નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ બોટાદ લઠ્ઠાકાંડ બાદ પોલીસ એકશનમાં આવી છે. સમગ્ર કેસમાં ભીનું ન સંકેલાઈ જાય તે માટે આ કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને અગાઉ ગુજરાતની સૌથી મોટી જુગાર રેડ કરનાર પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલને સોંપવામાં આવી છે. જો કે આ બંને અધિકારીની છાપથી ભલભલા ગુનેગારોના પગ ધ્રુજવા લાગે છે. ત્યારે બોડાદ લઠ્ઠાકાંડની તપાસ શરૂ થતાં જ AMOS કંપનીના સંચાલકોને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું હતું.
બોડાદ લઠ્ઠાકાંડની તપાસ કડક અધિકારીઓને સોંપવામાં આવતા એમોસ એન્ટરપ્રાઈઝના ચેરમેન અને મેનેજિગ ડીરેકટર સમીર પટેલને સમન્સ પાઠવ્યો હતો પણ તેઓ હાજર થયા નહતા. ત્યારે આજે બોટાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સમીર પટેલની ઓફિસ અને ઘરે પોલીસની 10 ટીમ ત્રાટકી છે. જો કે સમીર પટેલ ઘરેથી મળી આવ્યો ન હતો. AMOS કંપનીના માલિક સહિત 4 ડિરેક્ટરને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
અત્રે ઉલેખનીય છે, બોટાદ લઠ્ઠાકાંડ બાદ તપાસનો રેલો AMOS કંપની તરફ જતાં રાજકીય વગ ધરાવતા સમીર પટેલ છટકી જવાની સંભાવના લોક મુખે ચર્ચાઈ રહી હતી. ત્યારે હાલ સમીર પટેલ ભુગર્ભમાં ઉતરી ગયો છે. જો કે પોલીસના સમન્સ બાદ સમીર પટેલને બરવાળા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે અને તેનું નિવેદન સુપરવિઝન અધિકારી નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધવામાં આવશે. જોકે એક સમન્સ પછી પણ જો હાજર ન થાય તો પોલીસ દ્વારા 3 સમન્સ પાઠવામાં આવે છે. ત્યાર બાદ કોર્ટ નોટિસ પાઠવે છે. ત્યારે હવે જોવાનું રહ્યું સમીર પટેલા પોલીસ સમક્ષ હાજર થશે કે નહીં?