નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં હાલમાં ચાર દિવસ પહેલા જ ગુજરાત એટીએસ (Gujarat ATS) ને એક કાર્યવાહી દરમિયાન બે આરોપીઓ પિસ્ટલ અને કારતૂસ સાથે પકડાયા હતા. એટીએસએ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા અને તે પછી જે રીતે પુછપરછ કરી કે પોલીસને વધુ હથિયારોના જથ્થા સુધી લઈ ગઈ. આ ઘટનામાં પોલીસે ન માત્ર હથિયારોના જથ્થા પરંતુ અન્ય 4 શખ્સોને પણ પકડી પાડ્યા હતા. ગુજરાત એટીએસને મળેલી આ સફળતા અંગે આવો જાણીએ.
ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનિરિક્ષક દીપેન ભદ્રને એટીએસના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવાનું સૂચન કર્યું હતું. જે પ્રમાણેની કામગીરીને પગલે નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી કે અનિલ જાંબુકીયા અને અનિરુદ્ધ નામના બે શખ્સો મધ્યપ્રદેશથી હથિયારો લઈ અમદાવાદ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ શખ્સો હથિયારોને સગેવગે કરે કે પછી તેની કોઈ અન્ય વ્યવસ્થા કરી નાખે તે પહેલા જ એટીએસએ આ શખ્સોને ઝડપી પાડવાનો પ્લાન બનાવી લીધો અને આ પ્લાનમાં તેમની સાથે જોડાયા પીએસઆઈ આર સી વઢવાણ, એ આર ચૌધરી અને બીજી વાઘેલા કે જેમને ગુપ્ત માહિતી મેળવવા સતત કામગીરી કરી જેના આધારે પીઆઈ વી એન વાઘેલાની ટીમના અન્ય સ્ટાફ સાથે મળીને વિગતો મળી કે તેઓ અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડના લોકેશન પર છે. પોલીસે તુરંત એક્શન શરૂ કરી, આમ ગત 4 એપ્રિલે પોલીસે અનીલ જનક જાંબુકીયા અને અનિરુદ્ધ ભગુ ખાચરને 4 પિસ્ટલ અને 2 કારતુસ સાથે પકડી પાડ્યા. જોકે ખરી કહાની તો અહીંથી શરૂ થઈ.
એટીએસએ આ બંને આરોપીઓના કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવ્યા જેની કાર્યવાહી દરમિયાન એવી પુછપરછ કરી કે બંનેએ વટાણાં વેરી નાખ્યા. કેસની તપાસની કામગીરી વખતે પીએસઆઈ વાય જી ગુર્જર અને એ આર ચૌધરી તથા બી ડી વાઘેલા દ્વારા આમની આકરી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. આ શખ્સો હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને ગુજરાતમાં કોને આપ્યા છે તે અંગે સતત પોલીસે માહિતી કઢાવવા પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. જે પ્રમાણે આખરે આ શખ્સો પાસેથી જાણવા મળ્યું કે અન્ય 4 શખ્સો ગેરકાયદે હથિયારો ધરાવે છે. જેના પગલે આજે શનિવારે એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે આ 4 શખ્સો તો પકડાયા જ પરંતુ તેમની પાસેથી કુલ 15 પિસ્તોલ, 5 કટ્ટા અને 16 રાઉન્ડ પકડી પાડ્યા હતા.
એટીએસ દ્વારા આજે શનિવારે ભાવેશ દિનેશ મકવાણા (ચોટીલા), કૌશલ ઉર્ફે કવો પરમાનંદ દશાડિયા (દુજરેજ), ભાવેશ ઉર્ફે પ્રવિણ સતિષ ધોડકિયા (રાજકોટ) અને ઘનશ્યામ ઉર્ફે ટીકટોક લાલજી મેર (વિંછીયા, રાજકોટ)ને પકડી પાડ્યા છે. એટીએસએ ઝડપેલા કુલ 6 આરોપીઓ પૈકીના અનિરુદ્ધ, ભાવેશ ધોડકિયા, ભાવેશ મકવાણા, ઘનશ્યામ, કૌશલ અને અનીલ તમામ વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે. હવે હાલ પકડેલા આરોપીઓને એટીએસ દ્વારા કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરાશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








