કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પત્રકાર અને લેખક તરીકે જાણીતા અરૂણ શૌરીને (Arun Shourie) આટલી જ ઓળખથી સમેટીએ તો તેમનું પૂરું વ્યક્તિત્વ ન આલેખી શકાય. અરુણ શૌરી તદ્ઉપરાંત ‘વર્લ્ડ બેન્ક’ના અર્થશાસ્ત્રી રહ્યા છે અને દેશના આયોજન પંચના સલાહકારની ભૂમિકા પણ રહ્યા. ‘એનડીએ’ની સરકાર હતી, ત્યારે તેઓ કેન્દ્રિય મંત્રી પણ રહ્યા. વાજપેયીની મિનિસ્ટ્રીમાં તેમનો ઠીકઠાક ગજ વાગતો હતો. અરૂણ શૌરીની ઓળખમાં તેમને મળેલા સન્માન ‘રોમન મેગ્સેસે એવોર્ડ’ અને ‘પદ્મભુષણ’ પણ મૂકી શકાય. લાંબી કારકિર્દી દરમિયાન તેમનું જીવન ઘટનાપ્રચૂર રહ્યું છે અને તેઓ દેશના છેલ્લા પાંચ દાયકાના ઇતિહાસને સારી રીતે જાણે-સમજે છે. આ ઇતિહાસમાંથી કેટલાંક પાનાંને તેઓએ શબ્દબદ્ધ કર્યો છે અને હાલમાં તેમનું તે પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકનું નામ છે: ‘ધ કમિશનર ફોર લોસ્ટ કોસિઝ’. રાજકીય જગતમાં આ પુસ્તકની સારી એવી ચર્ચા થઈ રહી છે; કારણ કે વર્તમાન સરકાર, આરએસએસ અને નરેન્દ્ર મોદી વિશે તેઓએ કેટલીક આકરી વાતો કહી છે. આ સિવાય પણ દેશની અગત્યની ઘટનાઓનું નિરૂપણ આ દળદાર પુસ્તકમાં લેખકે કર્યું છે. અરૂણ શૌરીએ જે વાતો પુસ્તકમાં અને પુસ્તક સંદર્ભે હાલમાં મીડિયામાં કરી છે, તેમાંથી કેટલીક ધ્યાને લેવા જેવી છે.

આ પુસ્તક સંદર્ભે અરૂણ શૌરીની વિસ્તૃત મુલાકાત ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા લેવામાં આવી છે અને તેમાં એક પ્રશ્ન છે કે, ‘તમે રાહુલ ગાંધીને અને કૉંગ્રેસને કેવી રીતે જુઓ છો ? ત્યાં કશુંક ગરબડ છે કે, પછી ભાજપે સફળતાથી તેમની છબિ ખરડી છે?’ જવાબમાં શૌરી કહે છે: “હું રાહુલ ગાંધીને ઓળખતો નથી, પરંતુ તે વર્તમાન સરકાર સામે હવે સાચાં મુદ્દા ઉપાડી રહ્યા છે. તે જ્યારે જાહેર જીવનમાં આવ્યા હતા ત્યારે તેમની પાસેથી આ અપેક્ષા રાખી ન હતી. તેમણે પોતાની જાતને સોશિયલ મીડિયા સુધી સિમિત રાખી છે અને તેમની પાસે લોકોનો સમૂહ નથી, પરંતુ તેઓ અત્યારે સ્થાનિક આગેવાનો કરતાં પણ સારી રીતે મુદ્દાઓને અવાજ આપે છે. મારા ખ્યાલથી તેઓએ પક્ષના પ્રવક્તા હોવાં જોઈએ ન કે જેઓ પક્ષને ચલાવે છે તે.” તે પછી આગળ તેઓ કહે છે: “મોદી ચોવીસ કલાક સાતે દિવસના નેતા છે. તેઓએ હંમેશા સંગઠન માટે સમય ફાળવ્યો છે અને પક્ષના કાર્યકરોને સાંભળ્યા છે. કૉંગ્રેસી કાર્યકર્તાઓની દરેક વખતે એ ફરિયાદ હોય છે કે આગેવાનો તેમને સમય આપતા નથી. કૉંગ્રેસનો પ્રશ્ન તેમની વિચારધારા કે જી-23નું ગ્રૂપ નથી. એ વાસ્તવિકતા છે કે, તેમની કેડર આજે ખલાસ થઈ ચૂકી છે. એટલે જ મોદી હવે ‘આમ આદમી પાર્ટી’ સિવાય અન્ય કોઈની પરવા કરતા નથી. કારણ કે, તેમની પાસે સ્વયંભૂ રીતે કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. મને યાદ છે, હું 2013માં અમદાવાદમાં હતો ત્યારે કેજરીવાલને કોઈ ઓળખતા ન હતા. એ વખતે પણ મોદી કેજરીવાલ પર ધ્યાન રાખી રહ્યા હતા. તેમણે જ આઈટીના નિષ્ણાત રાજેશ જૈનને ‘આપ’ની કેમ્પેઇન મેથડના અભ્યાસ અર્થે દિલ્હી બોલાવ્યા હતા. મોદીને એ માલૂમ થઈ ચૂક્યું હતું કે આપની ડોર ટુ ડોર પદ્ધતિનો પૂરતો અભ્યાસ થવો જોઈએ. મને લાગે છે ત્યાં સુધી ‘આપ’ હિમાચલ પ્રદેશમાં પણ સરકાર બનાવવા જઈ રહ્યું છે. હરિયાણામાં પણ તેમની સ્થિતિ બહેતર હશે અને જો ગુજરાતમાં આપ 15 બેઠકો પણ મેળતે તો તેમના માટે તે જીત હશે.”

શૌરીના આટલાં શબ્દોમાં દેશનાં મુખ્ય પક્ષોનું એનાલિસિસ છે. ભાજપ કેમ સારી રીતે ચૂંટણીમાં દેખાવ કરે છે, તેનું કારણ તેમણે મોદીની પદ્ધતિમાં દાખવ્યું છે. આ પછી તેમને એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે કે ‘તેમને ભાજપમાં જોડાવવાનો ક્યારેય અફસોસ થયો છે? ભાજપમાં આજે જે થઈ રહ્યું છે તે તેના નિર્માણકાળ દરમિયાન ન હતું?’ આ વિશે અરૂણ શૌરી કહે છે: “વાજપેયી હતા ત્યાં સુધી તો નહીં. આને મારી દૃષ્ટિહિનતા કહી શકાય પરંતુ મારું ધ્યાન તેમના પર કેન્દ્રિત રાખતો અને સાથે મારા કામ પ્રત્યે. વિવાદાસ્પદ મુદ્દા સાથે ઉકેલ લાવવાની તેમની પોતાની એક શૈલી હતી. મને યાદ છે અમે કુઆલુમ્પરમાં ‘નોન એલાયમેન્ટ સમિટ’ અર્થે ગયા હતા. હું ત્યારે તેમના મંત્રાલયમાં હતો. એ વખતે તેમને શ્રીલંકના આગેવાનોને મળવાનું હતું. તે દરમિયાન પ્રેસ કોન્ફરન્સ થઈ અને કોઈએ તેમને અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા થઈ રહેલી શિવપૂજા વિશે પ્રશ્ન કર્યો. ત્યારે અટલજીએ સહજતાથી કહ્યું: ‘અયોધ્યાવાલોં સે હમ દિલ્લી જાકર મિલેંગે. અભી હમ લંકાવાલોં સે મિલને જા રહે હૈ.’ એ રહી ખૂબ સહજતાથી પૂરા મુદ્દાને હળવાશથી લીધો.

