નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલા માટે ગુજરાત સલામત છે એવા રાજકીય દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. બહેન-દીકરીઓ ગુજરાતમાં ખરેખર સલામત છે? એવો ગંભીર સવાલ હવે લોકો સામે પડકાર બનીને ઉભો છે. દુષ્કર્મીઓને કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી આરોપીને ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જોગવાઈ કરી હોવા છતાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત બની રહી છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ૪ વર્ષીય બાળકીને પીંખી નાખનાર ૨૪ વર્ષીય નરાધમ યુવકને જિલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. નરાધમ યુવકને ફાંસીના માંચડે લટકાવી દેવાની લોક માંગ પ્રબળ બની છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં હોળીની રાત્રીએ ૧૧ વાગ્યાના સુમારે ઘરની બહાર આંગણામાં ઉંઘી રહેલી ૪ વર્ષીય બાળકીને નજીકમાં રહેતા ૨૪ વર્ષીય નરાધમ યુવકે ઉઠાવી જઈ નજીકમાં રહેલા ખેતરમાં લઇ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી એલસીબી પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને આરોપીની અટક કરી લીધી હતી.
હોળી પર્વની રાત્રીએ માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વર્ષીય ગાજર તરીકે પંકાયેલા નરાધમ યુવકે એક પરિવારની ૪ વર્ષીય દીકરીને ઘર આગળ ઉંઘી રહેલી હાલતમાં જોતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા બાળકીને ખેતરમાં ઉઠાવી જઈ દૂષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ કરતા ખેતર નજીક રડતી મળી આવતા અને બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોની હાલત પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવી બની હતી.
દુષ્કર્મનો ભોગ બનેલી ૪ વર્ષની બાળકીની માતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દુષ્કર્મનો ભોગ બનેલી ૪ વર્ષીય બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરક પરીક્ષણ માટેની તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
![]() |
![]() |
![]() |











