પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત બહારના ઠગો ગુજરાત આવી ખાસ કરી કાપડના વેપારીઓને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાનો માલ ખરીદ્યા પછી ફરાર થઈ જતા હોવાની ફરિયાદો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી હતી. ઘણા કિસ્સામાં તો આ ઠગોનો શિકાર થનાર વેપારીને જીવન ટુંકાવી દેવાની નોબત આવે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ગૃહમંત્રીના આદેશના પગલે અમદાવાદ પોલીસે એક એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં ચાલુ સપ્તાહે અમદાવાદ પોલીસની સાત ટીમના 70 જેટલા જવાનો અને અધિકારીઓ સાગમટે દેશના સાત રાજ્યોમાં દરોડા પાડી આ ઠગોને ઝડપવાની કવાયત હાથ ધરશે.
અમદાવાદ કાપડ મહાજન દ્વારા પોલીસ કમિશનર તેમજ ગૃહરાજ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત બહારના ઠગો કાપડના વેપારીના સ્વાંગમાં અમદાવાદ કાપડ મહાજનમાં આવે છે અને પ્રારંભીક તબક્કે રોકડમાં વ્યવહાર કરી વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરે છે. જે પછી ચેક આપી ઉધારીમાં માલ લઈ જાય છે જ્યારે ચેક ભરવામાં આવે ત્યારે બેલેન્સના અભાવે ચેક રિટર્ન થઈ જાય છે. માત્ર અમદાવાદના જ આવા 508 નાના મોટા વેપારીઓ આ સંદર્ભની અરજી પોલીસમાં કરી ચુક્યા છે.
અમદાવાદ સેક્ટર ટૂના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર દ્વારા આ પ્રકારના ભોગ બનેલા વેપારીઓની અરજીની તપાસ યોગ્ય દિશામાં થાય અને વેપારીઓના ડૂબેલા નાણા પાછા મળે તે માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવવામાં આવી છે. ગૃહમંત્રી સાથે થયેલી ચર્ચામાં આ 508 વેપારીઓના ડૂબેલા નાણા પરત મળે અને તેમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ થાય તે માટે કુલ દસ ટીમ બનાવવામાં આવી છે. દરેક ટીમનું વડપણ એક પોલીસ સબ ઈન્સપેક્ટર કરશે અને દરેક ટીમમાં દસ પોલીસ જવાનો રહેશે.
તા. 5મી મેના રોજ આ દસેય ટીમ દેશના રાજસ્થાન, કલકત્તા, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને હરિયાણા રવાના થશે. જે 508 અરજીઓ પોલીસને મળી છે તેમાં દર્શાવેલા આરોપીઓને સ્થાનીક પોલીસની મદદથી શોધી કાઢવામાં આવશે. જો આ ઠગો પર અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તો તેમને પાસા હેઠળ અટકાયત કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. જો માત્ર ગુનાહિત કૃત્ય દ્વારા આ ઠગોએ પોતાની સંપત્તિનું નિર્માણ કર્યું હશે તો આ કેસની વિગતો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને પણ મોકલવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











