પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે જ્યારે કોઈ રાજનેતાને ચૂંટણીમાં મત આપી છીએ ત્યારે તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય છે, કયારેક આપણને રાજનેતા વ્યકિતગત રીતે ગમતો હોય છે તો કયારેક આપણે આપણો રાજનેતા કયા પક્ષમાં છે તે પક્ષની વિચારધારા આપણને ગમતી હોય છે, પરંતુ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે આપણે જ્યારે કોઈ નેતાને મત આપી તેને જનપ્રતિનિધિ બનાવીએ છીએ તે પાંચ વર્ષ પુરા થતાં પહેલા પોતાનો પક્ષ બદલી બીજા પક્ષમાં જતો રહે છે. ખરેખર તો આપણે ત્યાં એવી વ્યવસ્થા નથી કે પ્રજાએ મત આપે જે આદેશ આપ્યો છે તે આદેશ પ્રમાણે જનપ્રતિનિધિએ પાંચ વર્ષ સુધી તો પોતાના જ પક્ષમાં રહેવુ જોઈએ જેના કારણે જનપ્રતિનિધિ તરીકે ચુંટાવુ તે એક ધંધો થઈ ગયો છે. કારણ રાજકારણમાં આવ્યા પછી તમારો ભાવ બોલાતો થઈ જાય છે, જો તમે કોઈ ખાસ કોમના નેતાઓ હોવ તો ઉંચો ભાવ મળે છે જેના કારણે ચુંટાયેલા નેતાઓ પ્રજાના આદેશનો વેપાર કરે છે. પરંતુ ગુજરાતમાં એવા નેતાઓ પણ હતા જેમણે પોતાના પદનો કોઈ વેપાર કર્યો નહીં અને વેપાર થવા દિધો નહી.
1990માં ગુજરાત જનતાદળ અને ભાજપની સંયુકત સરકાર બની હતી, પરંતુ રામ મંદિરના મુદ્દે ભાજપે ટેકો પાછો ખેંચી લેતા ચીમનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર લધુમતીમાં મુકાઈ ગઈ. ચીમનભાઈ પટેલ પાસે પોતાની સરકાર બચાવવા માટે એક જ વિકલ્પ હતો, કોંગ્રેસનો ટેકો લેવાનો અને તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી પોતાની સરકાર બચાવી લીધી, પરંતુ ગઠબંધનની શરત પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની સરકારમાં મંત્રી બનાવવાના હતા. તેના ભાગ રૂપે નવસારી પાસે આવેલા જલાલપુરના ધારાસભ્ય સી ડી પટેલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. વ્યવસાયે વકિલ સી ડી પટેલે ગૃહમંત્રી થતાં પોતાના તમામ અસીલોના કેસ પરત આપી દીધા કારણ ગૃહમંત્રી તરીકે તે કોઈ આરોપીની વકિલાત કરી શકે નહીં. કેબીનેટ કક્ષના ગૃહમંત્રી હોવાને કારણે તેમને કોઈ પણ આદેશ અને નિર્ણય માટે મુખ્યમંત્રીની રજા અને મંજુરી લેવાની જરૂર ન્હોતી.
સી ડી પટેલનો પોલીસ અધિકારીને આદેશ હતો કે રાજ્યના કોઈ પણ ગુંડો હોય પછી તેનો સંબંધ કોઈ પણ પક્ષ અને રાજનેતા સાથે હોય પણ તમામ ગુંડાઓ જેલના સળીયા પાછળ જોઈએ. સી ડી પટેલ જેવા કડક અને પ્રમાણિક ગૃહમંત્રી હોય તો પોલીસ કઈ બાકી રાખે નહીં. પછી તે અમદાવાદનો ડૉન લતીફ હોય કે જામનગરનો રામા નાથા ગઢવી, પોલીસ ગુનેગાર ઉપર તુટી પડી હતી. આ ગુંડાઓ ચુંટણી જીતવા માટે બહુ મહત્વના ગણાતા હતા. જેના કારણે પોલીસની ધોંસ વધતા મુખ્યનમંત્રી ચીમનભાઈ પટેલ ઉપર વિવિધ સ્તરે રાજનેતાઓના ફોન શરૂ થયા હતા. ચીમનભાઈ પટેલે ભવીષ્યની ગણતરી માંડી સી ડી પટેલને ધીમા પડવાની સુચના આપી હતી, પણ તે સુચનાની તેમની ઉપર કોઈ અસર થતી ન્હોતી. જેના કારણે નજીકના લોકોને અંદાજ આવી ગયો હતો કે ચીમનભાઈ નારાજ ચાલી રહ્યા છે. એક દિવસ ચીમનભાઈ પટેલે સી ડી પટેલને બંગલો બોલાવી કહ્યુ ગૃહ ખાતુ મારી પાસે રાખુ છુ. તમારે કયુ ખાતુ જોઈએ તે તમે કહો હું તમે કહેશો તે ખાતુ તમને આપીશ.
સી ડી પટેલે ચીમનભાઈને સવાલ કર્યો કે કયા કારણે મારૂ ગૃહખાતુ બદલાય છે તેનું કારણ આપો. ચીમનભાઈ તેનું કારણ આપી શકે તેમ ન્હોતા, ત્યારે સી ડી પટેલે કહ્યુ તમે મારા લીડર છો તો તમારે મને કારણ આપવુ પડશે કારણ સવાલ પુછવાનો મારો અધિકાર છે અને તમે જવાબ આપવા બંધાયેલા છો. ચીમભાઈ પટેલે કારણ આપ્યુ નહીં, સી ડી પટેલ પોતાના બંગલે ગયા અને કલાકમાં પોતાનું રાજીનામુ આપી જલાલપુર જતા રહ્યા. આમ મંત્રી પદ છોડવા માટે તેમણે જરા પણ વિલંબ કર્યો નહીં, આમ તેમણે મંત્રી થવા કરતા પોતાના સિધ્ધાંતને વળગી રહેવાનું પસંદ કર્યુ. જ્યારે શંકરસિંહ ભાજપની સરકાર તોડી મુખ્યમંત્રી થયા ત્યારે શંકરસિંહને કોંગ્રેસે ટેકો આપ્યો હતો. સી ડી પટેલ ત્યારે કોંગ્રેસના પ્રમુખ હતા. શંકરસિંહ જે પ્રકારે સરકાર ચલાવી રહ્યા હતા તે જોઈ સી ડી ખાસ્સા નારાજ હતા તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને એલ્ટીમેટમ આપ્યુ કે શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે ખસેડશો નહીં તો પ્રદેશ પ્રમુખ તરીકે હું ટેકો પાછો ખેંચી લઈશ જેના કારણે શંકરસિંહને મુખ્યમંત્રી પદ છોડી દેવુ પડયુ હતું.
કોંગ્રેસ પાસે આટલા દિગ્ગજ નેતાઓ હોવા છતાં આજે કોંગ્રેસી જે પ્રકારે વર્તી રહ્યા છે તે જોતા લાગે છે કોંગ્રેસીઓને પોતાના આવા ઉત્તમ ઈતિહાસની પણ ખબર નથી. આવી જ બહાદુરી ભાજપના મંહુવાના ધારાસભ્ય ડૉ કનુ કલસરીયાએ દાખવી હતી. ભાવનગરના મહુવામાં નીરમા સીમેન્ટ પ્લાન્ટ નાખી રહ્યુ હતું, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તેમની ઈચ્છા અને મંજુરીને કારણે નીરમાએ પ્લાન્ટ નાખવાનો નિર્ણય કર્યો હતો. તમામ સરકારી મંજુરીઓ પણ આવી ગઈ હતી, પરંતુ ભાજપના તત્કાલીન ધારાસભ્ય ડૉ કનુ કલસરીયાને લાગ્યુ કે જો સીમેન્ટ પ્લાન્ટ નખાય તો પર્યાવરણને નુકશાન થાય તેમ છે. તેમણે પ્લાન્ટનો વિરોધ કર્યો, જયારે સરકારે મંજુરી આપી હોય અને સત્તાધારી પક્ષનો ધારાસભ્ય તો સરકારના નિર્ણયનો વિરોધ કરે તેવી કોઈને કલ્પના ન્હોતી. ડૉ કલસરીયાએ સરકાર સામે વિરોધ નોંધાવવા માટે મહુવાના લોકો સાથે મહુવાથી ગાંધીનગર પદયાત્રા કરી, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને પ્લાન્ટની મંજુરી રદ થઈ. જો કે સરકારનો કાન પકડાનાર ડૉ કલસરીયાને આખરે ભાજપે અલવીદા કહ્યા પણ તેમણે મહુવાના લોકો અને પર્યાવરણ માટે સત્તા છોડવી પડી હતી પણ હવેના રાજકારણમાં કોઈ સી ડી પટેલ અને ડૉ કનુ કલસરીયા આપણને મળે તો તે ચમત્કાર જ ગણાશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.