નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં રૂપિયા 10,000 કરોડના ખર્ચે મેટ્રો રેલનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જો કે મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોરને ઓગસ્ટ 2022માં શરૂ કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ મેટ્રોના કોઈ પણ સ્ટેશન પાસે પાર્કિંગની કોઈ સુવિધા જ તૈયાર કરવામાં આવી નથી.
અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. મેટ્રો રેલનો ફેસ વન ઓગસ્ટ 2022માં શરૂ કરવા માટે પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. હાલ મેટ્રોનો ટ્રાયલ રન પણ ચાલી રહ્યો છે. પરંતુ મેટ્રોના સ્ટેશન પાસે પાર્કિંગની કોઈ સુવિધા જ ન હોવાનું સામે સાવ્યું છે. ત્યારે અહી સવાલ એ થાય કે શું મેટ્રોમાં મુસાફરી કરવા માટે રિક્ષામાં કે ચાલતું સ્ટેશન સુધી પહોંચવું પડશે.? કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા મેટ્રો પ્રોજેકટમાં પાર્કિંગની સમસ્યાના કારણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેલ જાય તો તેમાં કોઈ નવાઈ નહીં હોય.
અમદાવાદમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી ટ્રાફિક પોલીસ શહેરમાં પાર્કિંગની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક જગ્યા પર પાર્કિંગ પોઈન્ટ શરૂ કર્યા છે. જ્યારે બીજી બાજુ કરોડોના ખર્ચે બની રહેલી મેટ્રો રેલની સુવિધામાં પાર્કિંગ જ બનાવાયુ નહીં. ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે એક સ્થળથી બીજા સ્થળે ઝડપી જવા માટે મેટ્રો રેલ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ મેટ્રો સ્ટેશન પર આવનારને પાર્કિંગ શોધવામાં જ વધુ સમય લાગી જશે. પાર્કિંગ બાબતે મેટ્રો રેલના PROએ જણાવ્યું કે, સ્ટેશન બહારની જવાબદારી લોકલ બોડીની હોય છે, પાર્કિંગની વ્યવસ્થા મેટ્રો રેલ કોર્પોરેશનમાં નથી આવતી. અમારું કામ તો મેટ્રોને બનાવીને એને ચલાવવાનું છે. જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે, પાર્કિંગની જવાબદારી તો મેટ્રો રેલે કરવાની હોય. ત્યારે હવે અહી સ્પષ્ટ થાય છે કે મોટા ઉપાડે મેટ્રો તો લાવી રહ્યા છે પણ પાર્કિંગ મુદ્દો તંત્ર અને મેટ્રો રેલ બંને ભૂલી ગયા છે.
![]() |
![]() |
![]() |











