નવજીવન ન્યૂઝ, અમદાવાદ : આગામી સપ્તાહમાં માવઠું થશે કે ગરમીનો પારો ઉપર ચઢશે તેને લઈને ખેડૂતો ચિંતિત છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી ત્રણેક દિવસ ગરમી વધશે તેની વચ્ચે 28 થી 30 માર્ચ દરમિયાન ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ કહે છે કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગરમીનો પારો ધીમે-ધીમે વધી શકે છે.
માવઠાની આગાહીએ ખેડૂતોને ચિંતામાં મુકયા
આગામી 28 થી 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને Trough સક્રિય થતા રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. આ માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) અને ઉત્તર ગુજરાત (North Gujarat) ના વિસ્તારોમાં જોવા મળશે. આ કમોસમી વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
માવઠાની કોઈ શક્યતા નથી : હવામાન વિભાગ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સુકું રહેશે. હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાથી વરસાદની કોઈ સંભાવના નથી. પાકિસ્તાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. હાલ પવનની ગતિ સામાન્ય છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તેથી માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી.








