પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-7): ગુજરાતમાં દારુબંધીના કાયદાના કારણે ગુજરાતમાં પડોશી રાજ્યો સહિત ગોવા, પંજાબ અને હરિયાણાથી પણ હારબંધ ટ્રક્સ ગુજરાતની સરહદમાં પ્રવેશ કરે છે. જેમ વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે તેવી જ રીતે ગુજરાતમાં ગેરકાયદે પ્રવેશ કરતી ટ્રક્સને નિયત સ્થળે પહોંચવા માટે વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી પસાર થવું પડે છે, જેને પોલીસની ભાષામાં પાસપોર્ટ આપ્યો છે તેવું કહેવામાં આવે છે.
ગુજરાતમાં ત્રણ પડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દારુ આવે છે. ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણથી પણ દારુ ગુજરાતમાં દાખલ કરવામાં આવે છે. રાજસ્થાનની ફેક્ટરીસમાં જે બે નંબરના દારુનું ઉત્પાદન થાય છે તે નાના વાહનો દ્વારા શામળાજી અને પાલનપુર બોર્ડરના રસ્તાઓ પરથી ગુજરાતમાં પ્રવેશે છે. રાજસ્થાનથી આવતો દારુ નાના વાહનોમાં આવતો હોવાના કારણે 50થી વધુ રસ્તાઓ એવા છે કે સાબરકાંઠા અને બનાસકાંઠાની સરહદથી તે ગુજરાતમાં એન્ટ્રી લે છે. નાના વાહનોમાં દારુ આવતો હોવાના કારણે રાજસ્થાનનો દારુ ગુજરાત માટે અપુરતો છે. વિનોદ સિંધિ, નાગદાન ગઢવી અને પીન્ટુ જેવા મોટા ગજાના બુટલેગર ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે ગોવા અને હરિયાણાથી ટ્રક અને ટ્રેલર્સનો ઉપયોગ કરે છે.
મહિને 200 કરોડનું ટર્નઓવર માત્ર આ બે બુટલેગરનું
સ્ટેટ મોનિટરિંગ સેલે નાગદાન ગઢવી અને પીન્ટુને તાજેતરમાં જ પકડી લીધા છે. જેમનું ટર્નઓવર મહિને 200 કરોડનું હોવાનો અંદાજ છે. હાલમાં ગુજરાતમાં માત્ર વિનોદ સિંધીની લાઈન જ ચાલુ છે. હરિયાણાથી આવતો આ દારુ રાજસ્થાન થઈ સાબરકાંઠા કે બનાસકાંઠાની બોર્ડર થઈ ગુજરાતમાં દાખલ થવાને બદલે મધ્યપ્રદેશ જાય છે અને મધ્યપ્રદેશથી દાહોદ બોર્ડરથી દારુ ગુજરાતમાં પ્રવેશ કરે છે. ગોવાથી આવતો દારુ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી મહારાષ્ટ્રથી નવાગામ બોર્ડર થઈ ગુજરાતમાં આવે છે. જ્યારે કેટલાક બુટલેગર વાપી વલસાડ રોડ ઉપરથી પણ પોતાની ટ્રક્સ પસાર કરે છે. છેલ્લા લાંબા સમયથી કેટલાક બુટલેગરે રસ્તા માર્ગે દારુ ઘૂસાડવાને બદલે દમણના દરિયા કિનારેથી વલસાડના દરિયા કિનારે દારુ ઉતારવાની શરૂઆત કરી છે. તાજેતરમાં જ વલસાડ પોલીસે આવી એક દારુ ભરેલી બોટને ઝડપી પાડી હતી.
વહિવટદારની ભૂમિકાથી પાસપોર્ટ મળી જાય
ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લામાં પહોંચાડવામાં આવતો આ બે નંબરનો દારુ ગુજરાતમાં પ્રવેશે ત્યાર પછી નિયત સ્થળે પહોંચવા માટે અનેક જિલ્લા અને શહેરોની હદમાંથી પસાર થવું પડે છે. આ બુટલેગર વિવિધ જિલ્લા અને શહેરમાંથી પસાર થતા પહેલા સંબંધિત વહિવટદારનો સંપર્ક કરી દારુ પસાર કરવાની મંજુરી મેળવે છે. જેને પોલીસની ભાષામાં રનીંગ મંજુરી કહેવામાં આવે છે. સંબંધિત વહિવટદાર પોતાના જિલ્લાની ચેકપોસ્ટને સૂચના આપે છે કે, ફલાણા બુટલેગરની ફલાણી ટ્રકને પાસપોર્ટ ઈશ્યૂ થયો છે એટલે ચેકપોસ્ટ્સ પર તે વાહનોને રોકવામાં આવતા નથી. આમ એક વખત જિલ્લા અને શહેર પોલીસ દ્વારા પાસપોર્ટ ઈશ્યૂ થઈ જાય પછી બૂટલેગરને ખાસ તકલીફ પડતી નથી.
આ કામગીરીને પોલીસની ભાષામાં દારુનું કટિંગ કહેવાય
ટ્રક અથવા ટ્રેલરમાં આવેલો દારુ સ્થાનિક બુટલેગર પાસે પહોંચે તે પહેલા સ્થાનિક બુટલેગરને નાના વાહનો સાથે ચોક્કસ સ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવે છે. ખાસ કરી ખુલ્લા ખેતર, નિર્જન જગ્યાઓ પર ગુજરાત બહારથી આવેલી ટ્રક પહોંચે તેની પાંચ સાત મિનિટમાં સ્થાનિક બુટલેગર્સ નાના વાહનો સાથે તે સ્થળ પર પહોંચી જાય છે. જ્યાં ટ્રકમાંથી આવેલો દારુ નાના વાહનોમાં બુટલેગરની માગણી પ્રમાણે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જેને પોલીસની ભાષામાં કટિંગ કહેવામાં આવે છે. દારુ ભરેલી ટ્રક જે સ્થળે આવી હોય ત્યાં પંદરથી વીસ મિનિટમાં આખી ટ્રકનું કટિંગ થઈ જાય છે. દારુ ખાલી કરેલી ટ્રક અને દારુ ભરેલા નાના વાહનો મિનિટોમાં ત્યાંથી રવાના થઈ જાય છે.
(ખાસ નોંધ: ગુજરાતમાં ચાલતી દારૂની પ્રવૃત્તીની વ્યવસ્થા કેવી રીતે ચાલે છે તે દર્શાવવાનો પ્રયાસ છે ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ પ્રમાણિકપણે પોતાનું કામ કરે છે અને ધંધાની કમાણીથી પોતાને દુર રાખી શક્યા છે એટલે કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં એક સંજોગ છે કે અહિયા ઉલ્લેખ હોદ્દા અથવા કચેરીમાં તેઓ કાર્યરત છે પણ તેઓ ધંધામાં સામેલ જ છે તેવુ કોઈ વાચકે માની લેવુ નહીં)