Thursday, October 16, 2025
HomeGeneralહાર્દિક ભાજપમાં પ્રવેશ કરે તો ભાજપને કોઈ ફાયદો નથી, પણ હાર્દિક આમ...

હાર્દિક ભાજપમાં પ્રવેશ કરે તો ભાજપને કોઈ ફાયદો નથી, પણ હાર્દિક આમ આદમી પાર્ટીમાં જાય તો જ ભાજપને ફાયદો થાય તેમ છે આ છે ગણિત

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજકારણના આટાપાટા સામાન્ય માણસોને સમજાતા નથી, રાજકારણી કઈ સોંગઠી ક્યાં મારશે અને તેની અસર કયાં થશે તેની તેમને જ ખબર છે. હાર્દિક પટેલના કિસ્સામાં પણ કઈક એવુ છે, અનેક પોલીસ કેસનો સામનો કરી રહેલા હાર્દિક પટેલને ભાજપ સરકારે દિવસે તારા બતાડી દેતા હાર્દિક પાસે કોંગ્રેસ છોડવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન્હોતો. હાર્દિક માટે કોંગ્રેસ છોડવી કે જેલમાં જવુ તેમાંથી એકની પસંદગી કરવાની હતી. આખરે હાર્દિકે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો અને હવે તો કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસ છોડનાર હાર્દિક પટેલ ભાજપમાં જશે તેવુ હાલમાં માનવામાં આવી રહ્યુ છે, પરંતુ રાજકિય પંડિતો માને છે કે હાર્દિક પટેલનો ઉપયોગ કેવી રીતે કરવો તે નરેન્દ્ર મોદી અને અમીત શાહ સારી રીતે જાણે છે. હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવામાં આવે તો ભાજપને એક ટકો પણ ફાયદો થવાનો નથી, પરંતુ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જાય તો કોંગ્રેસને જરૂર નુકશાન કરી શકે છે.



2017ની ચૂંટણીમાં આ જ ફોર્મ્યુલા પ્રમાણે શંકરસિંહને સીબીઆઈના કેસનો ડર બતાડી કોંગ્રેસ છોડવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યારે પણ બધા માનતા હતા કે શંકરસિંહ ભાજપમાં પ્રવેશ કરશે પણ તેવુ થયુ નહીં, તેના બદલે શંકરસિંહ પાસે નવો પ્રાદેશીક પક્ષ ખોલાવી કોંગ્રેસને નુકશાન કરવાની યોજના હતી, પરંતુ જ્યારે પાર્ટી છોડી શંકરસિંહ નવા પક્ષ સાથે મેદાનમાં આવ્યા ત્યારે બાપુ અને ભાજપને ખબર પડી કે બાપુના નામે હવે પચાસ માણસ પણ ભેગુ થતુ નથી, એટલે કોંગ્રેસને બાપુ નુકશાન કરી શક્યા નહીં, પરંતુ શંકરસિંહની સરખામણીમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં સારી છે. આમ આદમી પાર્ટી સત્તા હાંસલ કરી શકે તેવી સ્થિતિ નહીં હોવા છતાં ગુજરાતના રાજકારણના ગણિતને ડીસ્ટર્બ કરી શકે છે તે ગાંધીનગર કોર્પોરેશનની ચુંટણીમાં આપણે જોયુ છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચુંટણીમાં જો આમ આદમી પાર્ટી મેદાનમાં ન હોત અથવા કોંગ્રેસ સાથે ગઠબંધન કરતી તો ભાજપને ક્યારેય સત્તા મળતી નહીં, પરંતુ ગાંધીનગરમાં આપે કોંગ્રેસની રમત બગાડી નાખી. હાર્દિક પટેલ હવે પોપ્યુલર ચહેરો રહ્યો નથી જે 2017 પહેલા હતો, એટલે હાર્દિક ભાજપમાં આવશે જ નહીં તેવુ પણ નથી પણ ભાજપમાં આવે તો પણ ભાજપને એક બેઠકનો ફાયદો પણ કરાવી શકે તેમ નથી. કારણ ભાજપની વ્યવસ્થામાં હાર્દિકની કોઈ ગણતરી જ નથી. કોઈ પણ લડાઈમાં પોતાની તાકાત વધારવાની સાથે દુશ્મનની તાકાત ઘટાડવી તે પણ જરૂરી હોય છે. જો હાર્દિક ભાજપને ફાયદો કરાવી શકતો નથી તો કઈ રીતે હાર્દિક આમ આદમી પાર્ટીમાં જઈ કોંગ્રેસને નુકશાન કરી શકે છે તેની ગણતરી મંડાઈ રહી છે.



આમ આદમી પાર્ટી માટે હાર્દિક પટેલ આવે તો વકરો એટલો નફા જેવી સ્થિતિ છે. જ્યારે કોંગ્રેસમાંથી હમણાં સુધી ડઝનબંધ નેતાઓ આવ્યા તેમની સામે મુળ ભાજપીઓને વાંધો ન્હોતો, પરંતુ હાર્દિકના પ્રવેશ સામે તો અનેકોને વાંધો છે. હાર્દિક માટે નરેન્દ્ર મોદી અને અમીત શાહનું સીગ્નલ હોય તો કોઈનો વાંધો ચાલી શકે તેમ પણ નથી, પરંતુ સુત્રો માને છે, ભાજપને દુશ્મની છાવણીમાં રાખી તેનો ઉપયોગ કરી લેવા વધુ ફાયદા કારક છે અને એટલે જ તે આમ આદમી પાર્ટીમાં જશે. અત્રે ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ ભલે એવુ માનતો હોય કે તેણે કોંગ્રેસ છોડી એટલે તેની સામેના પોલીસ કેસ પડતા મુકાશે પણ તેવુ એક ઝાટકે થશે નહીં. હાર્દિકે હજી ભાજપ તરફની વફાદારીની અનેક પરિક્ષામાંથી પસાર થવાનું છે, કારણ મોદી અને શાહ હાર્દિક ઉપર આંઘળો ભરોસો કરે તેવા કાચા ખેલાડી પણ નથી.



- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular