નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ રાજ્યમાં પોલીસની બદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પોલીસ અધિકારીઓની (Gujarat Police Officer) બદલી કરવા માટે થતી ભલામણને ધ્યાને લેતા ગુજરાતના DGP વિકાસ સહાયે (Vikas Sahay) એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે અનુસાર હવે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલીઓમાં IPS અધિકારીઓની મનગમતા અધિકારીઓની ભલામણ નહીં ચાલે. આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવતા DGPએ તેને રોકવા માટે પરિપત્ર બહાર પાડ્યો છે.
રાજ્યમાં ઘણી વખત IPS અધિકારીઓની બદલી બાદ તેઓ પોતાના મનગમતા PI, PSIને ભલામણથી પોતાની સાથે લઈ જતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે IPS અધિકારીઓ આ પ્રકારે અંગત ભલામણ કરી પોતાના માનીતાઓને સાથે ન લઈ જાય તે માટે DGP વિકાસ સહાયે પ્રયાસ હાથ ધર્યા છે. સાથે જ કેટલાક સસ્પેન્ડેડ PI, PSIને ફરીથી તે જ વિસ્તારમાં પોસ્ટીંગ ન થાય તે માટે પણ તેમણે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં તેમણે એક પરિપત્ર બહાર પાડી અધિકારીઓને આવું નહીં કરવા જણાવ્યું છે.
DGP વિકાસ સહાયે જાહેર કરેલા પરિપત્રમાં જણાવામાં આવ્યું છે કે, રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરીઓના વડાઓ તેમની કચેરી માટે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર સંવર્ગમાં અમુક ચોક્કસ અધિકારીઓના નામ જોગ માગણી કરે છે. આવી રજુઆતોની ચકાસણી કરતા કેટલાક કિસ્સાઓમાં કચેરીના વડાઓ દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચુકેલા પોલીસ અધિકારીઓને તેમના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવે છે, જે યોગ્ય ન હોવાથી આવી રજુઆતોને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.
વધુમાં જણાવ્યું છે કે, ફરજમોકુફ પરથી પુનઃસ્થાપિત થયેલા પોલીસ અધિકારીઓ તેઓને જે કચેરી ખાતે ફરજ દરમિયાન ફરજમોકુફ થયા છે તે જ કચેરીના વડા દ્વારા તેમની માગણી કરવામાં આવે છે. જે ગંભીર બાબત હોવાથી આ પ્રકારની રજૂઆતોને પણ પ્રોત્સાહન આપવામાં નહીં આવે.
સાથે જ પત્રમાં જણાવાયું છે કે, જ્યારે કોઈ અધિકારીઓની નામ જોગ માગણી કરવામાં આવે છે ત્યારે તેઓએ અગાઉ જિલ્લા કે શહેરમાં ફરજ બજાવી છે કેમ? તેની સેવાવિષયક માહિતી ચકાસણી કર્યા વગર બદલીની ભલામણ કરવામાં આવતી હોય છે. જે યોગ્ય ન હોવાથી આવી રજૂઆતોને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








