Thursday, March 12, 2026
HomeGujarat'આક્રમક લખો છો...' તેવા અભિનંદનો પછી ભુલ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે

‘આક્રમક લખો છો…’ તેવા અભિનંદનો પછી ભુલ થવાની સંપૂર્ણ શક્યતાઓ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ): મારે ક્રાઈમ રિપોર્ટીંગમાં (Crime Reporting) ત્રણ દાયકા કરતા વધુ સમય પસાર થયો, રોજ કંઈક નવું શીખતો અને કયારેક ભુલ પણ કરતો હતો, જો કે ભુલ કરવી અને ભુલ કરી છે તેવું સમજાય તે બહુ જરૂરી હોય છે, સામાન્ય રીતે પત્રકારત્વમાં (Journalism in Ahmedabad )જે વિષય વેચાય છે તેવા વિષયોમાં ભુલ થવાની વધારે સંભાવના છે, પરંતુ વિષય વેચવાની લાલસામાં પ્રમાણભાન રહેતુ નથી. આવું મેં પોતે પણ પ્રણાણભાન નહીં રાખવાની ભુલ કરી છે.



- Advertisement -

2005ની વાત છે હું ગુજરાતના એક નામાંકિત અખબારમાં કામ કરતો હતો, એક બહુ જ સામાન્ય ક્રાઈમ સ્ટોરી હતી, જે આરોપી હતો તેમના ભાઈ એક આઈપીએસ અધિકારી હતા. ઘટના સામાન્ય હતી, પણ જેની ઉપર આરોપ લાગ્યો તેના ભાઈ આઈપીએસ અધિકારી હોવાને કારણે મારે મન ઘટના અસામાન્ય હતી. મેં સ્ટોરી ફાઈલ કરી અને તેમાં ઉલ્લેખ કર્યો કે આ આરોપી એક આઈપીએસ અધિકારીનો ભાઈ છે. મારી સ્ટોરી અમારા એડીટર શ્રવણ ગર્ગ પાસે ગઈ, તેમણે મને ચેમ્બરમાં બોલાવ્યો, તેમણે મને પુછ્યું તારી સ્ટોરીમાં જે આઈપીએસ અધિકારીનો ઉલ્લેખ છે તે અધિકારીનો ગુના સાથે કોઈ સંબંધ છે, મેં કહ્યું ના જરા પણ નહીં.

તેમણે બીજો સવાલ પુછયો કે આઈપીએસ અધિકારીએ પોતાના ભાઈને જેલમાં જતો અટકાવવા માટે પોતાની વગનો ઉપયોગ કર્યો, મેં કહ્યુ ના… તો તેમણે મને તરત સામો સવાલ કર્યો કે તો પછી આપણે તે આઈપીએસ અધિકારીના નામનો ઉલ્લેખ આ સ્ટોરીમાં કેમ કરીએ છીએ. મેં કહ્યું આરોપીનો ભાઈ પોલીસ અધિકારી તો છે મેં એટલુ જ લખ્યું છે. તેમણે મને કહ્યું એક માતાની કુખે બે ભાઈઓએ જન્મ લીધો, એક પોલીસ અધિકારી થયો અને બીજો ગુનેગાર થયો તો તેમાં પોલીસ અધિકારી થયો તે ભાઈનો શું વાંક? આ મુદ્દે અમારી વચ્ચે લાંબી ચર્ચા થઈ.

તેમનો આદેશ હતો એટલે મેં પોલીસ અધિકારીનું નામ મારી સ્ટોરીમાંથી હટાવી દીધું, જો કે હું ત્યારે તેમની વાત સાથે જરા પણ સંમત્ત ન્હોતો, પણ સમય જતા મને સમજાયું કે જેમણે ખોટું કર્યું છે તેમને આપણા શબ્દો દ્વારા ઉઘાડા પાડીએ છીએ, પણ જેમને ઘટના સાથે સંબંધ નથી પરંતુ માત્ર લોહીના સંબંધને કારણે તેમને પણ આપણે દંડવાનું કામ કરીએ છીએ.

