નવજીવન ન્યૂઝ, અમદાવાદ : હોળી-ધૂળેટીના તહેવારોમાં અમદાવાદ શહેરમાં લૂંટના ઈરાદે થયેલી વૃદ્ધાની હત્યાના મામલામાં શહેર પોલીસને સફળતા મળી છે. લૂંટ વીથ મર્ડરના કેસનો એક જ સપ્તાહમાં સરદારનગર પોલીસે ભેદ ઉકેલી નાંખી એક સ્થાનિક અને અન્ય એક ઉત્તરપ્રદેશના રિઢા ગુનેગાર એમ કુલ 2 શખસોને ઝડપી પાડ્યા છે. Sardarnagar Police Team એ લૂંટી લેવાયેલા દાગીના અને રોકડમાંથી પોલીસે કાનની વાળી અને 4,522 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
3-4 માર્ચની રાતે વૃદ્ધાની થઈ હત્યા
વકીલાતનો વ્યવસાય કરતા હિતેન્દ્રભાઈ બજરંગેના 65 વર્ષીય માતા ભારતીબહેન કુબેરનગર બી વૉર્ડમાં એકલા રહેતા હતા. ગત બુધવારની વહેલી પરોઢ પહેલાં ચારેક વાગે ભારતીબહેન જમીન પર સૂતા છે અને દરવાજો ખખડાવ્યા છતાં ખોલતા નથી તેવો પાડોશીએ હિતેન્દ્રભાઈને ફોન કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘરનો બંધ દરવાજો બળપૂર્વક ખોલીને હિતેન્દ્રભાઈ અંદર પહોંચ્યા ત્યારે તેમની માતાની હત્યા થઈ હોવાનું તેમજ તેમના દાગીના અને ઘરમાં રહેલી લાખેક રૂપિયાની રોકડ લૂંટાઈ હોવાની જાણકારી મળી હતી. આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે રોબરી વીથ મર્ડરનો ગુનો નોંધી મહિલા પીઆઈ એન.બી.કલસરીયા (PI N B Kalsariya) એ તપાસ આરંભી હતી.
પોલીસે 2 હત્યારાઓની ધરપકડ કરી
Robbery with Murder Case માં મહિલા પીઆઈ કલસરીયા સહિતના સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલવા જહેમત આરંભી હતી. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ શંકાસ્પદ મોબાઈલ નંબરોની તપાસ બાદ પોલીસને કેટલીક ઠોસ માહિતી મળી હતી. જેના આધારે સલમાન અલ્વીસૈયદ ઉર્ફે લલ્લા (ઉ.26 હાલ રહે. રાજસ્થાન અને મૂળ વતન ઉત્તરપ્રદેશ) અને સોનુસીંગ સિકરવાર (ઉ.20 રહે. કુબેરનગર, છારાનગર મૂળ વતન ઉત્તરપ્રદેશ) ને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ પૈકી પીળા ધાતુની કાનની વાળી અને 4522 રૂપિયા રોકડા કબજે લીધા છે.








