કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): 15 ઑગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો અને આ દિવસે દેશની રાજધાની દિલ્હીમાં જશ્નનો માહોલ હતો. ભારતની આઝાદીના આગલા દિવસે સંસદમાં વિઝિટર ગૅલરીમાં બેસનારાં વિશે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં દેબાશીશ કોનારે એક લેખ લખ્યો છે. લેખમાં તેઓ દેશના પ્રથમ મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા શ્યામાપ્રસાદ મુખર્જીના ભત્રીજા ચિત્તાતોશ મુખર્જીનો ભારતની આઝાદી વખતે એસેમ્બલીમાં ઉપસ્થિત હોવાનો અનુભવ ટાંકે છે. ચિત્તાતોશ મુખર્જી તે વખતે પ્રેસિડન્સી કોલેજના વિદ્યાર્થી હતા અને તે પછી તેઓ બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બન્યા હતા. ચિત્તાતોશ મુખર્જીએ ભારતની આઝાદીના આગલા દિવસ-રાતનો અનુભવ ટાંકતા કહ્યું હતું કે, : ‘કાર્યક્રમની શરૂઆત રાતના અગિયાર વાગે થઈ અને સુચેતા કૃપાલાની [તત્કાલિન સંયુક્ત પ્રાંત જનરલ]એ વંદે માતરમ્…. ગાયું.
રાષ્ટ્રપતિ અને બંધારણીય સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ નેહરુના વક્તવ્ય અગાઉ સેશનને સંબોધ્યું હતું. તેમણે લોકોને આઝાદી મળ્યા બાદ આપણી ફરજો શું હશે તે યાદ કરાવ્યું હતું. આ સંબોધન અનેક રીતે યાદગાર છે. આ વક્તવ્ય લાંબુ છે અને અહીં વધુ શબ્દો રોકે એવું છે, પણ તેના અંશ જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘વિશ્વના તમામ દેશોને અમે વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમે અમારા ઇતિહાસ મુજબ સૌ સાથે દોસ્તીનું વલણ રાખવા ઇચ્છીએ છીએ. કોઈથી અમારો દ્વેષ નથી. અમારે કોઈની સાથે દગો કરવો નથી અને અમે એવી આશા રાખીએ છીએ કે કોઈ અમારી સાથે એવું ન કરે. અમારી એક જ આશા અને અભિલાશા છે કે અમે સૌને માટે આઝાદી અને માનવજાતિ માટે શાંતિ અને સુખ સ્થાપિત કરવામાં મદદગાર થઈ શકીએ.’

આ વક્તવ્યમાં પાકિસ્તાનનો ઉલ્લેખ પણ આવે છે. તેમાં રાજેન્દ્રપ્રસાદ કહે છે : ‘જે દેશને ઈશ્વર અને પ્રકૃતિએ ઘડ્યો છે, આજે તેના બે ટુકડા થયા છે. નજીકના લોકોથી અલગ થવું દુઃખદાયી હોય છે. આ વિભાજનથી અમારા હૃદયમાં પીડા છે. તેમ છતાં તમારી વતી અને મારી તરફથી પાકિસ્તાનના લોકોને સફળતા માટે સદ્ભાવના પ્રગટ કરું છું. એવા લોકો જેઓ વિભાજનથી દુઃખી છે અને પાકિસ્તાનમાં રહી ગયા છે તેઓને પણ અમે શુભકામના પાઠવીએ છીએ. તેમણે ગભરાવવું ન જોઈએ. પોતાનું ઘર, ધર્મ અને સંસ્કૃતિને સુરક્ષિત રાખવા માટે હિંમત અને સહિષ્ણુતાથી કામ લેવું જોઈએ.’ તે પછી મુસ્લિમ લીગના આગેવાન ચૌધરી ખલીકુઝ્ઝામન દ્વારા નેહરુ દ્વારા મૂકાયેલો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. બાર વાગ્યે અગાઉ સર્વપલ્લી રાધાકૃષ્ણને વક્તવ્ય આપ્યું અને તેમણે દેશની અદ્વિતિય સિદ્ધી વિશે રજૂઆત કરી. બરાબર અડધી રાતે રાજેન્દ્ર પ્રસાદે સભ્યોને અંગ્રેજી અને હિંદીમાં શપથ લેવડાવ્યા. અને તે પછી બંધારણીય સમિતિએ ભારતનું નિયમન કરવાનો ઠરાવ પસાર કર્યો. આ ઠરાવ અંતર્ગત દેશના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને નિમવામાં આવ્યા.’ તે પછી ભારતની આઝાદીની લડતમાં સામેલ રહેનારાં હંસા મહેતાએ રાષ્ટ્રીય ધ્વજ રાષ્ટ્રપતિને સોંપ્યો. આ રાષ્ટ્રધ્વજ સોંપતી વેળાએ દેશના મુખ્ય સંપ્રદાયોની સો મહિલાઓનાં નામ બોલવામાં આવ્યા. તે વેળાએ સુચેતા કૃપલાણીએ સારે જહાં સે અચ્છા… અને જન ગણ મન…ના પ્રારંભની પંક્તિઓનું ગાન કર્યું. આ રીતે તે રાતનું સેશન પૂર્ણ થયું.
15 ઑગસ્ટ 1947ના દિવસ સાથે અનેક કથાવસ્તુ જોડાયેલી છે. આ અંગે ચિત્તાતોશ મુખર્જી જણાવે છે કે, ભારતની આઝાદી અર્થે 15 ઑગસ્ટ દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો તેનું કારણ લોર્ડ માઉન્ટબેટન હતા. આ તારીખ તેઓ પોતાની માટે નસીબવંતી માનતા હતા. કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં 15 ઑગસ્ટ 1945ના રોજ જાપાની સૈન્યએ શરણાગતિ સ્વીકારી ત્યારે તેઓ સાથી દેશોના કમાન્ડર તરીકેની ફરજ પર હતા. જોકે, આ દિવસને શુભ દિવસ તરીકે માનવામાં આવ્યો નહોતો, તેથી ભારતની આઝાદીનો સમય અડધી રાતે રાખવામાં આવ્યો હતો. માઉન્ટબેટન 14 ઑગસ્ટ 1947ના રોજ કરાંચીમાં બ્રિટનના રાજાનો આઝાદીનો સંદેશ આપવા ગયા હતા, તેવું તેમણે દિલ્હીમાં પણ કરવાનું હતું. જોકે દિલ્હીમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. પરંપરા મુજબ લાલ કિલ્લા પરથી નેહરુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તે પછી દેશની પ્રથમ કેબિટના 22 મંત્રીઓની શપથવિધિ થઈ.
15 ઑગસ્ટ 1947ના રોજ વિધાનપરિષદ બંધારણ હોલમાં સવારના 10 વાગે એકત્રિત થઈ હતી. અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સાથે દેશના ગવર્નર લોર્ડ માઉન્ટબેટન અને તેમનાં જીવનસાથી શ્રીમતી માઉન્ટબેટને ભવનમાં પ્રવેશ કર્યો. આ દિવસે સૌ પ્રથમ દુનિયાભરના દેશોથી આવેલાં સંદેશાઓ વાંચવામાં આવ્યા. તે પછી ગવર્નર લોર્ડ માઉન્ટબેટનને વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું : ‘ભવિષ્યમાં તમારે મોટી જવાબદારીઓ નિભાવવાની છે. પરંતુ જ્યારે હું તમારા દ્વારા પ્રગટ કરવામાં આવેલી રાજનીતિજ્ઞતા અને ત્યાગનો વિચાર કરું છું ત્યારે મને વિશ્વાસ થાય છે કે ભવિષ્યમાં આ ભાર તમે યોગ્ય રીતે વહન કરશો.’ આ વક્તવ્યમાં લોર્ડ માઉન્ટબેટને દેશના વિભાજન કેમ ઝડપી કરવામાં આવ્યું તેનું કારણ પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, “જે બેઠકમાં 3 જૂનની યોજના સ્વીકૃતી પામી. તેમાં મેં આગેવાનો સમક્ષ વિભાજન અને શાસન સંબંધી પરિણામોના વિશે એક વિચારપત્ર રજૂ કર્યું હતું. અને તે સમયે ઇતિહાસમાં સૌથી મોટી શાસન સંબંધી કાર્યવાહી કરવા અર્થે એક વ્યવસ્થા પણ ગોઠવી કાઢી હતી. આ કાર્યવાહી 40 કરોડ નિવાસીઓના આ ઉપમહાદ્વિપના ભાગલા અને અઢી મહિનામાં બે સ્વાધીન સરકારોને સત્તા હસ્તાંતરિત કરવા અંગે હતી. આ કાર્યવાહીને ઝડપથી પૂર્ણ કરવાનું કારણ એ હતું કે, એક વાર વિભાજનનો સિદ્ધાંત સ્વિકાર કર્યા બાદ તે ઝડપથી થાય તેમાં જ તમામ પક્ષોનું હિત હતું.’

