નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય ગુજરાતની તમામ મહાનગર પાલિકાઓ, શહેરી વિકાસ સત્તામંડળો અને નગરપાલિકાઓને લાગુ કરવાના આદેશ કર્યા છે. સાથે જ રેરા કાયદા હેઠળ જે બાંધકામોને નોટિસ અપાઈ છે તેમનો આ નિર્ણયમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તે પણ સ્પષ્ટતા કરાઈ છે. તો આવો જાણીએ કે ગુજરાત સરકારે શું જાહેરાત કરી હતી.
પાર્કિંગને લઈને કરાયેલા નિર્ણયમાં નક્કી કરાયું છે કે, નિયત પાર્કિંગની જોગવાઈ પૈકીના 50 ટકા પાર્કિંગ માલિક/કબ્જેદારને જે તે સ્થળે જ પ્રથમ પુરી પાડવાની રહેશે જો સ્થળે શક્ય ન હોય તો નિર્દિષ્ટ સત્તામંડળ આ પ્રકારની સુવિધા 500 મી.ની ત્રીજ્યામાં 3 મહિનામાં પુરી પાડવામાં આવશે અને બાકીના 50 ટકાનું ખુટતું પાર્કિંગ, ફી લઈને બાંધકામ નિયમીત કરાશે. ફીથી એકત્ર થયેલી રકમ આંતરમાળખાકીય સવલત વિકાસ ભંડોળ તરીકે રાખી આ પ્રમાણેની સવલતોને સજ્જ કરવા, ફાયર સેફ્ટી, પાર્કિંગ, પર્યાવરણ વગેરે માટે ભેગી કરવામાં આવશે.
સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 1.10.2022 પહેલા થયેલા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરી શકાશે. જેની અરજી કરવા, ફી ભરવા અને મંજુરીના હુકમોની પ્રક્રિયા ઈ-નગર પોર્ટલ પરથી ઓનલાઈન થશે. જેની અરજી 17 ઓક્ટોબર 2022થી ચાર મહિનામાં કરી દેવાની રહેશે. ખાસ કરીને પાર્કિંગ માટે રહેણાંકના કિસ્સામાં ખુટતા પાર્કિંગ માટે 15 ટકા જંત્રીના અને બિન રહેણાંકના કિસ્સામાં ખુટતા પાર્કિંગ માટે 30 ટકા જંત્રીના ભાવ નક્કી કરાયા છે.








