જય અમિન (નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા): જ્યારે એક સ્ત્રી માટે તેના વાળ તેના સૌંદર્યનું અભિન્ન અંગ ગણાય છે, ત્યારે સાબરકાંઠાના ઈડરની એક વીરાંગનાએ આ રૂઢિચુસ્ત વિચારને તોડીને માનવતાનો નવો અધ્યાય લખ્યો છે. ઈડરના ખોડમ ગામની દીકરી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા દામિનીબેન જીગ્નેશકુમાર પટેલે કેન્સર સામે લડતી બહેનોના આત્મવિશ્વાસ માટે પોતાના માથાના તમામ વાળનું મુંડન કરાવી ‘કેશદાન’ કર્યું છે.
“મારા વાળ તો ફરી આવી જશે, પણ કોઈના ચહેરાનું સ્મિત પાછું લાવવું વધુ મહત્વનું છે” – દામિનીબેન પટેલ
સેવા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે, પણ દામિનીબેને પસંદ કરેલો માર્ગ હૃદયસ્પર્શી છે. તેમની મિત્ર અનુબેન પટેલના કાર્યથી પ્રેરાઈને તેમણે નક્કી કર્યું કે તેઓ માત્ર વાતો નહીં પણ મુંડન કરાવીને આ પીડામાં સહભાગી થશે. પરિવારના ટેકા સાથે દામિનીબેને ‘Bald Beauty India’ સંસ્થા સાથે જોડાઈને પોતાના વાળ અર્પણ કર્યા છે. દામિનીબેનના શબ્દોમાં જે ભીનાશ છે તે સૌને વિચારતા કરી દે તેવી છે. તેઓ કહે છે: “દુનિયામાં પૈસા તો ઘણા લોકો દાન કરે છે, પણ વાળનું દાન એ લાગણી અને સંવેદનાનું પ્રતીક છે. મને ખબર છે કે મારા વાળ થોડા મહિનામાં પાછા ઉગી જશે, પણ કેન્સરની સારવારમાં જે બહેનોએ પોતાના વાળ ગુમાવ્યા છે, તેમને જ્યારે મારા વાળમાંથી બનેલી વિગ મળશે ત્યારે તેમના ચહેરા પર જે સ્મિત આવશે, એ જ મારા માટે સૌથી મોટું ઈનામ છે.”

કેન્સર સામે લડતી મહિલાઓ ઘણીવાર વાળ ખરી જવાથી ડિપ્રેશનમાં આવી જતી હોય છે. તેમને પ્રોત્સાહન આપતા આ પોલીસ કર્મીએ સંદેશ આપ્યો છે કે: “બહેનો, વાળ ન હોવા એ કોઈ શરમ નથી. એ તો આપણા શરીરનો એક ભાગ છે. હું પણ મુંડન કરાવ્યા બાદ ટોપી કે સ્કાફ વગર ગર્વથી બહાર ફરવાની છું. આપણે આપણી આંતરિક સુંદરતાથી જીતવાનું છે, બાહ્ય દેખાવથી નહીં!”
દામિનીબેન દ્વારા આપવામાં આવેલા વાળમાંથી વિગ બનાવીને આર્થિક રીતે કેન્સર પીડિત બહેનોને વિનામૂલ્યે આપવામાં આવશે. અત્યાર સુધી આવી ૩૮૦ થી વધુ બહેનોને નવી આશા આપવામાં આવી છે. જો તમે પણ આ સંવેદનશીલ અભિયાનમાં જોડાવા માંગતા હોવ અથવા હેર ડોનેટ કરવા માંગતા હોવ, તો 9723211354 પર સંપર્ક કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ પર ‘Bald Beauty India’ પેજની મુલાકાત લઈ શકો છો.