14 અને 15 ઑગસ્ટના દિવસે ગૃહમાં જે થયું તે તો બધું આયોજનબદ્ધ રીતે થયું, પરંતુ બહાર સ્થિતિ વેગળી હતી. આ અંગે ડોમિનિક લેપિયર અને લેરી કોલેન્સે તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘ફ્રીડમ એટ મિડ નાઇટ’માં આંખો દેખ્યા અહેવાલ લખ્યો છે. તેઓ લખે છે : ‘ઇંડિયા ગેટ પર ભારતની આઝાદીનો કાર્યક્રમ થવાનો હતો. તેની રણનીતિ લોર્ડ માઉન્ટબેટનના સલાહકારોએ બનાવી હતી. અંગ્રેજ શાસન દરમિયાન આવાં કાર્યક્રમનો અનુભવ તેમને હતો. 15 ઑગસ્ટના દિવસે ઉજવણી અર્થે 30 હજાર લોકો વધુમાં વધુ આવશે તેઓ તેમને અંદાજ હતો. પરંતુ આ અનુમાન મુજબ હજારો નહીં પણ પાંચ લાખથી વધુ લોકો આવ્યા હતા. આ અગાઉ રાજધાની દિલ્હીમાં એક સાથે આટલાં લોકો ક્યારેય ભેગા થયા નહોતા.’ આ ભીડમાં વીઆઈપી અને મંત્રીગણની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. સાંજના ચાર વાગ્યા હતા ત્યારે માઉન્ટબેટનની દીકરી પામેલા પિતાના સ્ટાફ સાથે ઇંડિયા ગેટ પર પહોંચી. મંચની આસપાસ જરાસરખી પણ જગા નહોતી. મંચથી 100 ડગ દૂર જ લોકો જમીન પર બેઠા હતા. પામેલાને લાગતું હતું કે જાણે કોઈ મજબૂત દીવાલ હોય અને તેને તોડવી અશક્ય હતી. ત્યારે જ મંચ પર બેસેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની નજર પામેલા પર ગઈ અને તેમણે કહ્યું ‘લોકોના ઉપરથી મંચ પર આવી જાઓ. એ રીતે લોર્ડ માઉન્ટબેટન અને તેમનાં જીવનસાથીઓ પણ આ ભીડમાં ઘેરાઈ ગયા હતા. તેમની બગ્ગી નિકળવા માટે કોઈ જગ્યા નહોતી. તેમની સાથે હાથ મેળવવા લોકો તેમની તરફ ધસી રહ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી માઉન્ટબેટન મંચ પર પહોંચી શક્યા નહોતા.’
