Friday, September 22, 2023
HomeGeneralહાર્દિક પટેલની મજબુરી કોંગ્રેસને ભાંડવાની ફરજ પાડે છેઃ ભાજપમાં પ્રવેશ તો મળશે...

હાર્દિક પટેલની મજબુરી કોંગ્રેસને ભાંડવાની ફરજ પાડે છેઃ ભાજપમાં પ્રવેશ તો મળશે પણ નેતાઓના ગોદામમાં બેસવુ પડશે

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): રાજકારણમાં જ નહીં, જીવનમાં પણ આપણા નિર્ણય ખોટા પડી શકે છે, જયારે પણ આપણો નિર્ણય ખોટો પડે ત્યારે તેને શક્ય એટલો સુધારી લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. પાટીદાર અનામત આંદોલનમાંથી અનેક નેતાઓનો જન્મ થયો જે પૈકી હાર્દિક પટેલ પણ એક છે. રાજદ્રોહ સહિત બે ડઝન કરતા વધુ પોલીસ કેસોનો સામનો કરી રહી રહેલા હાર્દિક પટેલને હવે કોર્ટના ચક્કર ખાઈ ચક્કર આવી ગયા છે. બીજા નેતા કરતા આગળનું વિચારનાર હાર્દિકને ખબર છે, કોંગ્રેસમાં લાંબો સમય રોકાણ કર્યુ તો ભાજપ સરકાર કોઈ પણ કેસમાં સજા કરાવી જેલના રોકાણની વ્યવસ્થા પણ કરાવી આપશે આવી સ્થિતિમાં હાર્દિક પટેલ માટે કોંગ્રેસને ભાંડવી તેમની મજબુરી છે, હાર્દિક તેવી સ્થિતિ નિર્માણ કરી રહ્યા છે જેમાં કોંગ્રેસ તેમને શીસ્તભંગના મુદે નોટીસ આપી અને ત્યાર પછી હાર્દિક પાટીદારનું અપમાન કર્યુ તેવુ કારણ આપી કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરે.



હાર્દિક પટેલનો ભય પણ ખોટો નથી, કારણ બે ડઝન કરતા વધુ પોલીસ કેસમાં દરેક મુદતે હાર્દિકને કોર્ટમાં હાજર રહેવુ પડે છે. હાલમાં એક કેસમાં સુપ્રીમ કોર્ટની રાહત હોવાને કારણે જેલમાં જવુ પડ્યુ નથી, પરંતુ ગમે ત્યારે કોર્ટનું ચક્કર ફરી જાય તો ફરી જેલ યોગ આવે તેમ છે, પરંતુ જો હાર્દિક પટેલ ભાજપમાં પ્રવેશ કરે તો કાયદેસરની કાર્યવાહી ધીમી પડે અથવા રાજકિય રક્ષણ પણ મળી શકે તેમ છે. વ્યક્તિગત રીતે હાર્દિક ભાજપને પસંદ પણ ન કરે તો પણ કોર્ટ અને જેલના ચક્કરથી બચવા હાર્દિકને ભાજપ જ બચાવી શકે છે તેની તેને ખબર છે. આવા સંજોગોમાં હાર્દિક ભાજપમાં જાય તો પણ વાંધો નથી, પરંતુ આ સ્થિતિમાં હાથ ઉપર ભાજપનો રહેવાનો છે. કોંગ્રેસમાં જે રીતે હાર્દિકને પોખવામાં આવ્યા તેવી સ્થિતિ રહેવાની નથી. ભાજપ પ્રવેશના દિવસે કમલમ ખાતે સી.આર.પાટીલ હાર્દિકને ભાજપની ટોપી પહેરાવી તે દિવસથી હાર્દિકે ખુણામાં કઈ પણ બોલ્યા અને માગ્યા વગર બેસી રહેવાનું છે.

- Advertisement -



હાર્દિક પટેલને ભાજપમાં ગયા પછી કોઈ પદ અને માન મળે કે નહીં પણ રાજકિય રક્ષણ મળે તે જ ઈનામ છે તેવુ માની લેવાનું છે. હાર્દિક પટેલનું ગોત્ર કડવા પટેલ છે, ઘણા જુના ભાજપી કડવા પટેલોને હાર્દિકની એન્ટ્રી પસંદ નથી, પણ તેમની ડરવાની જરૂર નથી. ભાજપના ગોદામમાં આવા અનેક નેતાઓ છે. હવે માત્ર તેમને જ ખબર છે તેઓ ભાજપમાં છે બાકીના તો તેમના અસ્તીત્વને પણ ભુલી ગયા છે. આ ગોદામમાં હજી પણ ખાલી ખુરશીઓ છે જેમાંથી એક ખુરશી હા્ર્દિકને આપવામાં આવશે એવુ પણ નથી, હાર્દિકને કયારેય પદ મળશે નહીં તેવુ પણ નથી, પણ ભાજપને જ્યારે હાર્દિકનો ઉપયોગ કરવાની અનિવાર્યતા લાગશે ત્યારે પદ આપવામાં આવશે. પણ જે રીતે કોંગ્રેસમાં હાર્દિકની દાદાગીરી ચાલી તેવો કોઈ અવકાશ ભાજપમાં મળશે નહીં, પરંતુ હવે કોંગ્રેસમાં ભાંડી ભાજપમાં પ્રવેશ કરવાનો હાર્દિકનો તખ્તો છેલ્લાં તબક્કામાં જ છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular