નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગરની કેનાલ પાસે આજે એક કરુણ ઘટના સામે આવી હતી. એક દીકરી જેના જવારા નદીમાં પધરાવતા તબીબ પિતા લપસીને કેનાલમાં પડ્યા અને પછી તે જીવતા બહાર ના આવ્યા. આ ઘટના જ્યારે બની તે જોતા દીકરી ડરી ગઈ અને મારા પપ્પા અંકલ જવારા પધરાવતા ડૂબી ગયા છે તેવું કહેતો એક વીડિયો સામે આવ્યો છે.
કેનાલ પાસે રડતી દીકરીને જોઈ લોકો દોડી આવ્યા અને તેમણે સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટના એવી છે કે ગાંધીનગરમાં પિડિયાટ્રિશયન પિતા પોતાની 6 વર્ષની દીકરીને લઈને કેનાલ પાસેથી નદીમાં તેના જવારા પધરાવવા માટે આવ્યા હતા. દરમિયાન અચાનક તે લપસીને પાણીમાં પડી ગયા હતા. પાણીમાં પડ્યા બાદ પિતાને પાણીમાં નજર દોડાવી રડતી આંખે શોધતી દીકરીને જોઈ અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. દીકરીએ ત્યાં જ કલ્પાંત શરૂ કરી દીધો હતો. તે કહેતી હતી કે મને નથી ખબર મારા પપ્પા ક્યાં ગયા. અમે અહીં જવારા પધરાવવા આવ્યા હતા. તેઓ ક્યાં ગયા મને ખબર નથી. મારા પપ્પા અંકલ, શું તમને મારું વાવોલનું એડ્રેશ ખબર છે? મને મુકી જાઓ ઘરે. ત્યાં હાજર વ્યક્તિએ દીકરીને સાંત્વના આપતા કહ્યું કે તું ચિંતા ના કર, હું તને મુકી જઈશ બેટા. દીકરીએ કહ્યું, મારા પપ્પા ના મળે તો મને વાવોલ મુકી જજો. આ વ્યક્તિ પણ દીકરીને ફોસલાવતો સંભળાય છે. તે કહે છે કે ચિંતા ના કર પપ્પા આવી જશે હોં. દીકરીનો વલોપાત સહુને રડાવી જાય તેવો છે.
ડૂબી જનાર ડોક્ટરની ઓળખ ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટ તરીકે થઈ છે. અહેવાલો એવા પણ સામે આવી રહ્યા છે કે આ ઘટનામાં ડોક્ટર નીરવ બ્રહ્મભટ્ટનું મૃત્યુ થયું છે. એક દીકરીની નજર સામે જ તેના પિતા મૃત્યુના ખોળે જતા રહ્યા તે ઘટનાએ સહુને ત્યાં ચોંકાવી દીધા હતા. દીકરીના વલોપાત સહુના હૃદયને દ્રવી નાખ્યું હતું. તે કહે છે કે અમે જવારા પધરાવા ગયા હતા અને તે અંદર જતા રહ્યા. લોકો તેને સાંત્વના આપે છે કે, તું ગભરાઈશ નહીં. તે સતત દીકરીને ના ડરવા અને તેને સુરક્ષિત ઘરે મુકી જઈશું તેવો દિલાસો આપી રહ્યા હતા. તેનો એક વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ કેમેરામાં કંડાર્યો હતો. અહીં તમને તે જ વીડિયો દર્શાવાયો છે. જોકે દીકરીની પ્રાઈવસીનું ધ્યાન રાખતા તેનો ચહેરો બ્લર કરાયો છે.