- Advertisement -



પત્રકારત્વ અને જમાદારીમાં અંતર છે, પરંતુ તમે બહુ આક્રમક લખો છો તેવા અભિનંદન મળવા લાગે ત્યારે પ્રમાણભાન ચુકવાની પુરી સંભાવના છે, પત્રકારત્વનું કામ તેમની સામે આવતી અથવા બનતી ઘટના સામાન્યજન સુધી પહોંચાડવાનું છે, પણ જ્યારે સામાન્યજન તમારી ઉપર આફ્રીન થવા લાગે ત્યારે પત્રકારત્વ બાજુ ઉપર રહી જાય છે અને જમાદારી શરૂ થઈ જાય છે. પત્રકારે બંન્ને આંખે જોવાનું છે, એક આંખ સારી ઘટનાની નોંધ લે છે તો બીજી આંખ ખોટું થઈ રહ્યું છે તેને ઉજાગર કરે છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં બંન્ને આંખો બધુ જ ખરાબ છે તેની શોધ કરે છે. જ્યારે અંદરથી બધું જ ખોટું થઈ રહ્યું છે તેવું લાગવા માંડે ત્યારે નજર સામેની સારી બાબતો પણ ચુકી જવાની સંભાવના રહેલી હોય છે. કોઈ એક માણસ આખો સારો કે આખો ખરાબ હોતો નથી, આવી સાદી સમજ પણ આપણને કોઈ આપતું નથી અને આપણે કોઈને આપતા નથી. આપણે કોઈ માણસને આખો સારો માનીએ છીએ અથવા સારો માનીએ છીએ, આ પ્રમાણભાન ખુબ જરૂરી હોય છે.

અગાઉના વર્ષોમાં મેં અનેક રાજનેતાઓના લગ્નેત્તર સંબંધો અંગે લખ્યું. મેને આવી સ્ટોરી લખવાની અને વાંચકને વાંચવાની મજા આવતી હતી. થોડા દિવસ પહેલા જ મને કોઈએ એક રાજનેતા અને તેમના પત્ની વચ્ચેના કંકાસનો દસ્તાવેજી પુરાવો મોકલ્યો. હું વિચારતો અને મારી જાત સાથે વાત કરતો ન થયો હોત તો ચોક્કસ તે સમાચાર કાયમ મુજબ લખી નાખતો પરંતુ જ્યારે મારી સામે તે દસ્તાવેજ આવ્યો ત્યારે મેં મારી જાતને સવાલ કર્યો કે રાજનેતા અને તેમની વચ્ચેના કંકાસને તેમના રાજકીય જીવન સાથે શું સંબંધ છે.

- Advertisement -

રાજનેતા અને તેમની પત્ની વચ્ચે મનમેળ નથી તો તેને સામાન્યજનને શું લેવાદેવા છે. પત્રકાર જજ નથી અને પત્રકાર જમાદાર નથી અને પત્રકારનો કોઈ દરબાર નથી, આપણા દરબારમાં કોઈ ન્યાય માંગવા આવ્યું નથી છતાં કલમની તાકાતને સર્વોચ્ચ માની લેવાની ભુલ કરનાર પોતાને જજ અને જમાદાર માનવા લાગે છે. જયાં સુધી રાજનેતા અને તેમની પત્ની વચ્ચેના કંકાસનો સવાલ છે તો કયા ઘરમાં કંકાસ નથી તેવું પુછવામાં આવે તો કદાચ એક પણ આંગળી ઊંચી નહીં થાય.



મેં અનેક રાજનેતાઓ અને અધિકારીઓના લગ્નેત્તર સંબંધો અંગે પણ લખ્યું, પણ આજે તેવું લાગે છે કે મારી જાતને આ પ્રકારના વિષયથી દુર રાખી શકયો હોત તો સારૂં હતું, કારણ કોઈ સ્ત્રી અથવા પુરૂષને લગ્નેત્તર સંબંધ છે તો તે સંબંધ સામે વાંધો લેવાનો અધિકાર તેમના અત્યંત નજીક તેમના સંતાનો અને પરિવારજનોને છે. એક પત્રકાર તરીકે હું વાંધો લેનાર કોણ છું.

જ્યાં પણ આવા સંબંધો છે તેના કારણે તેમનો પરિવાર તો દુઃખી જ હોય છે, પણ આવી ઘટનાઓ માધ્યમો દ્વારા જાહેર કરી આપણે તેમના દુઃખમાં વધારો કરીએ છીએ, પણ પત્રકાર તરીકે આપણે માનવા લાગીએ છીએ કે આ સારૂ, આ ખોટું અને આપણે કહીએ તેવું બીજાએ કરવાનું અને જીવવાનું ત્યારે ગરબડ શરૂં થાય છે, કોઈ રાજનેતા અને પોલીસના લગ્નેત્તર સંબંધો તેમના કામને આડે આવતા નથી ત્યાં સુધી તે સંપુર્ણપણે વ્યકિતગત બાબત છે. તેને આપણે જાહેર બાબત બનાવવાની જરૂર નથી, પણ આપણે પત્રકાર છીએ એટલે કોઈના પણ સંબંધમાં માથું મારવાની સત્તા મળી ગઈ છે તેવા ભ્રમમાં રાચવાની જરૂર નથી.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular