર કોઇ પ્રતિબંધ નથી. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદતા જ રશિયાએ ભારત સહિત અન્ય મોટા આયાતકારોને રાહતદરે તેલ આપવાની ઓફર કરી હતી.
અત્યારે વધુ ભારતીય ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલની આયાત માટે રશિયાની ઓઇલ કંપનીઓ સાથે સોદા કરી શકે છે. આ સોદો એવા સમયે થયો છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. રશિયાના આક્રમણ બાદથી જ વિશ્વવ્યાપી બજારમાં પણ તેલના ભાવમાં વધારો થયો છે. જેની અસર લોકોના ખિસ્સા પર પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારત તેની જરૂરિયાતના ૮૦ ટકાથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આ સપ્તાહની શરૂઆતમાં ભારત અને રશિયન ફેડરેશન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્ક સ્થાપિત થયા બાદ આ સોદો થયો છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોમવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. સરકાર ઉપલબ્ધ તમામ વિકલ્પો પર વિચાર કરશે.”
![]() |
![]() |
![]() |