‘તમે હાલના માહોલને કેવી રીતે જુઓ છો અને તમને એવું લાગે છે કે, બે જુદી-જુદી વિચારધારા ધરાવનારાં લોકો વચ્ચે સંવાદ થઈ શકે છે?’ આ પ્રશ્નનો જવાબ શૌરી આપે છે: “આ પૂરી પદ્ધતિ ટોચના લોકોએ વિકસાવી છે કે જો તમે મારા પગને તળીયે નથી તો તમે મારા દુશ્મન છો. આ બધું સોશિયલ મીડિયાનું તરકટ છે જેનું સંચાલન ટોચથી થાય છે. આ જ હાલના ધ્રુવીકરણ તરફ લઈ જાય છે. કેમ મિત્રતા નથી જાળવી શકાતી. કેમ તમારી મિત્રતાને ગુમાવો છો? એકબીજા સમક્ષ જુદા વિચાર અભિવ્યક્ત કરીશું તો કશુંય બદલાવાનું નથી. તો તે કેમ આપણાં જીવનમાં આટલું અગત્યનું બની ગયું છે. સરકારની ડિઝાઈન મુજબ જ્યારે આપણે વર્તીએ છીએ ત્યારે તે આપણી હાર છે. બીજું સૌથી અગત્યનું કે કોઈને લેબલ ન લગાવવું. હું એવું કશુંય તપાસવા માગતો નથી. સમાજમાં આ તપાસ હવે તે સર્વવ્યાપી થઈ ગઈ છે કે હું મોદી વિરોધી છું કે તેમના પક્ષમાં.”

તે પછી પણ વર્તમાન સમયને લઈને પ્રશ્ન હતો જેમાં શૌરીને પૂછાય છે કે ‘શું તમને એવું લાગે છે કે બહુમતિની અસુરક્ષિતા વિશે વાત નથી થતી તે માટે મીડિયા દોષી છે? અને તે જ મુખ્ય કારણ છે કે, ભાજપ તે માટે સારી દેખાવ કરે છે?’ ઉત્તર: “હા. કોઈ પણ મુખ્યધારાના મીડિયા કે શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આરએસએસનું પાયાનું સાહિત્ય જોયું નથી. આપણાની અવગણના કારણે જ આજનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આજે જે કંઈ થઈ રહ્યું છે તેને જોઈને આપણને નવાઈ લાગે છે પણ તેઓ હંમેશાથી એ કહેતા આવ્યા છે કે, ‘હમ જો કહેતે હૈ વોહી કરતે હૈ.”

“બીજી વાત એ કે તેઓએ લોકોને એકઠા કર્યા તે વાતને આપણે જરાસરખું પણ મહત્ત્વ ન આપ્યું. આપણે એક નાના વર્તુળમાં વાત કરતા રહ્યા અને આરએસએસ 1940થી સાધુના જૂથને પણ એકઠાં કરવામાં લાગેલું રહ્યું. તેઓ સમાજમાં અસરકર્તા પરીબળ બન્યા પણ આપણે ક્યારેય તેમના સુધી ન પહોંચ્યા. અને તેથી હાલની સ્થિતિ નિર્માણ પામી છે.”

અરૂણ શૌરી પાસે અનેક રસપ્રદ વાતો છે, જેમાં તેઓ પાત્ર રહ્યા કાં તો તે ઘટના ખૂબ નજીકથી જોઈ હોય. પત્રકારત્વ અને રાજકારણના તેમના અનુભવોને તેમણે જીવનની અનેક ઘટનાઓને મૂકી આપી છે. તેમાંની એક છે અશ્વિન સારી નામના યુવાન રિપોર્ટરની. અશ્વિન સારી અરૂણ શૌરીની દિલ્હીની ટીમમાં રિપોર્ટર તરીકે કામ કરતો. જેમ કે તિહાર જેલમાં સ્થિતિ બદતર છે તેઓ તેને ખ્યાલ આવ્યો ત્યારે તે પોતે દારૂના નશામાં પકડાયો અને તિહાર જેલમાં પહોંચ્યો. તે જ્યારે જેલમાં હતો ત્યારે તેણે જેલની સ્થિતિ અને અન્ય માહિતી મેળવી. આ દરમિયાન તેણે જોયું કે જેલમાં આસાનીથી ડ્રગ્સ લાવવામાં આવે છે. આ વિશે તેણે રિપોર્ટીંગ સ્ટોરી કરી અને વાચકોને તે સ્ટોરીને ખૂબ બિરદાવી. આવી અનેક સ્ટોરીની સાથે તેઓ સંકળાયેલા રહ્યા. જોકે અરૂણ શૌરીના આ અનુભવ ગોદી મીડિયાના જન્મ પહેલાંના છે, જ્યારે ખરું પત્રકારત્વ થતું અને વાચકો તેને આવકરતા ખરાં.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796