કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણકારો બિન્દાસ રોકાણ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષના આ ટ્રેન્ડમાં જંગી પ્રમાણમાં વિદેશી મૂડી ભારતીય બેન્કોમાં ઇન્વેસ્ટ થઈ છે. એક અંદાજ પ્રમાણે 15 બિલિયન ડૉલર [આશરે ૧.૨૫ લાખ કરોડ] છેલ્લા એક વર્ષમાં ઇન્વેસ્ટ થયા છે. ઇન્વેસ્ટ કરનારી બેન્કોમાં જે પ્રમુખ કંપનીઓ છે તેમાં દુબઈની ‘એમિરાત એનબીડી’, જાપાનની ‘સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન’, અમેરિકાની ‘બ્લેકસ્ટોન’ અને સ્વિટ્ઝર્લેન્ડની ‘જ્યુરિચ ઇન્સ્યોરન્સ’ છે. આ તમામ કંપનીઓમાં સૌથી વધુ અમેરિકાની ‘બ્લેકસ્ટોન’ કંપનીએ 9.9 ટકાના સ્ટેક સાથે 6,196 કરોડ ફેડરલ બેન્કમાં ઇન્વેસ્ટ કર્યા છે.
હજુ તો એક દાયકા અગાઉ જ ભારતીય બેન્કોએ ઉદ્યોગપતિઓને આપેલી લોનથી વગોવાઈ હતી. આ લોનની રકમ પાછી ન મળી. ઉપરાંત ‘આઈએલ એન્ડ એફએસ’ અને ‘ડીએચએફએલ’ જેવી કંપનીઓ નબળી પડી તે કારણે પણ દેશના આર્થિક તંત્ર પર સવાલ ખડા થયા હતા. જોકે તે પછીના એક દાયકાના ગાળામાં બેન્કિંગ વ્યવસ્થામાં ઘણા સુધાર થયા. નીતિનિયમો કડક બન્યા, દેખરેખ વધુ ચુસ્ત બની અને લોકોનો વિશ્વાસ ફરી બેન્કિંગ વ્યવસ્થામાં જાગૃત થાય તે માટે બેલેન્સ-શીટમાં સુધાર લાવવા પર સતત પ્રયાસ થયા. હવે આ સિસ્ટમને પારદર્શી કહી શકાય તેવી બની છે.

આપણા દેશની બેન્ક સિસ્ટમ અહીં સુધી પહોંચી છે તેમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છતાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં મહદંશે વિશ્વાસ જળવાઈ રહ્યો છે. દેશમાં બેન્કોની શરૂઆત તો અઢારમી સદીમાં થઈ ચૂકી હતી જ્યારે દેશની પ્રથમ બેન્ક ‘બેન્ક ઓફ હિંદુસ્તાન’ અસ્તિત્વમાં આવી હતી. બેન્કનો કન્સેપ્ટ દેશમાં લોન્ચ થઈ ચૂક્યો હતો; પરંતુ બેન્કમાં નાણાં મૂકાય તેવી આવશ્યકતા લોકોને તુરંત લાગી નહોતી. ધીરે-ધીરે તેમાં વિશ્વાસ ઊભો થયો અને બેન્કનો ઇતિહાસ ઘડાતો ગયો. આ ગાળામાં મહદંશે બેન્કો રજવાડાંઓ દ્વારા આરંભ થયેલી હતી. તદ્ઉપરાંત કેટલીક બેન્કો બ્રિટિશ સરકાર અંતર્ગત આવતી હતી.
બેન્કોનો આ વ્યવહાર શરૂ થયો અને આઝાદી પછીના બે દાયકામાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ બેન્કોને લઈને સૌથી મહત્ત્વનો નિર્ણય લીધો. તે વખતની સૌથી મોટી 14 બેન્કોને વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીયકૃત જાહેર કરી દીધી હતી. આ ટૂંકો ઇતિહાસ એ માટે આપ્યો કે બેન્કોમાં તે વખતે જેમ રાષ્ટ્રીયકરણ થયું, તે રીતે હવે બેન્કોમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે.
