- ગોંડલના પેટ્રોલ પંપ પર ફાયરિંગથી ખળભળાટ મચાવનાર હાર્દિકસિંહ ઝડપાયો
- કેરળથી સુરત લાવી રાંદેર પોલીસને સોંપાયો, ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવણી
- ફાયરિંગ કેસમાં પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી હતી
નવજીવન ન્યૂઝ.ગોંડલ: ગત 24 જુલાઈના રોજ ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ‘રીબડા પેટ્રોલિયમ’ પર થયેલા ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની કેરળના કોચીથી ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ બાતમીના આધારે કાર્યવાહી કરીને હાર્દિકસિંહને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, હાર્દિકસિંહ ફાયરિંગ બાદ ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે અલગ-અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો.
દોરડાથી બાંધીને કેરળથી લવાયો, સુરત પોલીસને સોંપાયો
SMCની ટીમે હાર્દિકસિંહને કોચીથી સુરત લાવીને રાંદેર પોલીસને સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિકસિંહ વિરુદ્ધ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ખંડણી, લૂંટ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તે આ કેસમાં વોન્ટેડ હતો. પોલીસે તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કર્યું હતું.
પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી
પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના બાદ હાર્દિકસિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને પોતે જ ફાયરિંગ કરાવ્યાની કબૂલાત કરી હતી. આ વીડિયોમાં તેણે પોલીસને ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી. જેના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
મદુરાઈથી કેરળ ભાગી ગયો હતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હાર્દિકસિંહ અગાઉ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ છુપાયો હતો. ત્યારબાદ તે મદુરાઈના એક બારમાં હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ તે પહેલાં જ તે કેરળ ભાગી ગયો હતો.
હાર્દિકસિંહનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ રેકોર્ડ મુજબ, હાર્દિકસિંહ સામે ખૂન, ખૂનની કોશિષ, છેતરપિંડી, અપહરણ, લૂંટ અને મારામારી સહિત 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તે રાજકોટમાં થયેલા એક હત્યા કેસમાં પણ સંડોવાયેલો હતો અને પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો.
ફાયરિંગ કરનારા આરોપીઓની ધરપકડ
આ કેસમાં અગાઉ રાજકોટ રૂરલ LCBની ટીમે ફાયરિંગ કરનારા 4 આરોપીઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી હતી.
હાલ રાંદેર પોલીસ હાર્દિકસિંહની વધુ પૂછપરછ કરી રહી છે અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.