આ રીતે દિલ્હીમાં ઉજવણી થઈ હતી અને તે દિવસે બંધારણીય સમિતિનું કામકાજ રહ્યું હતું. આ પૂરી પ્રક્રિયા અને ઉજવણી દરમિયાન મહાત્મા ગાંધી ઉપસ્થિત નહોતા. મહાત્મા ગાંધી લાગણીઓના ઉન્માદના માણસ ન હતા. એમને ભારતની આઝાદીનો આનંદ હતો, પણ વિભાજનની ખુશી ન હતી. ત્યારે બંગાળમાં ભયાનક રમખાણો ફાટી નીકળ્યાં હતાં, અને મહાત્માને ભારતની આઝાદીના જશ્નને બદલે, તોફાનોની ચિંતા હતી. 14મીની મધરાતે નહેરુ તેમનું જગપ્રસિદ્ધ ‘ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની’ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે મહાત્મા ગાંધી દિલ્હી છોડીને કલકત્તામાં ઉપવાસ કરવા ગયા હતા. તેઓ પૂર્વ બંગાળ (જે પાકિસ્તાનમાં ગયું હતું) ત્યાં જવા માગતા હતા, કારણ કે ત્યાં મુસ્લિમો બહુમતીમાં હતા અને ગાંધીજીએ નક્કી કર્યું હતું કે વિભાજના દિવસે તેઓ પૂર્વ બંગાળના હિંદુઓની રક્ષા માટે તેમની સાથે રહેશે. તેઓ આ દિવસે અનેક લોકોને મળ્યા હતા, પણ તે પછી તેઓ રાજ્યના નવા રાજ્યપાલ સી. રાજગોપાલાચારીને મળ્યા હતા અને તોફાનો રોકાઈ જવા બદલ અભિનંદન આપ્યા હતા. બે વાગે કોમ્યુનિસ્ટ પાર્ટીંના અમુક સભ્યો સાથે મહાત્મા ગાંધીની વાતચીત થઇ હતી. તેમાં તેઓએ કહ્યું હતું, “આપણે આઝાદીને જાળવી શકીશું? દેશમાં હિંદુ-મુસ્લિમ એકતા પર એવી મજબૂતી નજર નથી આવતી, જે બ્રિટિશ રાજ સામેની લડાઈમાં જોવા મળી હતી. આઝાદીના જશ્નમાં હું સામેલ ના થઇ શક્યો, તે મને ગમ્યું નથી.”

મહાત્મા અમુક વિધાર્થીઓને મળ્યા હતા અને તેમને કહ્યુ હતું, “આપણી પાસે હવે બે દેશ છે અને બંનેમાં હિંદુ અને મુસ્લિમો નાગરિકોને રહેવાનું છે, જો એવું હોય, તો ટુ નેશન થિયરી અથવા દ્વિરાષ્ટ્રવાદની ધારણાનો અંત આવ્યો કહેવાય.”
સાંજેમહાત્મા ગાંધીની પ્રાર્થના સભા હતી. તેમાં તેમણે હિંદુ-મુસ્લિમો વચ્ચે ફરીથી ભાઈચારા માટે કલકત્તાને અભિનંદન આપ્યા. શહેરમાં હિંદુઓ અને મુસલમાનોએ જોશ સાથે ત્રિરંગો લહેરાવ્યો. મુસલમાનો હિંદુ દોસ્તોને મસ્જીદમાં લઇ ગયા અને હિંદુઓ મુસલમાન દોસ્તોને મંદિરમાં લઇ ગયા. આઝાદીના ઉન્માદમાં એક વિશાળ ભીડે ગવર્નર હાઉસ પર કબ્જો કરી લીધો હતો. મહાત્મા ગાંધીએ તેનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ જો જનસાધારણના હાથમાં આવેલી સત્તાનો સંકેત હોય તો તેમને ખુશી થશે, પણ લોકો જો એમ વિચારતા હોય કે તેઓ સરકારી અને બીજી સંપત્તિઓ સાથે જે ધારે તે કરી શકે છે, તો તેમને બહુ દુઃખ થશે. ગાંધીજીએ લોકોને ચેતવ્યા હતા કે તેમણે આ આઝાદીનો બુદ્ધિ અને સંયમથી ઉપયોગ કરવો પડશે.