વિદેશમાંથી આવતું ઇન્વેસ્ટમેન્ટ પબ્લિક સેક્ટર બેન્કોમાં 49 ટકા સુધી કરી શકાશે. આપણી હાલની પબ્લિક સેક્ટર એટલે કે નેશનલાઇઝ્ડ બેન્ક દેશની કુલ બેન્કિંગ વ્યવસ્થામાં 55 ટકા હિસ્સો ધરાવે છે. અત્યાર સુધી આ હિસ્સામાં વિદેશી રોકાણકારો 20 ટકા સુધી જ ઇન્વેસ્ટ કરી શકતા હતા, હવે તે મર્યાદા વધારીને 49 ટકા સુધી વધારવાનો પ્રસ્તાવ મૂકાયો છે. હજી સુધી આ પ્રસ્તાવને આરબીઆઈ અને નાણાં મંત્રાલયની લીલી ઝંડી મળી નથી. પ્રાઇવેટ બેન્કોમાં તો અગાઉથી જ 74 ટકા જેટલી વિદેશી મૂડી ઇન્વેસ્ટ કરવાની મંજૂરી છે.
ભારતીય બેન્કોમાં વિદેશી રોકાણકારો અવસર જુએ છે તેનું કારણ 12 રાષ્ટ્રીયકૃત બેન્કોની કુલ સંપત્તિનો આંકડો 171 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. બીજું, આ બેન્કોનો દબદબો દેશના ગ્રામિણ વિસ્તારમાં મસમોટો છે. ગ્રામિણ વિસ્તારમાં લોન આપવી, ડિપોઝિટ મેળવવાનું કાર્ય બેન્ક દ્વારા જ થાય છે. બેન્કોમાં વિદેશી ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું કારણ એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે બેન્કિંગ સિસ્ટમ વધુ મજબૂત બને અને લોકોને તેનો લાભ મળે. બીજું કે દેશની બેન્કિંગ સિસ્ટમમાં છેલ્લા વર્ષોમાં ‘પ્રધાનમંત્રી જનધન યોજના’ અને ડિજિટલ પેમેન્ટના કારણે વધુ સુધાર આવ્યો છે.

ટૂંકમાં ભારતીય બેન્કોનું ચિત્ર અત્યારે ગુલાબી લાગી રહ્યું છે અને તેમાં વિદેશી કંપનીઓ પણ હવે અવસર જોઈ રહી છે. મસમોટી કંપનીઓને લઈને એ ખાસ સમજી લેવું જોઈએ કે આ કંપનીઓ ઇન્વેસ્ટ કરતી હોય તો તેની સામે તેમની અપેક્ષા વળતરની હોય છે. બિઝનેસના બધા જ પહેલમાં આખરે તો નફાનો ઇરાદો હોય છે. આ ઇરાદાને સર કરવા વિદેશી કંપનીઓ પોતાના ભંડાર ભારતીય બેન્કો માટે ઉઘાડી રહી છે.
હવે રહી વાત કેન્દ્ર સરકાર અથવા તો ભારતીય બેન્કો આ માટે કેમ મંજૂરીની મર્યાદા વધારવા જઈ રહી છે. પ્રાથમિક જે રજૂઆત મૂકવામાં આવે છે તે બેન્કિંગ સેક્ટરનો વ્યાપ વધારવાનો અને વધુ મજબૂત કરવાનો છે. તેનાથી ધંધા-વેપાર વધે અને તેની અસર દેશના અર્થતંત્ર પર સારી પડે.
આ તો થઈ બેન્ક ઇન્વેસ્ટમેન્ટની સારી વાતો. પરંતુ હવે આ મુદ્દાને શંકાના દાયરામાં રાખીને જોઈએ તો તેની અનેક નબળાઈઓ પણ દેખાશે. આ અંગે કૉંગ્રેસ પક્ષે પોતાનો મોરચો ખોલી દીધો છે. કૉંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રવક્તા જયરામ રમેશે આ મુદ્દાને ‘નોંધપાત્ર રીતે જોખમી’ ગણાવ્યો છે. સાથે જ તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે 1969માં જ્યારે ભારતીય બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે તેનો વિરોધ આરએસએસ દ્વારા કરવામાં આવ્યો હતો.








