નવજીવન પંચમહાલઃ પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના તૃતિય પદવીદાન અને સુવર્ણચંદ્રક પદવીદાન સમારોહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૧૦ કરોડના ખર્ચે યુનિવર્સિટી કેમ્પસમાં તૈયાર કરવામા આવેલા સેન્ટ્રલ ઓફ એક્સલન્સ ભવનનું પણ ઈ-ખાતમુર્હત કર્યુ હતું. સાથે વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ૧૧૨ વિદ્યાર્થીઓને સુર્વણચંદ્રક એનાયત કરવામા આવ્યો હતો.

UPના રાજ્યપાલ આનંદીબેન પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી. જે આજે વટવૃક્ષ બની હજારો વિધાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના ઉત્થાનમાં શ્રી ગોવિંદ ગુરુનું અમૂલ્ય પ્રદાન છે. આદિવાસી સમાજના શિક્ષણ, કૃષિ, મહિલાઓના વિકાસ માટે તેમણે કરેલા પ્રયાસોનો અભ્યાસ થવો જોઇએ. વિધાર્થીઓ તેમના જીવનનો અભ્યાસ કરીને તેમના જીવનમૂલ્યોને અનુસરે તે જરૂરી છે. ભારતને ટી.બી મુક્ત બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા ખાનગી અને સરકારી કોલેજો અને યુનિવર્સિટીઝ આગળ આવી પોતાનો સહયોગ આપવા તેમણે અનુરોધ કરી સમાજમાંથી કુપોષણની સમસ્યાના નિવારણ માટે સહયોગ આપવા જણાવ્યું હતું.તેમણે વિશ્વ વિદ્યાલયોને ગામડાઓમાં મહિલા, બાળકોની સમસ્યાઓના સમાધાન માટે સહિયારા પ્રયાસોથી જવાબદારી અદા કરવા પર ભાર મૂક્યો હતો.
ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. જેમાં સાંત્વની ત્રીવેદીએ અને બહાદુર ગઢવીએ પોતાના સમધુર કંઠે પ્રાર્થના કરી હતી.આ દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ખાદીના રુમાલ, સુતરની આંટી, પુસ્તકઆપીને સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યારબાદ શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ઉપર બનાવામાં આવેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવામા આવી હતી. આનંદીબેન પટેલના હસ્તે યુનિવર્સિટી ખાતે બનનારી સેન્ટ્રલ ઓફ એક્સલન્સની ૧૦ કરોડના ખર્ચે બનનારી ઈમારતનુ ઈ -ભુમિ પુજન કરવામા આવ્યું હતું. ત્યારબાદ વિવિધ વિદ્યાશાખાના હાજર રહેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને સુર્વણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે સૌનો આવકાર કરતા જણાવ્યું કે વર્ષ ૨૦૧૫ માં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિત પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.૧૪૨ એકરમાં રૂ.૧૧૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ યુનિવર્સિટીના ભવનનું કામ પૂર્ણતાના આરે છે.

માત્ર ૬૭ હજાર વિદ્યાર્થી, ૯૧ કોલેજ સાથે શરૂ થયેલ યુનિવર્સિટીમાં હાલમાં ૧.૪૦ લાખ વિધાર્થીઓ અને પાંચ જિલ્લાની ૨૧૫ કોલેજો જોડાયેલી છે. યુનિવર્સિટીમાં હાલમાં ૬૪૦ વિધાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૮,૫૩૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાઓની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે યુનિવર્સિટીએ સ્થાપનાના ખૂબ જ ટૂંકા ગાળામાં હાંસલ કરેલ સિદ્ધિઓની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો.અનિલ સોલંકીએ આભારવિધિ કરી હતી.
આ પ્રંસગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડીંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજ્ય મંત્રી નિમીષા સુથાર, સાંસદ રંજન ભટ્ટ, રતનસિંહ રાઠોડ, જશવંત ભાભોર, ધારાસભ્યો સર્વ સુમન ચૌહાણ, બચુ ખાબડ, અભેસિંહ તડવી, જીગ્નેશ સેવક, પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, અગ્રણી અશ્વિન પટેલ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ડીન, ફેકલ્ટી, સિન્ડીકેટ, સભ્યો, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












