Sunday, October 26, 2025
HomeGeneralતેણે અમદાવાદમાં 17 વર્ષ પહેલા 41 કિલો ચાંદી લૂંટી અને પછી ગોવામાં...

તેણે અમદાવાદમાં 17 વર્ષ પહેલા 41 કિલો ચાંદી લૂંટી અને પછી ગોવામાં પકડવા લાગ્યો માછલી, જાણો કોરોનાને કારણે પોલીસે કેવી રીતે ઝડપ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): દરેક ગુનેગાર માનતો હોય છે કે તે કાયદાને ચકમો આપી શકે છે, પણ આજે નહીં તો કાલે કાયદાનો પંજો તેના સુધી પહોંચી જાય છે, 2005માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં 41 કિલો ચાંદીની લૂંટ કરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 17 વર્ષ બાદ પકડી પાડયો છે, 17-17 વર્ષ સુધી પોતાની જાતને પોલીસથી બચાવી રાખવામાં સફળ થયેલો આરોપી અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા પોતાના પરિવારને મળવા આવ્યો હતો, જેની જાણકારીને આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે.

2005માં સીજી રોડ ઉપર આવેલા શ્રીજી પ્લેટર્સના માલિક ગુણવંતભાઈ દવે પોતાની મોટર સાયકલ ઉપર 41 કિલો ચાંદી લઈ નિકળ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલા આરોપીએ તેમની મોટર સાયકલને ટક્કર મારી નીચે પાડી દીધા હતા અને તેમની આંખમાં મરચુ નાખી 41 કિલો ચાંદી લૂંટી લીધી હતી, આ બનાવ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ કરી પોલીસને લૂંટમાં સામેલ ત્રણ આરોપીઓ મળી આવ્યા હતા પરંતુ અમરાઈવાડીમાં રહેતો ગોમ્સ ડીસોઝા નામનો આરોપી મળી આવ્યો ન્હોતો. પોલીસે અનેક વખત તેના ઘરે તપાસ કરી તો જવાબ મળતો હતો કે ગોમ્સ મુંબઈ જતો રહ્યો છે, નવરંગપુરા પોલીસ અનેક વખત આરોપીને શોધવા મુંબઈ ગઈ પણ જાણે તે પાતાળમાં જતો રહ્યો તેવું લાગી રહ્યું હતું.

- Advertisement -



ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડના સ્ક્વોર્ડમાં રહેલા સબઈન્સપેકટર એમ એચ શિણોલ અને એસ બી પટેલ વોન્ટેડ આરોપીને ટ્રેક કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે 17 વર્ષથી ગુમ થયેલો આરોપી ગોમ્સ ડીસોઝા તેના પરિવારના સભ્યો સાથે સોશીયલ મીડિયા મારફતે સંપંર્કમાં 2019થી છે આથી ટેકનીકલ ટીમે પોતાની ટ્રેકીંગ સીસ્ટમને એલર્ટ કરતા ગોમ્સ અમદાવાદમાં આવ્યો હોવાની જાણકારી મળી હતી, જે માહિતીને આધારે હેડ કોન્સટેબલ સુરેશભાઈ અને કોન્સટેબલ હર્ષદસિંહે તપાસ શરૂ કરતા ગોમ્સ ચાંદલોડીયા વિસ્તારમાં હોવાની જાણકારી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને શોધી કાઢયો હતો.

આટલા વર્ષ સુધી પોલીસને ચકમો આપવામાં સફળ ગોમ્સને અંદાજ ન્હોતો કે પોલીસ તેના સુધી પહોંચી જશે, ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં તેણે જાણકારી આપી કે તેનો જન્મ અમદાવાદના રામોલમાં થયો હતો. જો કે થોડા વર્ષો પછી માતાનું નિધન થયુ અને પિતા બધા ભાઈ બહેનને ત્રાસ આપતા હોવાને કારણે તેઓ પપ્પાથી અલગ થઈ અમરાવાડીમાં રહેવા આવ્યા હતા, ધોરણ 6 સુધી અભ્યાસ કરનાર ગોમ્સ 2005માં વિજય ઠક્કરના સંપર્કમાં આવ્યો હતો, જેણે આ લૂંટની યોજના બનાવી હતી, જોકે લૂંટ કર્યા બાદ ગોમ્સ તરત મુંબઈ જતો રહ્યો હતો ત્યાંથી તે ગોવા પહોંચ્યો અને ત્યાં પણજીમાં માછલી પકડવાના ધંધામાં રોકાઈ ગયો હતો.

- Advertisement -



ગોમ્સે વર્ષો સુધી પોતાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ન્હોતો, પરંતુ 2019માં તેણે ફેસબુક મારફતે પોતાના ભાઈ-બહેનનો સંપર્ક કર્યો હતો. હમણાં તેને જાણકારી મળી કે ચાંદલાડીયામાં રહેતા તેના ભાઈ રવિની પત્ની ગર્ભવતી હોવાને કારણે સીમંતનો પ્રસંગ છે એટલે તે તા 9 ડિસેમ્બરના ગોવાથી અમદાવાદ આવ્યો હતો, તે ગોવા જવાનો હતો પરંતુ કોરાનાનું સંક્રમણ વધતા તે રોકાઈ ગયો અને તેમાં ક્રાઈમ બ્રાન્ચ તેના સુધી પહોંચી ગઈ હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular