Saturday, October 25, 2025
HomeGujarat'આજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ...

‘આજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ સાચો છે, બાકીના બધા ખોટા’

- Advertisement -

જમ્મુ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ તમામ ભયાનક સમસ્યાઓનો અસરકારક ઉકેલ વેદોમાં છે.

જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીત્તો ઓડિટોરિયમમાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બોલતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આપણા બધા માટે ગર્વની વાત છે કે, છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશભરમાં આર્ય સમાજ સંબંધિત કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમો આર્ય પ્રતિનિધિ સભાઓ અને સર્વદેશી પ્રતિનિધિ સભાઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે વૈદિક માર્ગને અનુસરનારાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યા છે.

- Advertisement -

તેમણે કહ્યું કે, જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો ત્યારે દેશની વસ્તી લગભગ 33 કરોડ હતી. તે સમયે તેમણે એકલા હાથે રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, આડંબર અને પાખંડ સામે ચળવળ શરૂ કરી હતી. તે સમયે વેદ પર ધૂળ જામેલી હતી, જેને સ્વામી દયાનંદજીએ દૂર કરી અને માનવતાને ફરીથી વેદોનો પરિચય કરાવ્યો. તેમના કાર્યના પરિણામે, ગુરુદત્ત વિદ્યાર્થી, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત લેખરામ જેવા તેજસ્વી વૈચારિક યોદ્ધાઓની નવી પેઢી પેદા થઈ હતી.

રાજ્યપાલએ કહ્યું કે, આજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ સાચો છે, બાકીના બધા ખોટા છે. આ સંકુચિત માનસિકતા વૈશ્વિક સંઘર્ષોનું મૂળ બની ગઈ છે. વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે અને આ વેદોનો પરિચય કરાવનાર મહાપુરુષ મહર્ષિ દયાનંદ હતા.

રાજ્યપાલએ ચિંતા વ્યક્ત કરી કે, આજે વેદોનું જ્ઞાન છે, પરંતુ આપણે તેને આપણી આસપાસ અને દુનિયામાં ફેલાવી શકતા નથી. જો આ જ્ઞાન આપણી સાથે સમાપ્ત થઈ જશે, તો તે આવનારી પેઢીઓ સુધી કેવી રીતે પહોંચશે? આ જ્ઞાન ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેને વહેંચવામાં આવે.

- Advertisement -

રાજ્યપાલએ તેમના સંબોધનની શરૂઆત પ્રખ્યાત વૈદિક મંત્ર – “ઓમ… અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુયોર્મા અમૃતમ્ ગમય” – થી કરી અને કહ્યું કે, આ વૈદિક સંદેશ આજના મુશ્કેલ સમયમાં પણ સમગ્ર માનવતા માટે ખૂબ જ સુસંગત છે.

તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૦૦ થી સ્વતંત્રતા સુધીનો સમયગાળો આર્ય સમાજ માટે સુવર્ણ યુગ હતો. ઉત્તર ભારતમાં વૈદિક વિચારધારાનો ફેલાવો એટલો વ્યાપક હતો કે ભાગ્યે જ કોઈ ઘર તેનાથી અળગું રહ્યું. સ્વતંત્રતા સંગ્રામના તમામ મુખ્ય સેનાનીઓ કોઈને કોઈ રીતે સ્વામી દયાનંદ અને આર્ય સમાજથી પ્રેરિત હતા. સ્વતંત્રતા પછી પણ, દેશના કલ્યાણ માટે કામ કરતા સમાજ સુધારકો પર આર્ય સમાજનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાતો હતો.

તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે, સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, અવૈજ્ઞાનિક માન્યતાઓ અને પાખંડ ફરીથી માથું ઉંચુ કરી રહ્યા છે. આવા સમયે, આપણી જવાબદારી અનેકગણી વધી જાય છે.

- Advertisement -

રાજ્યપાલએ મહાત્મા હંસરાજ, લાલા લજપત રાય અને ડી.એ.વી. સંસ્થાઓ જેવા સમાજ સુધારકોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેઓએ નવી પેઢીને શિક્ષિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રાજ્યપાલશ્રીએ સ્વામી શ્રદ્ધાનંદની પ્રેરણાદાયી વાર્તા પણ સંભળાવી હતી, જેમણે સત્યાર્થ પ્રકાશ વાંચ્યા પછી વૈદિક ગુરુકુળોની પુનઃસ્થાપનાનું કાર્ય હાથ ધર્યું હતું.

તેમણે જણાવ્યું કે, સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં ગુરુકુળ કાંગડીની સ્થાપના કરી હતી, પરંતુ તે સમયે કોઈ પોતાના બાળકોને ત્યાં મોકલવાની હિંમત કરતું નહોતું. પછી તેમણે પોતાના પુત્રોને જ પોતાના શિષ્યો બનાવીને ગુરુકુળ શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે, સ્વામી દયાનંદે પોતાના જીવનમાં અપમાન, ટીકા બધું જ સહન કર્યું, પરંતુ ક્યારેય પોતાના ધ્યેયથી ભટક્યા નહીં અને આર્ય સમાજની સ્થાપના કરી. આજે આર્ય સમાજના અનુયાયીઓએ વેદોના માર્ગને આગળ વધારવા અને સમાજને વૈદિક પ્રકાશથી પ્રકાશિત કરવો જરૂરી છે.

આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આર્ય વીર દળ અને આર્ય વીરાંગના દળ જેવા સંગઠનો જ આર્ય સમાજના પુનરુત્થાનનો માર્ગ મોકળો કરી શકે છે.

આ પ્રસંગે શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી, જમ્મુના વૈજ્ઞાનિક ડૉ. વિવેક મનોહર આર્ય ને પ્રાકૃતિક કૃષિ, જમીન વિજ્ઞાન, આબોહવા પરિવર્તન અને કુદરતી સંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ આર્ય પ્રતિનિધિ સભા, જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ નરેન્દ્ર ત્રેહનના નેતૃત્વમાં આયોજિત કરાયો હતો. આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના મહામંત્રી વિનય આર્ય, જમ્મુ અને કાશ્મીરના મહામંત્રી રાજીવ સેઠી, ખજાનચી યોગેશ ગુપ્તા, રણવિજય શાસ્ત્રી, મુકેશ શાસ્ત્રી, ચૈનલાલ શાસ્ત્રી, ડૉ. સત્યપ્રિયા, ડૉ. પ્રિયંકા, કુલદીપ ગુપ્તા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરુણ કુમાર ગુપ્તાની પણ સક્રિય ભાગીદારી રહી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular