તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. રાજકોટ): ગુજરાતના રાજકારણની લેબોરેટરીમાં અવનવા અખતરા શરૂ થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય સમજી શકાય છે કે નેતાઓ યોગ્ય સ્થળે સોદા બાજી કરવા લાગ્યા હોય. દરમિયાન કેટલાક પાટીદારોના નેતા અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકારણને ચકડોળે ચઢાવી રહ્યાં છે. કોંગ્રેસથી નારાજગી બતાવવા અને નરેશ પટેલનો નિર્ણય ઝડપી લેવા હાઈકમાન્ડને કહેવાની વાત મીડિયાને કહેવા જેવી અનેક બાબતો પરથી તેમણે રાજકારણ ચકડોળે ચઢાવ્યું છે. જેના કારણે લોકોમાં ચર્ચાઓ ચાલી કે તેઓ ભાજપના પ્રમુખ પાટીલ સાથે સંપર્કમાં છે અને તેમણે ભાજપમાં જવાનો માર્ગ કરવા માટે ખેલ નાખ્યો છે. ત્યારે જ એક ગુજરાતી મીડિયાના ઈન્ટરવ્યુમાં હાર્દિક પટેલના સુર બદલાયેલા જોવા મળતા લોકો ચર્ચા કરે છે કે હાર્દિક ભાજપમાં જાય કે નહીં પણ ભાજપની કુટનિતી સફળતા પુર્વક કામ કરી ગઈ છે.
તાજેતરમા જ પાટીદાર નેતા હાર્દિક પટેલના કોંગ્રેસ વિરુધ્ધના સુર જોવા મળ્યા હતા. જેના કારણે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ નારાજ જોવા મળ્યા હતા. રઘુ શર્માએ તો એક નિવેદનમાં પાર્ટીથી ઉપર કોઈ નથી તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપી દિધી હતી. વળી હાર્દિક પટેલે તો એક મીડિયાને જણાવ્યું હતું કે તે ‘કોંગ્રેસમાં નસબંધી કરેલા વરરાજા જેવી હાલતમાં છે’. પરિણામે હાર્દિક પટેલના બગાવતના સુર તેજ થયા અને હવે પક્ષ પલટો કરશે તેવી અટકળો શરૂ થઈ હતી.
આજસુધી હાર્દિક પટેલ દ્વારા પક્ષ છોડશે કે કેમ અને ભાજપમાં જશે કે કેમ તે અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આજ રોજ દિવ્ય ભાસ્કરે કરેલા એક ઈન્ટરવ્યુમાં તેણે જે પ્રકારે નિવેદન આપ્યા તે જોતા હાર્દિક પણ રાષ્ટ્રવાદ, ધર્મવાદ જેવી બાબતે રાજકારણ કરશે તેવી શક્યતા છે. સાથે જ પાટીદાર યુવાનોને રાજકારણમાં સેટ કરવાની હાર્દિકની વાત ક્યાંકને ક્યાંક સર્વ સમાજથી દુર જઈ ફરી એક વખત પાટીદાર તરફ એટલે કે જાતિવાદ તરફ કેન્દ્રિત થતી જોવા મળી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ‘રાજકારણનો સૌથી મોટો નિયમ હોય છે કે તેને કોઈ નિયમ નથી નડતો’. આજે કોઈ નેતા ભાજપ, કોંગ્રેસ કે ‘આપ’ ના મોટા વિરોધી હોય અને કાલે સવારે તે પક્ષ પલટો કરી તે જ પક્ષમાં જઈ બેસે, આવું કરવામાં નેતાઓને શરમની લાગણી પણ ન અનુભવાય. કારણ કે શરમ હોય તો રાજકારણ થઈ જ ન શકે તેનો મતલબ એવો નથી કે નેતાઓ બેશરમ હોય છે, પણ સમય અનુકુળતા આવ્યે તકનો લાભ લઈ પોતાનો લાભ જોવો એજ તો સૌથી મોટી રાજકારણની સફળતા કહેવાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











