પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ખોડલધામના કર્તાહર્તા નરેશ પટેલ રાજકારણમાં આવી રહ્યા છે તેવી જાહેરાંતો મહિનાથીઓથી થઈ રહી છે અને અગાઉ પણ ચૂંટણી સમયે થતી જ હતી. જેના પગલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી), કોંગ્રેસ અને આપ (આમ આદમી પાર્ટી)ના નેતાઓ તેમને મળી આવ્યા છે, ખુદ નરેશ પટેલે પણ દિલ્હી અને ઉદયપુરમાં મિટીંગ્સ કરી છે, પરંતુ તેઓ રાજકારણમાં કયારે આવશે તેનો ફોડ પાડવાને બદલે તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે, પરંતુ ટોચના સુત્રોની જાણકારી પ્રમાણે ભાજપની ઈચ્છા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાંત કરે તેની સાથે તેમનો રાજકિય ખેલ પુરો કરી નાખવાની યોજના ભાજપ દ્વારા ઘડી કાઢવામાં આવી છે, તેના જ ભાગ રૂપે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના તમામા હોદ્દેદારો અને પ્રવકતાને સૂચના આપવામાં આવી છે કે નરેશ પટેલની વિરૂધ્ધમાં કોઈ નિવેદન કરવું નહીં.
રાજકારણમાં જે સપાટી ઉપર દેખાય છે તેવું પેટાળમાં હોતું નથી, નરેશ પટેલના મામલે પણ તેવું જ કંઈક છે, નામ ગુપ્ત રાખવાની શરતે એક સિનિયર નેતાએ જણાવ્યું કે નરેશ પટેલ લેઉવા પટેલ છે, જયારે ગુજરાતના મુખ્યનંત્રી કડવા પટેલ છે, આ વાતથી ખાનગીમાં નરેશ પટેલ ખાસ્સા નારાજ છે, તેઓ પોતાના વર્તુળમાં લેઉવા મુખ્યનમંત્રી હોવો જોઈએ તેવી યોજના બનાવી રહ્યા છે. નરેશ પટેલ ભાજપના નેતાઓના સંપર્કમાં પણ છે, પણ તેમની મનસા મુખ્યમંત્રી થવાની છે, પરંતુ ભાજપમાં તે ક્યારેય શકય બનશે નહીં કારણ ભાજપની સ્થિતિ એટલી ખરાબ નથી કે નરેશ પટેલને પોતાનો ચહેરો બનાવી ચૂંટણી લડવી પડે.
સુત્રોના કહેવા પ્રમાણે નરેશ પટેલનો પહેલાથી ઝુકાવ કોંગ્રેસ તરફ રહ્યો છે 2017ની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હતા અને કયા ઉમેદવારની ટીકીટ આપવી જોઈએ તેમાં તેમની મહત્વની ભૂમિકા હતી. આમ કોંગ્રેસ તરફ ઝુકેલા નરેશ પટેલ ભાજપમાં આવે તો આવકાર્ય છે પરંતુ તેઓ કોઈ પદ અપેક્ષા રાખે તો હાલમાં તે શક્ય નથી. નરેશ પટેલનો ઝુકાવ કોંગ્રેસ તરફી હોવા છતાં તેઓ નિષ્પક્ષ છે તેવો દેખાવ કરી રહ્યા છે, તેઓ ખોડલધામના વડા હોવાને નાતે તેમણે પક્ષીય રાજકારણથી દુર રહેવાનું છે, પણ વાસ્તવમાં તેવું નથી, ભાજપની ઈચ્છા છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જવાની જાહેરાંત કરે તેની સાથે તેમની નિષ્પક્ષતાનો ચહેરો ખુલ્લો પાડી દેવો.
નરેશ પટેલ ખોડલધામના વડા હોવાને નાતે પોતાની સામાજીક વગનો ઉપયોગ પોતાની રાજકીય મહત્વકાક્ષાં પુરી કરવા માટે કેવી રીતે રહ્યા છે તે પણ જાહેર કરવાની યોજના તૈયાર કરી દેવામાં આવી છે, આમ જયાં સુધી નરેશ પટેલ રાજકારણમાં આવી કોંગ્રેસમાં જોડાય નહીં ત્યાં સુધી હિરો છે પણ જેવા તેઓ કોગ્રેસમાં જાય તેની સાથે તેમને ઝીરો બનાવી દેવાની વ્યૂહ રચના પ્રદેશ ભાજપ તૈયાર કરી છે,. પણ જો તેઓ ભાજપમાં દાખલ થવા માગતા હોય તો તે વિકલ્પને ધ્યાનમાં લઈ હાલ પુરતું નરેશ પટેલ સામેની તલવાર મ્યાન કરવાની સૂચના મળી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.