નવજીવન ન્યૂઝ.પાલનપુરઃબનાસકાંઠામાં પાણીની સમસ્યાથી દર ઉનાળી લોકો ઉકળતા હોય છે કારણ કે આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંના ખેડૂતોની સમસ્યા હજુ યથાવત રહી છે. અહીં કેનાલ તો બનાવાઈ પણ સિંચાઈનું પાણી સમયસર મળતું નથી તેવી ખેડૂતો રાવ છે. હવે પીવા અને ખેતી માટેના પાણીને મામલે ખેડૂતોએ આજે રસ્તા પર બાઈક રેલીનું આયોજન કર્યું હતું. થોડા સમય પહેલા ખેડૂતો મલાણાથી પાલનપુર પહોંચી ગયા હતા અને કલેક્ટરને આ સમસ્યા દૂર કરવા રજૂઆત કરી હતી, આજે થરાદના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવી લેવા અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મામલે બાઈક રેલી યોજી તંત્રના હાથપગ હલાવવાનું આયોજન કર્યું હતું. હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને હવે તેઓ પ્રાંત અધિકારીને આવેદન આપશે.
ખેડૂતોનું કહેવું છે કે સરહદી પંથકોમાં થરાદમાં પાણીની સમસ્યાઓ ઘણી છે, તેના કારણે આંદોલનના માર્ગે આવવું પડ્યું છે. મોટી સંખ્યામાં બાઈક રેલીમાં ખેડૂતો જોડાયા છે. રેલી પછી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવશે. અમારી માગ છે કે 97 ગામને નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવો તથા સુજલામ સુફલામ કેલનાલમાં પાણી છોડો. જો આવું થશે નહીં તો ખેડૂતો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું મન બનાવી બેઠા છે.
![]() |
![]() |
![]() |