નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ રાજ્યમાં થતી સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે યુનિવર્સિંટીની પરીક્ષામાં ગેરરીતીનો ભાંડો ફોડનારા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) આજે પત્રકાર પરિષદ યોજીને એક નવો ઘટસ્ફોટ કર્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ખોટી માર્કશીટના આધારે કેટલાક લોકોએ સરકારી નોકરી (Government Jobs) મેળવી લેવાનો અને પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં (Gandhinagar) અખબારભવન ખાતે પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા, દેવગણા, અગિયાળીમાં છેલ્લા 15 દિવસોમા અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના રેકેટમાં બોર્ડ પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ બનાવી નોકરી મેળવવા લાગ્યા છે. જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે. આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.
આવા લોકો કોઈને કોઈ ગેરરીતિ આચરી બોર્ડ પરીક્ષાથી લઇ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી ઉમેદવારો પાસ પણ થઈ જાય છે, નોકરી પણ મેળવી લે છે. પણ હવે તો હદ એ છે કે પરીક્ષા આપનાર ઉમેદવાર પણ નકલી છે. સુપરવાઈઝર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરનારા તપાસ અધિકારીની બેદરકારી કે મીલીભગતથી જ આ શકય થઈ શકે છે. એટલે જે તે ભરતી બોર્ડના તપાસ અધિકારી ઉપર પણ તપાસ થવી ખૂબ જરૂરી છે.
નકલી ઉમેદવારને ક્રોસ ચેક કરવા માટે યુવરાજસિંહએ કહ્યું હતું કે, જે તે ડમી કે પાસ ઉમેદવારના કેન્દ્રના CCTV ચેક કરી શકે છે, સાચા ઉમેદવારોના ફોટા અને પરીક્ષા સમયે આપનાર ઉમેદવાર સાથે ક્રોસ ચેક કરી શકે છે, ઉમેદવારના હસ્તાક્ષરને ક્રોસ ચેક કરી પારખી શકે છે, પરીક્ષા દરમિયાન લેવામાં આવતા ફિંગર પ્રિન્ટને પણ ક્રોસ ચેક કરીને પુષ્ટિ કરી શકે છે. કોલલેટરનો અડધો ભાગ જે તે ભરતી બોર્ડ દ્વારા જમાં કરવામાં આવે છે તેની સાથે રહેલી માહિતીને પણ ક્રોસ ચેક કરી શકાય છે જે ભરતી બોર્ડ જોડે જ જમાં હોઈ છે.
ડમી ઉમેદવારની યાદી
- ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
- કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
- અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
- જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








