નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે સુવર્ણ સમય ચાલી રહ્યો હોય તેવી રીતે એક બાદ એક સરકારી વિભાગોમાં ભરતીની હારમાળા સર્જાઈ છે. તલાટી, જૂનિયર કલાર્ક, પોલીસ વિભા અને હેડકલાર્ક બાદ વધુ એક ભરતીની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં એસ. ટી. વિભાગ દ્વારા આગામી દિવસોમાં ડ્રાઈવર અને કંડકટર સહિત મેકનિક મળી કુલ 3400 જેટલી જગ્યા પર ભરતીની રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે.
હર્ષ સંઘવીએ ટ્વિટમાં જણાવ્યું છે કે, “ચાલુ નાણકીય વર્ષ 2023-2024માં એસ. ટી. નિગમ દ્વારા ડ્રાઈવર માટે અંદાજિત 2100, કંડક્ટર માટે અંદાજિત 1300 તથા મિકેનિક માટે ઉમેદવારોની ભરતી કરવામા આવી રહી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામા આવશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી દ્વારા આગામી સપ્ટેમ્બર માસમાં 7 હજારથી વધુ જગ્યા પર પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવશે તેવુ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તાજેતરમાં ફરી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આગામી દિવસોમાં 6 હજાર જગ્યા પર હેડકલાર્કની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ સરકારી નોકરી ઈચ્છતા યુવાનો માટે સુર્વણકાળ ચાલી રહ્યો હોય તેવી રીતે એક બાદ એક સરકારી વિભાગની ભરતી બહાર પડી રહી છે.