નવજીવન ન્યૂઝ. સુરત: સુરત એરપોર્ટને જ્યારથી કસ્ટમ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારથી જ સોના અને હીરાની તસ્કરીના કિસ્સા વધી ગયા છે. ત્યારે આજે સુરત એરપોર્ટ પર DRI (Directorate of Revenue Intelligence) વિભાગને બગાસું ખાતા પતાસું આવી ગયા જેવી સ્થિતિ થઈ છે. DRIને માહિતી મળી હતી કે શારજાહથી ફ્લાઈટમાં એક વ્યક્તિ મોટા પ્રમાણમાં સોનું લઈને આવી રહ્યો છે, જેના આધારે તપાસ દરમિયાન તેમને એક વ્યક્તિ 6 કરોડની કિંમતના ગેરકાયદેસર હીરા સાથે મળી આવ્યો હતો.
આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, સુરત DRIને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મોટા પ્રમાણમા ગેરકાયદેસર સોનું લઈને શારજાહથી ફ્લાઈટમાં આવી રહ્યો છે, જેના આધારે DRI દ્વારા એરપોર્ટ ઉપર તપાસ કરવામાં આવી ત્યારે એક વ્યક્તિ નિર્ધારિત જથ્થા કરતાં વધારે જથ્થાના ઘરેણાં પહેરીને મુસાફરી કરી રહ્યો હતો, તેની DRI દ્વારા અટકાયત કરીને તપાસ કરવામાં આવી રહી હતી.
તે દરમિયાન DRIના એક અધિકારીને ફ્લાઈટના એક અન્ય મુસાફર ઉપર શંકા જતાં તેની પણ DRIના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક બેગમાં મીઠાની કોથળીમાં 300 કેરેટના હીરા મળી આવ્યા હતા. જેની કિંમત 6 કરોડ રૂપિયા થાય છે. આમ એક જ દિવસમાં DRI વિભાગને એક વ્યક્તિ પાસેથી 6 કરોડના ગેરકાયદેસર હીરા અને એક વ્યક્તિ પાસેથી 15 લાખ કિંમતનું 300 ગ્રામ સોનું મળી આવ્યું હતું. હાલ આ બંને વ્યક્તિઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.