Wednesday, December 17, 2025
HomeGujaratAnandજુઓ અહીં બની રહી છે ગુજરાતની સૌથી મોટી NCC લીડરશીપ એકેડમી, 25મીએ...

જુઓ અહીં બની રહી છે ગુજરાતની સૌથી મોટી NCC લીડરશીપ એકેડમી, 25મીએ પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન

- Advertisement -

આણંદ: 25 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન કરશે. ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે.

પ્રથમ ફેઝ અંતર્ગત ₹5 કરોડના ખર્ચે 200 કેડેટ્સ માટે આધુનિક નિવાસ તેમજ તાલીમની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બીજા ફેઝ અંતર્ગત ₹25 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ આ એકેડમીમાં 600 NCC કેડેટ્સ સામેલ થઇ શકશે. દેશના યુવાનોને આધુનિક માનસિક અને શારીરિક તાલીમ આપવા માટે એકેડમીમાં પૂરતી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. અહીં રૉક ક્લાઇમ્બિંગ વૉલ, અવરોધ માર્ગ, ફાયરિંગ રેન્જ, ડિજીટલ ક્લાસરૂમ્સ તેમજ ડ્રીલ ગ્રાઉન્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે.

- Advertisement -

28 જુલાઇથી તાલીમ કેમ્પ શરૂ થશે
ઉદ્ઘાટન બાદ 28 જુલાઇથી આ એકેડમીમાં ‘યુવા આપદા તાલીમ કેમ્પ’ અને ‘કમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ’ શરૂ થશે. ત્યારબાદ સમયાંતરે NCC કેમ્પ્સનું કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. આ એકેડમી કુલ 15 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. ગુજરાતમાં NCC તાલીમને નવી ઉંચાઇએ લઇ જવા માટે આ એકેડમી મહત્પૂર્ણ બની રહેશે જે યુવાનોમાં નેતૃત્વ, દેશભક્તિ અને સામાજિક જવાબદારીના મૂલ્યોને ઉજાગર કરશે. આ એકેડમીનું નિર્માણ ગુજરાત સરકારની યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

રિપબ્લિક ડે પરેડ માટે અહીંથી પસંદગી થશે
આ બાબતે 4 ગુજરાત NCC બટાલિયન, વલ્લભવિદ્યાનગરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનીષ ભોલાએ જણાવ્યું હતું કે “600ની સ્ટ્રેન્થ થયા બાદ સંખ્યાની દૃષ્ટિએ આ ગુજરાતની સૌથી મોટી NCC લીડરશીપ એકેડમી બની જશે. ગુજરાતના યુવાનો માટે આ એક સારી સુવિધા છે જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના યુવાનોનું પર્ફોર્મન્સ વધુ સારું બનશે. ગુજરાતની ઘણી બટાલિયનના કેમ્પ અહીં જ આયોજિત થશે અને રિપબ્લિક ડે પરેડ માટેના યુવાનોની પસંદગી પણ અહીંથી થશે. અત્યારે ગુજરાતમાં 75 હજારની કેડેટ સ્ટ્રેન્થ છે, જેને આવનારા દિવસોમાં 85 હજાર સુધી લઇ જઇશું.”

દેશના યુવાનોમાં નેતૃત્વ વિકસિત થાય અને તેઓ દેશભક્તિ સાથે સાહસવૃત્તિ અને શિસ્ત કેળવીને દેશના સૈન્યમાં જોડાય તેવા ઉદ્દેશ અને મિશન સાથે NCC કાર્ય કરે છે. ગુજરાતમાં NCC દ્વારા યુવાનોમાં આ ગુણો વિકસિત કરવા માટે વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધી ગુજરાતમાં 135થી વધુ મિલિટરી કેમ્પ અને 45થી વધુ સામાજિક જાગરૂકતા માટેના કેમ્પ આયોજિત કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં 1.9 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ રહ્યાં છે. રાજ્યમાંથી 20 કેડેટ ઓફિસર તરીકે કમિશન્ડ થયા છે અને 213 અગ્નિવીર એનરોલ થયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular