વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): ગુજરાતના વનરક્ષકની ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આખા ગુજરાતમાં ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કરી રહી છે તો બીજી બાજુ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એમ કહી રહ્યા છે કે આ કોપી કેસની ઘટના છે પેપર ફૂટ્યું નથી. નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે રાજપીપળા સફેદ ટાવર ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો. બાદમાં બીજે દિવસે તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન યુવક કોંગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.
રાજપીપળા ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર દરમિયાન યુવક કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, મહામંત્રી વિરલ વસાવા, મેહુલ પરમાર, નીતિન વસાવા, ગૌરાંગ મકવાણા, ઉત્સવ વસાવા સહીતના કાર્યકરોએ ગુજરાત સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. અજય વસાવાએ જણાવ્યું હતું કે 2018 માં વન રક્ષકની પરીક્ષાના ફોર્મ ભરાયા હતા, 4 વર્ષ બાદ લેવાયેલી પરીક્ષાનું પેપર પણ ફૂટી ગયું છે. ભાજપના રાજમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર્સની 10-12 લાખ રૂપિયાની બોલી બોલાય છે. ભાજપના નેતાઓને પેટ્રોલ-ડીઝલ મોંઘું નહીં લાગે કારણ કે પેપર ફોડી તેઓ પૈસા કમાઈ લે છે પણ ગરીબ માણસોનું શું, ગુજરાત સરકાર આ બાબતની જવાબદારી લે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરે. હાલની પરીક્ષા રદ કરી નવી પરીક્ષા જાહેર કરી જેટલા પણ ઉમેદવારો પરીક્ષા આપવા ગયા છે એમને યોગ્ય વળતર આપે. જો યુવાનોને ન્યાય નહીં મળે તો અમે આંદોલન કરીશું.