Wednesday, December 17, 2025
HomeGeneralબૅન્ક એકાઉન્ટ ભાડે આપો છો? ચેતી જજો! અરવલ્લીમાં 40 ખાતાથી ₹9.50 લાખનું...

બૅન્ક એકાઉન્ટ ભાડે આપો છો? ચેતી જજો! અરવલ્લીમાં 40 ખાતાથી ₹9.50 લાખનું સાયબર ફ્રોડ ઝડપાયું

- Advertisement -

જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) : અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં નજીવા કમિશનની લાલચમાં યુવાનોએ પોતાના અને અન્ય ગરીબ લોકોના બેંક ખાતા સાયબર માફિયાઓને ‘ભાડે’ આપ્યા હતા. આ ‘મ્યુલ એકાઉન્ટ’નો ઉપયોગ કરીને આંતર-રાજ્ય સાયબર ફ્રોડ ગેંગે ₹9.50 લાખથી વધુની રકમની ગેરકાયદેસર હેરાફેરી કરી હતી. પોલીસે આ મામલે ચાર સ્થાનિક યુવકોની ધરપકડ કરી છે. DYSP નવીન આહિરના નેતૃત્વમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા. તપાસમાં સામે આવ્યું કે, ઝડપાયેલા ચાર આરોપીઓ તેમના પરિચિતોને ₹2,000 થી ₹40,000 સુધીની રકમની લાલચ આપીને તેમના સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. યુવાનો શોર્ટકટથી પૈસા કમાવવાના મોહમાં આવીને પોતાના બેંક એકાઉન્ટની કીટ (ચેકબુક, પાસબુક, એટીએમ) સાયબર માફિયાઓને આપી દેતા હતા.

આ કૌભાંડમાં માત્ર કમિશન જ નહીં, પરંતુ કેટલાક ખાતાઓમાં તો ખાતાધારકની જાણ બહાર મોબાઈલ નંબર પણ બદલી નાખવામાં આવ્યા હતા, જેથી ફ્રોડની રકમની હેરફેરનો OTP પણ ગુનેગારોને મળી જાય. સાયબર માફિયાઓ છેતરપિંડી દ્વારા મેળવેલી રકમને ઝડપથી ક્રિપ્ટોકરન્સી (USDt) માં કન્વર્ટ કરીને વિદેશ ભેગી કરી દેતા હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસે 40થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને આચરવામાં આવેલા આ ફ્રોડની તપાસ દરમિયાન સચિન ધીરજ બામણા (રાંજેડી-મેઘરજ), જયદીપ મહેશ વાઘેલા (મોડાસા), ખીલવ મહેશ રાઠોડ (મોડાસા) અને વિશાલ રણજીત રાવળ (સાયરા-મોડાસા)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, આ કેસમાં જીતેન્દ્રસિંહ તનવર અને હાલ ગોવા રહેતા જયદીપ રાઠોડ (મૂળ શિહોર, ભાવનગર) નામના અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે.

- Advertisement -

DYSP નવીન આહિરે જણાવ્યું હતું કે, “સાયબર ક્રાઈમ પોલીસે આ કાર્યવાહી કરીને સાયબર ગુનાઓ માટે ઉપયોગમાં લેવાતું એક મોટું માધ્યમ તોડ્યું છે. થોડા કમિશનની લાલચમાં આવીને પરિચિત કે અજાણ્યા વ્યક્તિને પોતાનું બેંક ખાતું ક્યારેય ભાડે આપવું નહીં, નહીં તો ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક પણ કાયદાના ગંભીર ચુંગાલમાં ફસાઈ શકે છે.” સાયબર ક્રાઈમ ટીમ હવે અમદાવાદ અને ભાવનગરના મુખ્ય બે સાયબર ગઠિયાઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે સઘન તપાસ કરી રહી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular