પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ભાવનગર): સામાન્ય રીતે પોલીસને જાણ કરો અને પોલીસ ઘટના સ્થળે કલાકો પછી પહોંચે તેવુ આપણે અનેક વખત જોયું અને સાંભળ્યું છે, પણ તેના કરતા વિપરીત ઘટના ગુજરાતના ભાવનગરના અલંગમાં બની હતી, તા 12મી ફેબ્રુઆરીની રાતે દોઢ વાગે અલંગ પોલીસની પેટ્રોલીંગ પાર્ટી નીકળી ત્યારે તેમણે એક કાર પાર્ક થયેલી જોઈ, અને શંકાના આધારે પાર્ક કાર પાસે જઈ તપાસ કરી જોયુ તો એક કિશોરી અને ત્રણ માણસો હતા, પોલીસે પ્રાથમિક પુછપરછ કરી તો પોલીસ ચોંકી ગઈ કારણ કિશોરીએ પોલીસને કહ્યું કારમાં તેની સાથે આ ત્રણ માણસોએ ખરાબ કૃત્ય કર્યું છે, આમ સામુહિક દુષ્કર્મની જાણકારી મળતા તરત પીએસઆર દ્વારા આ બાબતની જાણકારી સિનિયર પોલીસ અધિકારીઓને આપતા ભાવનગર પોલીસ હરકતમાં આવી હતી. એટલું જ નહીં ભાવનગર પોલીસે તમામ કાર્યવાહી પુર્ણ કરી બનાવના ચોવીસ કલાકમાં જ કોર્ટમાં ત્રણે આરોપીઓ સામે ચાર્જશીટ કરી દીધું આ ઝડપે પોલીસે ચાર્જશીટ કર્યું હોવાની આ પ્રથમ ઘટના છે.
તા 12મીના રોજ અલંગની પોલીસ પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમણે રસ્તાની બાજુમાં એક, કાર પાર્ક થયેલી જોઈ રાતના દોઢ વાગ્યો હતો પોલીસે કાર પાસે જઈ તપાસ કરી તેમાં એક પંદર વર્ષની કિશોરી અને ત્રણ માણસો હતા, પોલીસને જોતા પેલા ત્રણ માણસોના ચહેરા ઉપર ભયના ચિન્હો દોડી આવ્યા, પોલીસના પ્રશ્નના તેઓ યોગ્ય ઉત્તર આપી રહ્યા નહોતી, આથી પોલીસે કારમાં રહેલી કિશોરીને પૂછતાં તેણે ડરતા ડરતા કહ્યુ મારી સાથે આ લોકોએ ખરાબ કામ કર્યુ છે, આ સાંભળતા જ પોલીસ પાર્ટી ચૌંકી ગઈ તરત કારને કોર્ડન કરી અલંગ પોલીસ સ્ટેશન લાવવામાં આવી, અલંગ પોલીસે આ મામલે ભાવનગર કંટ્રોલ રૂમને જાણકારી આપતા તરત મામલો રેંજઆઈજીપી અશોક યાદવ અને ડીએસપી જયપાલસિંહ રાઠોડ સુધી પહોંચ્યો ઘટના સામુહિક દુષ્કર્મની હતી, એટલે આ મામલે કોઈ સિનિયર અધિકારી તપાસમાં જોડાય તે જરૂરી હતું.
ભાવનગરના એએસપી શફીન હસનને આદેશ મળ્યો કે તપાસને લીડ કરો તરત તપાસ શરૂ થઈ સૌથી પહેલા કિશોરીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે તે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે, પરંતુ આશ્ચર્ય તે બાબતનું હતું આ કિશોરી ગુમ થઈ છે તેવી કોઈ જાણકારી ભાવનગર પોલીસ પાસે નહોતી, આથી પોલીસ પાર્ટી કિશોરીના ઘરે ગઈ તો તેના પરિવારે જવાબ આપ્યો કે માસીના ઘરે ગઈ છે, આમ અત્યંત ગરીબ પરિવારને જાણ નહોતી કે તેમના દિકરી સાથે શુ બન્યુ છે, કિશોરીએ જણાવ્યુ કે આ લોકોએ તેને પૈસા અને નાસ્તો આપીશુ તેમ કહી કારમાં બેસાડી હતી અને ત્યાર બાદ ચાલુ કારમાં જ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું, મહિલા પોલીસ સાથે તરત કિશોરીને સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી તો રીપોર્ટ આવ્યો કે તેની સાથે એક કરતા વધુ લોકોએ દુષ્કર્મ કર્યું.
અલંગ પોલીસે પકડેલા આરોપી મનસુખ સોલંકી, અને સંજય મકવાણાની પૂછપરછ કરતા તેમણે જાણકારી આપી કે મુળ બિહારના વતની અને હાલમાં ભાવનગરના ગેરેજમાં કામ કરતા મુસ્તુફા શેખે વાત કરી હતી જો કોઈ છોકરી તો લાવી આપી તે છોકરી સાથે મળી તમને કુલ ત્રણ હજાર રૂપિયા આપીશ, આથી આ બંને આરોપીઓ ત્રણ હજાર મળશે તેવી લાલચમાં આ ગરીબ કિશોરીને નાસ્તો અને પૈસા આપીશુ તેમ કહી તેને કારમાં બેસાડી હતી, પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી તેમને પણ મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા, ફોરેનસીક ટીમને પણ બોલાવી કારમાંથી પુરાવા એકત્ર કર્યા, આરોપીઓ સામે પુરાવા માટે તરત મોબાઈલ કંપનીનો સંપર્ક કરી તેમનો કોલ ડીટેલ રેકોર્ડ પણ મેળવી લેવામાં આવ્યો આમ કલાકોમાં પોલીસ મોટાભાગની કામગીરી પુર્ણ કરી હતી.
સમસ્યા ત્યાં હતી કે શનિ-રવિવારની રજા હતી આમ ઘણી સરકારી કચેરીઓ બંધ હતી તો પણ પોલીસે કોઈ કચાશ છોડી નહીં, આ મામલે કિશોરીનું નિવેદન અગત્યનું હતું આથી પોલીસે એક સામાજિક કાર્યકર અને મનોચિકિત્સકની હાજરીમાં તેનું નિવેદન નોંધ્યુ., આ નિવેદન ઉપર કિશોરી કોર્ટમાં ટકી રહે તે જરૂરી હતું આથી સીઆરપીસી 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાય તે પણ જરૂરી હતું, એએસપી શફીન હસીને કોર્ટને વિનંતી કરતા ખાસ મહિલા મેજીસ્ટ્રેટ રજા હોવા છતાં કોર્ટમાં આવ્યા તેમની સામે કિશોરીએ આખો ઘટનાક્રમ નોંધાવ્યો હતો, અલંગ પોલીસે આરોપીઓને પકડી કિશોરીને રેસ્ક્યુ કરી તેના 24 કલાકમાં જ ભાવનગર પોલીસે તમામ પુરાવા -રિપોર્ટ-નિવેદન સાથે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દીધું હતું આમ ચોવીસ કલાકમાં પોલીસે ચાર્જશીટ કર્યું હોય તેવી પ્રથમ ઘટના છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












