નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાંઠીવાઙા ગામે હિન્દુ ધર્મનો હોળીનો પવિત્ર તહેવાર બાંઠીવાઙાના આજુબાજુના બાર મુવાઙાના હજારો લોકોની જનમેદની ભેગી મળી હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના દિવસે સવારે અગિયાર વાગે અનોખી રીતે પ્રાચીન પરંપરાઓ મુજબ સોમવારના રોજ હોળી પ્રગટાવવામાં આવતા હોળી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. બાંઠીવાડા વિસ્તારમાં દિવાળી કરતા પણ હોળી સૌથી મોટો તહેવાર ગણાય છે, હોળી ઉજવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે.

મેઘરજ તાલુકાના બાંઠીવાઙા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હોળીનો તહેવાર ધુળીટીના દિવસે ઉજવવામાં આવે છે. આ ગામમાં આજુબાજુ આવેલ બાર મુવાઙાના લોકો એક વિશાળ ખેતરમાં હોળીના ઢોલ સાથે દાંડિયા રમવા માટે રંગબેરંગી લાકઙીઓ સાથે એકત્ર થયા હતા અને એકત્ર થયેલા આ લોકોએ મુવાઙા વાર અલગ અલગ જુથ બનાવી હોળીના ઢોલના તાલે દાંડિયાની રમઝટ જમાવી હતી. જેમાં યુવતીઓ અને મહિલાઓ દ્વારા વગાડવામાં આવતા ઢોલ અને રમવામાં આવતો રાસ સૌ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું અને દસ હજારથી પણ વધુ લોકોની ઉપસ્થિતિમાં સંયુક્ત હોળી પ્રગટાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા અને નાળીયેર હોમવા લોકો મોટી સંખ્યામાં લાઈનમાં જોઙાયા હતા. હજારોની સંખ્યામાં હોળીમાં નાળીયેર હોમાયા હતા. આ નાળીયેર હોમાવવાના દ્રશ્ય જોઈ સૌ લોકો આશ્ચર્ય ચકિત થયા હતા. આ સંયુક્ત હોળીના તહેવારને લઈને યુવાનો, વૃધ્ધો અને મહિલાઓ સહિત સૌ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને આ રીતે બાર મુવાઙાની સંયુક્ત હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હોળીના સ્તંભ નીચે મુકેલા માટીના લાડુ અને કુંભમાં રહેલા ભેજને પગલે વર્ષનો વર્તારો નક્કી કરે છે
હોલિકા દહનના દર્શન પછી બારે મુવાડાના લોકો પોત પોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે. ત્યારબાદ આજ દિવસે સાંજે જે સ્થળે હોલિકા દહન થયું હતું તે જગાએ સમગ્ર ગામ પાણીનો લોટો લઇ હોળીને ટાઢી પાડે છે.તથા હોળીના સ્તંભની નીચે મુકેલ માટીના લાડુ તથા કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે. તેના ઉપરથી વરતારો એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે .આમ આ વિસ્તારના બક્ષીપંચ સમાજના લોકોએ જુના વેર જેર ભૂલી જઈ એકમેક થઇ હોળી ઉત્સવ ઉજવી વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાખી છે. સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરાગત શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે.
![]() |
![]() |
![]() |











