અલકાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાના આરોપમાં ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતના બે અને દિલ્હી તથા નોઇડાથી બે એમ કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.
ગુજરાતમાંથી ઝડપાયેલા બે શખ્સોમાં એક શેફુલ્લાહ કુરેશી મોડાસામાં કોલેજ રોડ પર આવેલા ઘઝલી એન્ટરપ્રાઈઝ નામના ફર્નિચર શોરૂમમાં છેલ્લા 2 વર્ષથી કામ કરતો હતો. જ્યારે બીજા શખ્સ એવા અમદાવાદના ફતેહવાડીમાં રહેતા મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસને પણ પોલીસે ઝડપી લીધો હતો.
મોડાસાના આરોપી શેફુલ્લાહના ભાઈ અમીન કુરેશીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે શેફુલ્લાહ રાત્રે ઘરે આવ્યા બાદ લગભગ બે કલાક સુધી ફોન પર રહેતો હતો. અમીને કહ્યું કે તેઓ શેફુલ્લાહની ફોન પરની પ્રવૃત્તિઓથી અજાણ છે. 22 તારીખે સાંજે ફોન આવ્યો હતો કે તમારા ભાઈને પૂછપરછ માટે લઈ જઈએ છીએ.
બીજી તરફ શેફુલ્લાહ જે ફર્નિચરના શો રુમમાં નોકરી કરતો હતો તેના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તેણે જણાવ્યું કે શેફુલ્લાહ કુરેશી તેમના શોરૂમમાં છેલ્લા બે વર્ષથી કામ કરતો હતો, પણ સોશિયલ મિડિયા પરની તેની પ્રવૃત્તિ વિશે તેઓ અજાણ છે. તેમણે કહ્યું કે શેફુલ્લાહ શાંત સ્વભાવનો હતો અને ક્યારેય તેની કોઈ ફરિયાદ આવી નથી.
ઉલ્લેખનીય છે કે ATS દ્વારા શેફુલ્લાહ કુરેશી અને મોહમ્મદ ફરદીને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.








