નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા બે વર્ષ દરમિયાન મહામારી અને લોકડાઉનના કારણે ઘણા બધા લોકોએ પોતાના ધંધા રોજગાર ગુમાવ્યા છે. આવા સમયે પણ કેટલાક લેભાગુ લોકોએ છેતરપિંડી કરવાનું ન છોડ્યું અને કેટલાક લોકોના ધંધા રોજગાર છીનવી લીધા હતા. આવો જ એક કિસ્સો અમદાવાદમા સામે આવ્યો છે. વર્ષોથી શાકભાજીનો ધંધો ધરાવતા એક પરિવાર સાથે એક કંપનીએ ભાગીદારીના નામે ધંધો પચાવી પાડ્યો હતો. આ અંગે અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ ફરિયાદી પિનલ પ્રજાપતિના પતિ અને સસરા વર્ષોથી શાકભાજીનો ધંધો ચલાવતા હતા. ધંધો સારો ચાલતા તેમણે અને તેમના પતિએ ધંધાને આગળ વધારવા એક હોલસેલ માર્કેટમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું, જેના માટે બાકરોલ નજીક તેમણે એક ગોડાઉન રાખ્યું હતું અને માલની હેરફેર માટે 7 જેટલી બોલેરો ગાડી બેન્ક અપસેથી લોન લઈને ખરીદી કરી હતી. ફરિયાદીના પતિના એક મિત્રએ પોતે જે કંપનીમાં નોકરી કરે છે તે કંપની સાથે ભાગીદારી કરીને ધંધાને મોટું કરવા માટે ફરિયાદી અને તેમના પતિને વિશ્વાસમાં લીધા હતા.
ત્યાર બાદ ફરિયાદીના પતિ ઝેન ગ્રૂપની કંપનીના માલિક રશ્મિન મજીઠિયા સાથે મુલાકાત કરી હતી. રશ્મિન મજીઠિયાએ ફરિયાદીના પતિને દર મહિને 2 લાખ રૂપિયા ઉપરાંત ઘરખર્ચ આપવાની ઓફર આપીન હતી, ત્યાર બાદ તેમના બેન્ક એકાઉન્ટમાં 75 લાખ રૂપિયા ટોકન રૂપે જમા પણ કરાવ્યા હતા. જેના કારણે ફરિયાદી અને તેમના પતિને આ ઝેન ગ્રૂપના માલિક રશ્મિન મજીઠિયા ઉપર વિશ્વાસ આવી ગયો હતો. ત્યાર બાદ ધીમે ધીમે ઝેન ગ્રૂપ દ્વારા ફરિયાદીની કંપનીને ટેકઓવર કરી લેવામાં આવી અને જે ચુકવણી કરવાની થતી હતી તે કરી ન હતી.
જ્યારે ફરિયાદી અને તેમના પતિ રશ્મિન પાસે ચૂકવવાની બાકી રકમ માગતા હતા ત્યારે તે સમય માગીને વાત ટાળી ડેટા હતા. ત્યાર બાદ પહેલું લોકડાઉન આવ્યું અને તેમાં ફરિયાદીના પતિએ રોકડ ખરીદી કરવામાં ઝેન ગ્રૂપને મદદ કરી હતી. પરંતુ જયારે ફરિયાદી અને તેમના પતિને ખબર પડી કે તેમના સાથે છેતરપિંડી થઈ રહી છે ત્યારે તેમણે ઝેન ગ્રૂપ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું તેમ છતાં તેમની કંપનીના બેક એકાઉન્ટમાં ઝેન ગ્રૂપના ઘણા ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે, જેના કારણે તેમણે ઝેન ગ્રૂપના માલિક રશ્મિન મજીઠિયા અને તેમની કંપનીના અન્ય બે કર્મચારીઓ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
![]() |
![]() |
![]() |











